ભારતીય શેરબજારમાં તેજીને આંચકોઃ વર્ષનો ત્રીજો સૌથી મોટો કડાકો

Wednesday 24th November 2021 06:27 EST
 
 

મુંબઇઃ ભારતીય શેરબજારમાં સોમવારે વર્ષનો ત્રીજો સૌથી મોટો કડાકો થયો હતો. મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સ ૧,૧૭૦.૧૨ પોઇન્ટના ઘટાડા સાથે ૫૮,૪૬૫.૮૯ પર અટક્યો હતો તો નિફ્ટી ૩૪૮.૨૫ પોઇન્ટ તૂટીને ૧૭,૪૧૬ પર બંધ થયો હતો. કડાકાને કારણે બીએસઇ માર્કેટકેપ રૂ. ૮.૨૩ લાખ કરોડના ગાબડાં સાથે રૂ. ૨૬૦.૯૮ લાખ કરોડ થઇ ગયું હતું. મંગળવારે જોકે બજારમાં મામૂલી સુધારો દેખાયો હતો અને બીએસઇ સેન્સેક્સ ૧૯૮.૪૪ પોઇન્ટના ઉછાળા સાથે ૫૮,૬૬૪.૩૩ થયો હતો જ્યારે નિફ્ટી ૮૬.૮૦ પોઇન્ટ વધીને ૧૭૫૦૩.૩૫ ઉપર બંધ રહ્યો હતો.
સોમવારે ટેલિકોમ અને મેટલ્સને બાદ કરતાં તમામ સેક્ટરોમાં શેરના ભાવ ૪ ટકા સુધી ગગડ્યા હતા. બપોર બાદ વેચવાલીનું જોર એ હદે વધ્યું હતું કે સેન્સેક્સ ૧,૬૨૪ પોઇન્ટ તૂટીને ૫૮,૦૧૨ સુધી નીચે આવી ગયો હતો. નિષ્ણાંતોના મતે ગત દિવસોની કેટલીક ઘટનાને પગલે મંદીવાળાઓએ બજાર પર પકડ મજબૂત કરી હતી. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા આઇપીઓ પેટીએમનું નબળું લિસ્ટિંગ થયું હતું તો વડા પ્રધાન મોદીએ ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોંઘવારીના કારણે વિવિધ ક્ષેત્રોમાં માગને અસર થઈ છે. આમ એક કરતાં વધુ પરિબળોએ બજારનો મૂડ બગાડ્યો હતો.
ઉલ્લેખનીય છે ચાર જ સત્રમાં સેન્સેક્સ ૨,૨૫૩ પોઇન્ટ અને નિફ્ટી ૬૯૩ પોઇન્ટ તૂટ્યા છે. ૧૯ ઓક્ટોબરના રોજ સેન્સેક્સે ૬૨૨૪૫.૪૩ પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ માર્કેટમાં શરૂ થયેલા પ્રોફીટ બુકિંગ ટ્રેન્ડમાં સેન્સેક્સ એક માસમાં ૩૭૦૦ પોઇન્ટથી વધુ ઘટી ચૂક્યો છે. અગાઉ ૧૫ ફેબ્રુઆરીથી ૨૩ એપ્રિલ સુધીમાં ૮ ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ હાવી છે. જેમ કે, પેટીએમના ઇશ્યૂનું નિષ્ફળ લિસ્ટિંગ, રિલાયન્સ અરામ્કો ડીલ ઘોંચમાં પડવી, દેશની ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો, કૃષિકાયદા પાછાં ખેંચાતા પીએસયુ બેન્કો ઉપર દબાણ વધવાની દહેશત અને નવેમ્બર માસમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની રૂ. ૧૦,૦૦૦ કરોડ ઉપરાંતની નેટ વેચવાલી રહ્યા છે.
ગુજરાતના રોકાણકાર ૧ કરોડ થવાને આરે
શેરબજારમાં વધુને વધુ નવા રોકાણકારો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે નજીકના દિવસોમાં રોકાણ કરતા ગુજરાતીઓની સંખ્યા ૧ કરોડ થઈ જવાની શક્યતા છે. હાલ ગુજરાતના રોકાણકારોની સંખ્યા ૯૯ લાખ છે. સૌથી વધુ ૧૮૨ લાખ રોકાણકારો મહારાષ્ટ્રના છે. બીજા ક્રમે ગુજરાત રહેલું છે.

તેજીનો મૂડ બગાડતા પરિબળ
ભારતીય શેરબજારમાં મંદીનો ચમકારો દેખાયો છે તે માટે ત્રણ કારણ મુખ્ય છે. આર્થિક સુધારાથી દેશમાં વિદેશી રોકાણ આવતું હતું. હવે કૃષિકાયદા પાછા ખેંચાતા ચૂંટણી સુધી કેન્દ્ર કોઇ સુધારા નહીં કરે એવી આશંકા સર્જાઈ છે. બીજું, મોટા વિદેશી બ્રોકરેજે ભારતનું આઉટલુક ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ અથવા અન્ડરપર્ફોમ રાખ્યું છે. તેથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી વધી છે. જ્યારે ત્રીજું પરિબળ છે પેટીએમનું નબળું લિસ્ટિંગ. મહામારી બાદ ઘણા નાના રોકાણકારો બજારમાં આવ્યા હતા. પણ પેટીએમના નબળા લિસ્ટિંગના કારણે રિટેલ ઇનફ્લો ઘટવાની આશંકા વધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter