ભારતમાં ચાર વર્ષથી અસહિષ્ણુતા, ૨૦૧૯માં પરિવર્તન આવશેઃ રાહુલ

Thursday 17th January 2019 09:13 EST
 

દુબઈઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું તાજેતરમાં દુબઇની મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ૧૧મી અને ૧૨મી એમ બે દિવસ માટે દુબઇ અને અબુધાબીની મુલાકાતે હતા. રાહુલ ગાંધીએ અખાતી દેશોમાં વસતા ભારતીય મજૂરો અને કામદારોની મુલાકાત લીધી હતી. રાહુલે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું તમારી સમસ્યાઓને સાંભળવા માટે અહીં આવ્યો છું. ‘મન કી બાત’ કરવા માટે નહીં. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં અસહિષ્ણુતાનો માહોલ છે અને હવે આ વર્ષે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન જોવા મળશે અને દેશમાં સહિષ્ણુતા આવશે.
રાહુલે અહીં લેબર કોલોનીમાં ભારતીય કામદારો અને મજૂરોને કહ્યું હતું કે મને ખ્યાલ છે કે તમે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તમે બહુ જ મહેનતપૂર્વક કામ કરો છો અને પૈસાની બચત કરીને તેને પોતાના પરિવાર માટે મોકલો છો. હાલ તમે આ દુબઇમાં જે મોટી મોટી ઇમારતો અને મોટા એરપોર્ટ વગેરે જોઇ રહ્યા છો તે તમારી મહેનત અને પરસેવાને કારણે છે. તમારી વગર આ શક્ય જ નહોતું. દરેક ભારતીયોને તમારા પર ગૌરવ છે. હું પણ તમારી જેમ જ એક આમ નાગરિક છું અને હંમેશા તમારી સાથે ખભેખભો મીલાવીને ઉભો છું. જંગની શરૂઆત થઇ ગઇ છે અને આપણે જીતવા જઇ રહ્યા છીએ. રાહુલે આ નિવેદન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યું હતું.
દુબઇમાં આંધ્ર પ્રદેશના પણ અનેક મજૂરો હતા, જેને સંબોધતી વેળાએ રાહુલે વચન આપ્યું હતું કે જો સત્તામાં આવીશું તો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. દુબઇમાં મજૂરોના કેમ્પમાં રાહુલ પહોંચ્યા ત્યારે તેમનું ઉમળકાભેર મજૂરોએ સ્વાગત કર્યું હતું. રાહુલની સાથે સામ પિત્રોડા, કેરળ કોંગ્રેસના નેતા ઓમાન ચંડી પણ સાથે હતા.
આ પહેલા રાહુલ ગાંધીએ દુબઇના બિઝનેસ લીડરોની સાથે વાતચીત કરી હતી. અહીં રાહુલ ગાંધીને જોવા માટે આવેલા એક કન્સ્ટ્રક્શન વર્કરે જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી ભારતની આગેવાની લે અને દરેક વર્ગને સાથે રાખીને કામ કરે, દરેકનું સારું કરે. બે દિવસની આ મુલાકાત દરમિયાન
રાહુલ યુએઇના પ્રધાનોને પણ મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter