બ્રિટનની બ્રેક્ઝિટ નીતિથી ભારત સાથે મુક્ત વેપારની સંધિને ફટકો?

Wednesday 25th July 2018 06:56 EDT
 
 

લંડનઃ બ્રિટનની બ્રેક્ઝિટ નીતિથી ભારત સાથેના સંબંધોને અસર થવાની અટકળો તીવ્ર બની છે. બ્રિટન દ્વારા યુરોપિયન સંઘમાંથી સંપૂર્ણપણે અલગ થવા પછીની વિદેશનીતિ અને વેપારનીતિ વિશે રૂપરેખા તૈયાર ઘડાઈ રહી છે. નવી નીતિના ભાગરૂપે બ્રિટન ભારતને પ્રાથમિકતા આપવાના પક્ષમાં ન હોવાથી ભારતને ફટકો પડે એવા સંકેતો છે.

બ્રિટને યુરોપિયન સંઘમાંથી અલગ થવાનો નિર્ણય લીધો અને તેની સત્તાવાર પ્રક્રિયા પાર પડે તે પછી ધીમે ધીમે બ્રિટનની વેપારનીતિ પણ બદલાશે, જેની રુપરેખા વડા પ્રધાન થેરેસા મેની આગેવાનીમાં તૈયાર થાય છે. આ રૂપરેખા પ્રમાણે બેક્ઝિટ પહેલાં ભારતને જે છૂટછાટો મળતી હતી તે બંધ થવાના સંકેતો છે.

બેક્ઝિટ પછી બ્રિટન-ભારત વચ્ચે નીતિવિષયક રિપોર્ટ લીક થયો હતો. સંશોધનાત્મક પત્રકારોના સંગઠન પાસે આવેલા અહેવાલ પ્રમાણે બ્રિટને ભારતને બેક્ઝિટ પહેલાં વેપારમાં ઘણા ફાયદા કરી આપ્યા હતા, પણ બેક્ઝિટ પછી ભારતનો સમાવેશ એવા દેશોમાં કરાયો નથી. બેક્ઝિટ નીતિના ભાગરૂપે બ્રિટન ભારતને પ્રાથમિકતા આપવાના પક્ષમાં નથી. તે કારણે ભારતને ફટકો પડી શકે છે.

અત્યારે ભારતના જગવિખ્યાત બાસમતી ચોખા છૂટથી બ્રિટનમાં પહોંચે છે, પણ હવે તેની આયાતમાં વેરો ઝીંકાય તેવી શક્યતા છે. આ જ રીતે પનીર સહિતની ડેરી પેદાશોની આયાત પણ ઘટાડાશે. યુકે બિઝનેસ કરવા ઈચ્છતા ભારતીય બિઝનેસમેનને પણ આગામી વર્ષોમાં આકરી નીતિનો સામનો કરવો પડશે. ટેરિફમાં વધારો કરીને બ્રિટિશ કંપનીઓની પ્રોડક્ટ ભારત આયાત કરે તો જ ભારતને નિકાસમાં છૂટછાટ મળશે તેવી નીતિનો તખ્તો ઘડાઈ રહ્યાનો દાવો રિપોર્ટમાં કરાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter