ભારત (સંક્ષિપ્ત સમાચાર)

Wednesday 11th April 2018 08:18 EDT
 

• છત્તીસગઢમાં નકસલી હુમલામાં બે જવાન શહીદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છત્તીસગઢના બસ્તરના પ્રવાસ પહેલાં સોમવારે એટલે કે નવમી એપ્રિલે નકસલીઓએ બીજાપુરમાં ત્રણ કલાકમાં ત્રણ મોટા વિસ્ફોટ કર્યાં હતાં. તેમાંથી બે વિસ્ફોટમાં પોલીસના બે જવાન શહીદ થયા અને ૭ અન્યને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં મૃત્યુનો આંક વધવાની શક્યતા જોવાઈ રહી છે. નકસલીઓ ૧૪મી એપ્રિલે વડા પ્રધાનના પ્રવાસનો વિરોધ કરી રહ્યાા છે.
• શક્સગામ વેલીમાં ચીને ૭૦ કિ.મી.નો રોડ બનાવ્યોઃ સપ્ટેમ્બર, ૨૦૧૭થી ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન શક્સગામ ખીણમાં ચીને ૭૦ કિમીનો રોડ બનાવ્યા હોવાનો દાવો કરતા ગુપ્તચર વિભાગના અહેવાલ અંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ચીનના સૂત્રોના જણાવ્યા અનુસાર પર્વતારોહણ અને પ્રવાસના ઉદ્દેશથી આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ માને છે કે ચીને પોતાનો વિસ્તાર વધારવાના હેતુથી આ રોડનું નિર્માણ કર્યું છે અને ટૂંક સમયમાં આ વિસ્તારની ભારત સીમા નજીક તેઓ પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી શકે છે.
• ચંદા કોચરે પદ છોડી દેવું જોઈએ: વીડિયોકોન લોન કૌભાંડમાં આઈસીઆઈસીઆઈ બેન્ક વિવાદોમાં સપડાયા પછી ચંદા કોચરને બેન્કનાં સીઈઓ તરીકે ચાલુ રાખવાનાં મુદ્દે બેન્કનાં બોર્ડમાં મતભેદો સપાટી પર આવ્યા છે. બોર્ડના કેટલાક સભ્યોનું એવું માનવું છે કે બોર્ડે ચંદા કોચરને આ મામલે ગયા અઠવાડિયે ક્લીનચિટ આપવામાં ઉતાવળ કરી હતી. આ મુદ્દે નિર્ણય લેવા ટૂંકમાં બોર્ડની અનૌપચારિક બેઠક મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં ચંદા કોચરને રાજીનામું આપવા કહેવામાં આવે તો નવાઈ નહીં.
• ઇન્દ્રાણી મુખરજીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલઃ આઈએનએક્સ મીડિયાની ભૂતપૂર્વ હેડ અને પુત્રી શીના બોરા હત્યાના આરોપસર ભાયખલા જેલમાં સજા કાપી રહેલી ઇન્દ્રાણી મુખરજીની તબિયત આઠમી એપ્રિલે લથડતાં તેને મુંબઈમાં આવેલી જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હાલમાં તેની સ્થિતિ સ્થિર છે. પણ તેને એક અઠવાડિયા માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, એવું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. તેની પર બ્રેઇનનું MRI અને અન્ય પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી