મહારાષ્ટ્ર-હરિયાણામાં કમળ ખીલ્યું

Saturday 06th December 2014 04:55 EST
 
 

મુંબઈ, ચંડીગઢઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે મેદાન માર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માટે લિટમસ ટેસ્ટ સમાન આ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ ફરી એક વાર સાબિત કર્યું છે કે મોદીમેજિક આજે પણ અકબંધ છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ૧૨૩ બેઠકો મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે જ્યારે હરિયાણામાં તેણે ૪૭ બેઠકો જીતીને પહેલી વખત પૂર્ણ બહુમતી મેળવી છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરના મુખ્ય પ્રધાન પદે સરકાર રચાઇ છે. જ્યારે મહારાષ્ટ્રમાં સરકારનું સુકાન યુવા નેતા દેવેન્દ્ર ફડનવીસને સોંપાયું છે. અહીં ભાજપ - ચૂંટણીપૂર્વે છેડો ફાડનાર ભૂતપૂર્વ સહયોગી - શિવ સેનાના સમર્થન સાથે સરકાર રચશે.

મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમત માટે જરૂરી ૧૪૫ બેઠકના આંકડા સુધી ન પહોંચવા છતાં ભાજપે અઢી દસકા જૂનો વિક્રમ તોડ્યો છે. રાજ્યમાં ૨૫ વર્ષના લાંબા અરસા બાદ કોઈ એક પક્ષે ૧૦૦ બેઠકોના આંકડાને પાર કરવામાં સફળતા મેળવી છે. અહીં ભાજપને પૂર્ણ બહુમત મળશે તેવા એક્ઝિટ પોલનાં તારણો ખોટાં પડયાં હતાં.

આ બન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, પણ ચૂંટણીમાં તેનો લગભગ સફાયો થઇ ગયો છે. પરિણામો બાદ તે છેક ત્રીજા સ્થાને ધકેલાઇ ગઇ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૨૮૮માંથી ૬૩ બેઠકો જીતીને શિવ સેના બીજા સ્થાને છે જ્યારે કોંગ્રેસ ૪૨ બેઠકો સાથે ત્રીજા સ્થાને છે. હરિયાણામાં કુલ ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૭, બીજા નંબરે રહેલા આઇએનએલડીએ ૧૯ અને કોંગ્રેસે ૧૫ બેઠકો મેળવી છે.

રવિવારે, ૧૯ ઓક્ટોબરે યોજાયેલી મતગણતરી પર રાજકીય વિશ્લેષકો સહિત સમગ્ર દેશની નજર હતી. પરિણામો જાહેર થતાં જ ભાજપે દિવાળીના આગમન પૂર્વે જ ધુમધડાકા સાથે દિવાળી ઉજવી હતી તો કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો.

ભાજપના પ્રમુખ અમિત શાહે આ વિજય અંગે એવો પ્રતિભાવ આપ્યો હતો કે સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો સફાયો કરવાની દિશામાં અમે ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. તો પરાજિત કોંગ્રેસે એવી પ્રતિક્રિયા આપી હતી કે પ્રજાએ પરિવર્તન માટે મત આપ્યા છે અને અમે તેમનો ચુકાદો માથે ચઢાવીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, જનાદેશનો હું સ્વીકાર કરું છું, આશા રાખું છું કે નવી બનનારી સરકાર પ્રજાની અપેક્ષાઓ પૂરી કરશે. મુંબઇમાં મંગળવારે યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં એકનાથ ખડસેએ પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ફડનવીસના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જ્યારે વિનોદ તાવડે, સુધીર મુંડઘંટીવાર અને પંકજા મુંડેએ તેને સમર્થન આપ્યું હતું.
બાદમાં ફડનવીસે ગવર્નરને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ૪૬ વર્ષના ફડનવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહનો આભાર માનતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની જેમ જ તેઓ રાજ્યમાં પણ પારદર્શી અને વિકાસના પંથે દોરી જાય તેવી સરકારની રચના કરશે. તેમનો શપથવિધિ સમારોહ ૩૧ ઓક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે.

શિવ સેનાએ સૂર બદલ્યો

૬૩ સભ્યો ધરાવતી શિવ સેનાએ ભાજપ સરકારને સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. ચૂંટણી પરિણામના દિવસ સુધી ભાજપને જાહેરમાં ભાંડી રહેલી શિવ સેનાએ અચાનક પોતાનો અભિગમ બદલ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભાજપ પ્રત્યે પોતાનું વલણ નરમ બનાવતાં શિવ સેનાએ સોમવારે જાહેર કર્યું હતું કે તે તેનાથી અલગ થઇ ગયેલા સાથી પક્ષ દ્વારા પસંદ થનારા નેતાને મુખ્ય પ્રધાન તરીકે સમર્થન આપવા તૈયાર છે.
વિશ્લેષકોના મતે, શિવ સેના પાસે આવી જાહેરાત કરવા સિવાય કોઇ વિકલ્પ પણ નહોતો. સેનાની કટ્ટર વિરોધી અને એક સમયની કોંગ્રેસની સાથીદાર એવી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે અગાઉ જ જાહેર કરી દીધું હતું કે તેઓ સૂચિત ભાજપ સરકારને બિનશરતી સમર્થન આપશે. શિવ સેનાથી અલગ થઈને પોતાનો અલગ પક્ષ રચનાર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ ચૂંટણીમાં ફક્ત એક જ બેઠક મેળવી શકી છે. જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેને ૧૩ બેઠકો મળી હતી.

ત્રણ ગુજરાતી જીત્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ૧૧ ગુજરાતીઓને ઝંપલાવ્યું હતું. આમાંથી ત્રણ જ ગુજરાતી ઉમેદવારો વિજેતા થયા છે. આમાંથી ઘાટકોપરમાં ભાજપના પ્રકાશ મહેતા છઠ્ઠી વાર ચૂંટાયા છે. જ્યારે ચારકોપ બેઠક પર યોગેશ સાગર (ભાજપ) અને મુંબ્રાદેવી બેઠક પર અમિત પટેલ (કોંગ્રેસ) બીજી વાર ચૂંટાયા છે.

હરિયાણામાં ખટ્ટર સરકાર

હરિયાણામાં ૪૭ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મેળવનાર ભાજપે મુખ્ય પ્રધાન પદની જવાબદારી સંઘના પીઢ પ્રચારક એવા મનોહરલાલ ખટ્ટરને સોંપી છે. એક સમયે કાપડની નાની દુકાન ચલાવતા ખટ્ટર વડા પ્રધાન મોદીના વિશ્વાસુ છે અને પ્રથમ વખત જ વિધાનસભામાં ચૂંટાયા છે. ૬૦ વર્ષના ખટ્ટરે રવિવારે સત્તાનું સુકાન સંભાળતા જ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા જંગી જમીન સોદાઓની તપાસ કરાશે. તેમનો સંકેત સ્પષ્ટ છે કે ડીએલએફ અને ગાંધી પરિવારના જમાઇ રોબર્ટ વાડરા વચ્ચે થયેલા જમીન સોદાઓની તપાસ થશે.

ભાજપનું જોર વધ્યું

હરિયાણામાં ભાજપના મળેલા મતોની ટકાવારીમાં ૨૪ ટકાનો જંગી વધારો થયો છે. ૨૦૦૯માં ભાજપને ચાર બેઠકો અને ૯.૦૫ ટકા મતો મળ્યા હતાં. આ વખતે ભાજપને ૩૩.૨ ટકા મતો સાથે ૪૭ બેઠકો મળી છે. અલબત્ત, ત્રણ જિલ્લા એવા છે જ્યાં તેનું ખાતું પણ ખૂલ્યું નથી. આ જિલ્લામાં મેવાત, પાલવલ અને સિરસાનો સમાવેશ થાય છે. બીજી તરફ, આઇએનએલડી ૧૨ અને કોંગ્રેસ ૧૩ જિલ્લામાં એકેય બેઠક જીતી શક્યા નથી. ભાજપની વિજયકૂચ દર્શાવે છે કે જાટ સમુદાયનું વર્ચસ ધરાવતા રાજ્યમાં વંશવાદના રાજકારણનો અંત આવ્યો છે. આ વખતે ૬૦ ટકાથી વધુ ઉમેદવારો હજાર મત પણ મેળવી શક્યા નથી. ચૂંટણીમાં ૧૩૫૧ ઉમેદવારો હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter