મમતા કુલકર્ણીએ ભગવા ધારણ કર્યાઃ હવે કિન્નર અખાડાની ‘મહામંડલેશ્વર’

Tuesday 28th January 2025 09:40 EST
 
 

પ્રયાગરાજઃ બોલિવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ભગવો ભેખ ધારણ કરતાં જ વિવાદનો વંટોળ ઉઠ્યો છે. સાધુસંતોનો એક વર્ગ કહે છે કે મમતાએ સંન્યાસ ધારણ કર્યો છે તો તેમાં વાંધો શું છે. જ્યારે બીજો વર્ગ કહે છે કે આ રીતે કોઇ પણ વ્યક્તિને દીક્ષા કે મહામંડલેશ્વરની પદવી આપી દેવાનું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે એક સમયે મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરાવીને ચર્ચા જગાવી હતી તો એક સમયે અંડરવર્લ્ડ સાથે પણ તેના સંબંધ રહ્યા છે.

મમતાએ પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસની દીક્ષા ગ્રહણ કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. સંન્યાસ લેતા જ અભિનેત્રીને હવે એક નવું નામ પણ મળ્યું છે - શ્રી માઈ મમતા નંદગિરિ. 53 વર્ષીય અભિનેત્રી શુક્રવારે સવારે જ મહાકુંભમાં કિન્નર અખાડા પહોંચી હતી અને કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી આશીર્વાદ લીધા હતા. બન્ને વચ્ચે લગભગ એક કલાક સુધી મહામંડલેશ્વર બનવા અંગે ચર્ચા થઈ હતી. આ પછી મમતાએ ધાર્મિક વિધિ કરી હતી. પોતાનું પિંડદાન કર્યું હતું. અને સંન્યાસ ધારણ કર્યા બાદ મહામંડલેશ્વરની પદવી આપવાની ઘોષણા કરાઈ હતી. મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી બાદમાં મમતા સાથે અખિલ ભારતીય અખાડાના પ્રમુખ રવીન્દ્ર પુરીને પણ મળ્યા હતા.
બેઠક બાદ મમતાએ કહ્યું હતું કે મહાકુંભમાં આવવું અને અહીંની ભવ્યતા જોવી એ તેના માટે ખૂબ જ યાદગાર ક્ષણ હશે. આ મારું સૌભાગ્ય છે કે હું પણ મહાકુંભના આ પવિત્ર સમયનો સાક્ષી બની રહી છું. હું અહીં સંતોના આશીર્વાદ મેળવી રહી છું. મેં ફિલ્મી દુનિયા છોડી દઇને સંન્યાસ ધારણ કર્યો છે.

જ્યારે મમતા કુલકુર્ણી કિન્નર અખાડામાં પહોંચી તો તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ. લોકોમાં તેની સાથે સેલ્ફી અને ફોટો પડાવવા લાગ્યા હતા.

મમતા ટોપલેસ ફોટોશૂટથી ચર્ચામાં આવી હતી

શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરનાર મમતા 1993માં સ્ટારડસ્ટ મેગેઝિનના ટોપલેસ ફોટોશૂટથી ચર્ચામાં આવી હતી. તે સમયે સમયે નિર્દેશક રાજકુમાર સંતોષીએ ફિલ્મ ‘ચાઈના ગેટ’માં મમતાને મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી હતી. શરૂઆતના મતભેદો પછી સંતોષી મમતાને ફિલ્મમાંથી બહાર કરવા માગતા હતા. રિપોર્ટ્સ અનુસાર અંડરવર્લ્ડનું દબાણ વધ્યા બાદ તેને ફિલ્મમાં રાખવામાં આવી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને બાદમાં મમતાએ પણ સંતોષી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter