ભારતથી બ્રિટન બધે લોકડાઉન

Wednesday 25th March 2020 05:19 EDT
 
 

અમદાવાદઃ વિશ્વના બહુમતી દેશો જીવલેણ કોરોનાના પંજામાં સપડાયા છે. ચેપગ્રસ્તોથી માંડીને મૃતકોનો આંકડો જે ઝડપે વધી રહ્યો છે તે જોતાં વિવિધ દેશોની સરકારો પોતાના નાગરિકોને આ મહામારીમાંથી ઉગારી લેવાના આખરી ઉપાય તરીકે પોતપોતાના દેશ - પ્રદેશમાં લોકડાઉન લાગુ કરી રહી છે. કોઇએ સાવચેતીના પગલારૂપે તો કોઇએ મહામારીને વધુ ફેલાતી રોકવાના ઉદ્દેશથી લોકડાઉન જાહેર કર્યું છે. આમાં ભારતથી માંડીને બ્રિટનનો સમાવેશ થાય છે.
બ્રિટનમાં જ્હોન્સન સરકારે સોમવારે તો ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટનના ઇતિહાસમાં સૌથી કઠોર લોકડાઉન જાહેર કરતાં ઘર બહાર જવા પ્રતિબંધ ફરમાવ્યો છે. તો વડા પ્રધાન મોદીએ આ લોકડાઉનને કરફ્યુ જ ગણી લેવા કહ્યું હતું. તેમણે લોકોને અનુરોધ કરતા કહ્યું હતું કે મહેરબાની કરીને ઘરની બહાર નીકળશો નહીં.
ભારતમાં હજુ પરિસ્થિતિ કંઇક અંશે નિયંત્રણમાં કહી શકાય તેવી છે. દેશમાં મંગળવાર સુધીમાં ૫૩૬ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૦ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે બ્રિટનમાં સ્થિતિ ઘણી જ ગંભીર ગણાવાઇ રહી છે. દેશમાં ૩૩૫ના મૃત્યુ થયા છે જ્યારે ૬૬૫૦ કેસ પોઝિટિવ છે.
ગુજરાતમાં સોમવાર મધરાતથી જ ૩૧મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરી દેવાયું હતું. જોકે હવે આ લોકડાઉન લંબાઇ ગયું છે. રાજ્યમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યા બાદ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા આ નિર્ણય લેવાયો હોવાનું ગુજરાત સરકારે જણાવ્યું હતું. ગુજરાતમાં મંગળવાર સુધીમાં ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે.
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંેહે સોમવારે રાત્રે સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. હવે સમગ્ર ગુજરાતમાં ૧૪૪મી કલમ લાગુ કરાઇ છે, અને મધરાતથી બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. લોકડાઉનના પગલે આવશ્યક સેવાઓ સિવાયની તમામ કામગીરી, ખાનગી વાહનોની અવરજવર બંધી કરી દેવાઇ છે. આવશ્યક સેવાઓમાં માત્ર મેડિકલ સ્ટોર, ગ્રોસરી શોપ, દુધ-શાકભાજી જેવી જીવનજરૂરી દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.

કોરોનાના પંજામાંથી બચી ગયા છે આ દેશો

પૃથ્વી પરના એક પછી એક દેશો કોરોનાની લપેટમાં આવી રહ્યા છે. આ સમયે સવાલ થવો સ્વાભાવિક છે કે કયા દેશો હજુ સુધી કોરોનામુક્ત છે? કેટલાક સદભાગ્યશાળી દેશો છે, જયાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી તે નીચે મુજબ છેઃ • મ્યાંમાર • યમન • તુર્કમેનિસ્તાન • નોર્થ કોરિયા • પાપુઆ ન્યુ ગિની • લાઓસ • લિબિયા • નાઈઝર • માલી • ચાડ • દક્ષિણ સુદાન • યુગાન્ડા • ઈરિટ્રિયા • સોમાલિયા • અંગોલા • ઝામ્બિયા • મોઝામ્બિક • બોત્સવાના • માડાગાસ્કર • ગ્રીનલેન્ડ • ગિનિ બિસાઉ • સિએરા લિઓન • બરુન્ડી • ગ્વાટેમાલા • ફ્રેન્ય ગયાના

•••

વિશેષ અહેવાલ માટે વાંચો

ગુજરાત સમાચાર અંક ૨૮ માર્ચ ૨૦૨૦

પાનઃ  ૨,૩,૪,૫,૬,૯,૧૦, ૧૧, ૧૨,૧૩, ૧૪,૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૩૦


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter