ભ્રષ્ટાચારનું અત્તરઃ રૂ. ૧૦૦૦ કરોડનો માલિક સ્કૂટરમાં ફરતો, બસમાં પ્રવાસ કરતો

Wednesday 05th January 2022 08:00 EST
 
 

લખનઉ: નામ છે પીયૂષ જૈન. ઉત્તર પ્રદેશના કન્નૌજનો છિપટ્ટી વિસ્તાર આજકાલ આ પીયૂષ જૈનના કારણે ચર્ચામાં છે. તેના ઘરેથી આવકવેરા વિભાગને અત્યાર સુધી રૂ. ૨૮૪ કરોડ રોકડ, ૨૭૫ કિલો સોનું-ચાંદી, રૂ. છ કરોડની કિંમતનું ૬૦૦ કિલો ચંદન, રૂ. ૪૦૦ કરોડથી પણ વધુની મિલકતના દસ્તાવેજો, ૫૦૦ ચાવી, ૧૦૯ તાળાં અને ૧૮ લોકર મળી ચૂક્યાં છે. આ લોકર્સમાંથી જે કંઇ મળશે એ તો અલગ. ૨૪ ડિસેમ્બરથી તેના ઘરે સેન્ટ્રલ જીએસટી વિભાગે તપાસ શરૂ કરી છે, જે હજુ ચાલી રહી છે.
પીયૂષ જૈનના સાત ઘરોની દિવાલો, લોકર વગેરેને કટર તેમજ અન્ય સાધનોની મદદથી તોડવામાં આવી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા પુરાવા અને રોકડ રકમ તેમજ સોનું મળતું જાય છે. નવાઇની વાત એ છે કે જમીન અને દિવાલોમાં પૈસાની જાણકારી મેળવવા માટે એક્સરે મશીન મગાવવી પડી હતી જ્યારે જે રોકડ રકમ મળી રહી છે તેની ગણતરી કરવા માટે ૨૦થી વધુ મશીનો લગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં તેની પાસેથી આશરે રૂ. ૧૦૦૦ કરોડનું કાળું નાણું મળી ચૂક્યું છે. આમ છતાં, પીયૂષ જૈનના લોકરના અનેક દરવાજા ખૂલી નથી શક્યા. જાણો, શું છે સમગ્ર કહાની? તેણે કેવી રીતે ઊભો કર્યો આટલો મોટો વેપાર? કોણ છે પીયૂષ જૈન?
પીયૂષનો જન્મ કન્નૌજમાં થયો છે અને વ્યવસાયે અત્તરનો વેપારી છે. અહીં તેનું વારસાઈ મકાન છે. કાનપુરમાં રહેતો હતો. અત્તરની ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ સહિત ૪૦થી વધુ કંપનીનો માલિક છે. આ કંપનીઓની હેડ ઓફિસ મુંબઈમાં છે. તે વિદેશોમાં પણ અત્તર મોકલે છે. બે કંપની મિડલ ઈસ્ટમાં પણ છે. મુંબઈમાં એક આલિશાન બંગલો પણ છે.
લાઈફસ્ટાઈલ કેવી છે?
પીયૂષને ઓળખનારા લોકો માને છે કે, તે સાદગીપ્રિય માણસ છે. કન્નૌજમાં ઘરે આવે ત્યારે શર્ટ-પેન્ટ અને હવાઈ ચપ્પલ પહેરીને જૂનું પ્રિયા બજાજ સ્કૂટર ચલાવીને જ આવતો. તેની પાસે ૧૫ વર્ષ જૂની કાર પણ છે, પરંતુ કન્નૌજથી કાનપુર ૯૫ કિ.મી.નો પ્રવાસ પણ તે બસમાં કરતો હતો.
બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી?
પીયૂષ જૈન કેમિસ્ટ્રીમાં એમ.એસસી. છે. તેના પિતા મહેશચંદ્ર સાબુ-ડિટર્જન્ટના કમ્પાઉન્ડ બનાવતા. એ ધંધો વિસ્તારીને તે ગુટખા-તમાકુના કમ્પાઉન્ડ પણ બનાવવા લાગ્યો. અહીંથી જ તેના દિવસો બદલાયા અને તેણે કાળી કમાણીનું સામ્રાજ્ય ઊભું કર્યું. ૧૫ વર્ષ પહેલાં તે પરિવાર સહિત એક રૂમના મકાનમાં રહેતો હતો.
થેલીઓમાં મળ્યા ચાવીના ઝૂમખા
વિજિલન્સ ટીમને જૈનના મકાનની અંદર અલગ-અલગ થેલાઓમાંથી ચાવીઓ મળી છે, પણ પીયૂષ મગનું નામ મરી પાળતો નથી આથી અધિકારીઓ કામે લાગ્યા છે. તાળું તોડનારા એક કારીગરે જણાવ્યું હતું કે કુલ ૩૦૦ ચાવી છે. તેમને એક એક તાળામાં લગાવીને જોવામાં તકલીફ થઇ રહી છે. જે તાળા ખૂબ પ્રયાસો બાદ પણ ખોલવામાં સફળતા નથી મળતી તેમને તોડવા માટે તેમને બોલાવવામાં આવે છે. કારીગરે જણાવ્યું હતું કે તેમણે ત્રણ મોટા તાળા તોડયા હતા જ્યારે બે જગ્યાએ આંકડી તોડી છે. જૈનના ઘરમાંથી દોઢ ડઝન લોકરની પણ તલાશી લેવાઇ છે. આ ઉપરાંત અન્ય મકાન અને નજીકમાં બનેલા ગોડાઉનમાં એવા ભોંયરા અને દીવાલોમાં લોકરો હતાં જેમને શોધવા મુશ્કેલ હોવાથી આર્કિટેક્ટ એન્જિનિયરોની ટીમ બોલાવાઇ હતી.
છુપાવેલા નાણાંથી પરિવાર પણ અજાણ
તપાસમાં સામે આવ્યું છે કે પીયૂષ જૈન પાસે પૈસા રાખવા માટે બોક્સ ઘટયા હતા જેને પગલે તેણે જમીનમાં જ બંકરો બનાવી રાખ્યા હતા. સમગ્ર મામલાની તપાસ કરનારી ડીજીજીઆઇની ટીમના એક અધિકારીએ દાવો કર્યો હતો કે પીયૂષ જૈને કનૌજ સ્થિત પોતાના ઘરમાં જમીનમં બંકરો બનાવ્યા હતા જેમાં તે પૈસા છુપાવીને રાખતો હતો. સતત પાંચ દિવસ સુધી તેના કાનપુર અને કનૌજ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં સામેલ એક અધિકારી અમિત દુબેએ કહ્યું હતું કે ભારે મુશ્કેલી બાદ જમીનની નીચે બનાવેલા બે બંકરોમાંથી કેશ મળી આવ્યા હતા. પરિવારના લોકોને પણ આ પૈસાની જાણકારી નહોતી.
તપાસનો રેલો કેમ પહોંચ્યો?
આ કહાની અઢી મહિના પહેલાં શરૂ થઈ હતી. કાનપુરથી ૧૧૦૦ કિ.મી. દૂર અમદાવાદમાં જીએસટી વિભાગની ટીમે ચાર ટ્રક પકડી. તેમાં તમાકુ અને પાન-મસાલા હતા. તેની તપાસમાં ગણેશ ટ્રાન્સપોર્ટના નામે ૨૦૦થી વધુ નકલી ઈનવોઈસ પણ મળ્યા. તેના થકી ટીમ કાનપુર સ્થિત શિખર પાન મસાલાની ફેક્ટરીએ પહોંચી. તેના માલિક પ્રદીપ અગ્રવાલ દિલ્હીમાં હતા એટલે પૂછપરછ ના થઈ શકી. પછી ગણેશ ટ્રાન્સપોર્ટના માલિક પ્રવીણ જૈનને અટકાયતમાં લઈને પૂછપરછ કરી. પીયૂષ જૈનનો ભાઈ અમરીશ પ્રવીણ જૈનનો બનેવી છે.
જેલમાં કેદ પીયૂષની ઊંઘ વેરણ થઇ
અઘોષિત સંપત્તિ, કેશ, સોના અને ચંદનનું તેલ તેમજ લાકડુ જપ્ત થયા બાદ પીયૂષ જૈનની જીએસટી એક્ટની કલમ ૬૭ અંતર્ગત ધરપકડ કરાઇ હતી અને હાલ તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પીયૂષ જૈન હાલ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. તેને કાનપુરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. જોકે જેલમાં તેની પ્રથમ રાત ખરાબ વીતી હતી, તેને રાતભર ઉંઘ નહોતી આવી અને બેરેકમાં જ ફરતો હતો. તેણે ભોજન પણ કર્યું નહોતું. તે અન્ય કેદીઓની સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યો છે.
ભ્રષ્ટાચારનું અત્તર સૌની સામે આવી ગયું છેઃ મોદી
કાનપુર મેટ્રોના ઉદઘાટન વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું કે બોક્સ ભરી ભરીને ચલણી નોટો મળી રહી છે. છતાં લોકો એમ કહેશે કે આ તો અમે કર્યું. ૨૦૧૭ પહેલાં ભ્રષ્ટાચારનું જે અત્તર આખા ઉત્તર પ્રદેશમાં છંટાયું હતું, તેની સુગંધ બધે જ પહોંચી છે. હવે તેમના મોંઢે તાળાં છે. આ નોટોનો પહાડ ભયાનક ભ્રષ્ટાચારનો પુરાવો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter