પ્રયાગરાજઃ રશિયા અને યુક્રેન સહિતના 73 દેશના રાજદ્વારી હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં ડૂબકી લગાવી શકે છે. મેળા અધિકારી વિજય કિરણ આનંદે પુષ્ટિ કરી છે કે રાજદ્વારીઓ પહેલી ફેબ્રુઆરીએ આવી રહ્યા છે. તેમની સુવિધા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પત્ર લખીને જાણકારી આપી છે કે જાપાન, યુએસએ, રશિયા, યુક્રેન, જર્મની, નેધરલેન્ડ, કેમરુન કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વિડન, પોલેન્ડ અને બોલિવિયા સહિતના દેશોના રાજદ્વારી મહાકુંભમાં હાજરી આપશે.
પત્ર અનુસાર, આ તમામ વિદેશી રાજદ્વારી બોટ દ્વારા સંગમ પર પહોંચી ડૂબકી લગાવશે. ત્યારબાદ, તેઓ અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની મુલાકાત લેશે અને ‘ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્ર’માં મહાકુંભ અંગે જાણકારી મેળવશે.
વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ રાજદ્વારીઓના આગમન અંગેની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે સંગમમાં દરરોજ કોઈને કોઈ રાજકીય નેતાઓ અને સેલિબ્રિટી પણ પહોંચી રહી છે. આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિતના મહાનુભાવો પણ પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.