મણિપુરમાં પહેલી વખત ભાજપ સરકાર : બિરેન સિંહ મુખ્ય પ્રધાન

Thursday 16th March 2017 07:10 EDT
 
 

ઇમ્ફાલ: દોઢ દસકા સુધી કોંગ્રેસનો ગઢ રહેલા મણિપુર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યમાં પહેલી વાર ભાજપે એન. બિરેન સિંહના નેતૃત્વમાં સરકાર રચીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ચાર મહિના પહેલાં જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર બિરેન સિંહે ૧૫ માર્ચે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. એક સમયે રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલર અને બાદમાં પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચૂકેલા છેલ્લા થોડાક વર્ષથી રાજકારણમાં સક્રિય છે. બિરેન સિંહની સાથે અન્ય આઠ પ્રધાનોએ પણ હોદ્દાના શપથ લીધા હતા.

રાજ્યમાં નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના નેતા વાય. જોય કુમારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂતકાળમાં રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રહી ચૂક્યા છે. ભાજપને સમર્થન આપનાર એનપીએફના ચાર ધારાસભ્યો લોકી દીખો, એલ. જયંતા કુમાર, લેતપાઓ હાઓકિપ અને એન. કાયિસીએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભાજપમાંથી ટી. એચ. વિશ્વજીત અને ટી. એચ. શ્યામ કુમારે શપથ લીધા હતા જ્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માંથી કરમશ્યામે શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે મણિપુર વિધાનસભા ચૂંટણીના ગયા સપ્તાહે જાહેર થયેલા પરિણામો સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસે સૌથી વધુ ૨૮ બેઠકો મેળવી હતી. આમ છતાં કેન્દ્રીય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે હાથમાંથી સત્તા સરકી ગઈ છે. વિમાનમાં યાંત્રિક ખરાબી સર્જાવાને કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહી શક્યા નહોતા. તેમને અધવચ્ચેથી દિલ્હી પાછું ફરવું પડયું હતું.

ભાજપનું બેઠક ગણિત

મણિપુરની ૬૦ સભ્યોની વિધાનસભામાં કોઇ પણ પક્ષને સરકાર રચવા બહુમતી માટે ૩૧ ધારાસભ્યોના ટેકાની જરૂર હતી. પરિણામ જાહેર થયા હતા તેમાં કોંગ્રેસને ૨૮ અને ભાજપને ૨૧ બેઠકો મળી હતી. આમ બીજા નંબરે હોવા છતાં જરૂરી ધારાસભ્યોનો ટેકો મેળવીને ભાજપે સરકાર બનાવી છે. એનપીએફના એક અને નાગા પીપલ્સ ફ્રન્ટના ચાર ધારાસભ્યોએ તેને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ અને એલજેપીના એક-એક ધારાસભ્ય અને એક અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો હતો. આમ ભાજપનું કુલ સંખ્યાબળ ૩૨ થયું હતું.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter