મીઠુંમધુરું મૂડીરોકાણઃ અહીં વ્યાજ પેટે ચૂકવાય છે રસીલી આફૂસ

Saturday 11th May 2019 05:59 EDT
 
 

પૂણેઃ મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આવેલા સિંધુદુર્ગ જિલ્લાનો દેવગઢ તાલુકો વિશ્વભરમાં આફૂસ કેરી માટે પ્રસિદ્ધ છે. હવે અહીંની કેરી ઉત્પાદક સહકારી સંસ્થાએ રોકાણની એક અનોખી યોજના શરૂ કરી છેઃ ૫૦ હજાર રૂપિયાના મેંગો બોન્ડ ખરીદો અને દર વર્ષે ૧૦ ટકા વ્યાજ પેટે ૫૦૦૦ રૂપિયાની આફૂસ કેરી ઘેરબેઠા મેળવો. એટલું જ નહીં, પાંચ વર્ષની મુદત પૂરી થતાં સંપૂર્ણ રકમ પરત ચૂકવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશભરમાંથી ૨૦૦થી વધુ લોકો મીઠીમધુરી યોજનામાં રોકાણ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે અહીં ૪૫ હજાર એકરમાં કેરીના બગીચા ફેલાયેલા છે. સમુદ્ર કાંઠાના ૭૦ ગામોના ૧૦૦૦થી વધુ ખેડૂતો વર્ષે ૫૦ હજાર ટન કેરી ઉગાડે છે. જોકે યોગ્ય બજારના અભાવે ખેડૂતોને તેમનો માલ વેચવામાં મુશ્કેલી પડતી હતી. આથી દેવગઢ તાલુકા કેરી ઉત્પાદક સહકારી સંસ્થાએ આ નવી યોજના શરૂ કરી છે.
સંસ્થાના સંચાલક ઓમકાર સપ્રે કહે છે, ‘મેંગો બોન્ડમાં રોકાણ કરનારાઓમાં મહારાષ્ટ્રના જ નહીં, અમદાવાદ, હૈદરાબાદ, બેંગ્લુરુ અને દિલ્હી સહિત દેશભરના લોકોનો સમાવેશ થાય છે. આ બધાને દર વર્ષે કેરીની સિઝનમાં આફૂસ કેરી પહોંચાડવામાં આવે છે. આશરે ૭૦૦ કેરી ઉત્પાદક ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે. દેશની આ પ્રથમ સહકારી સંસ્થા છે, જે કેરીનું ઓનલાઇન વેચાણ કરે છે અને ઘરેબેઠા કેરી પહોંચાડે છે.’
૨૦૧૧થી ચાલતી આ યોજનાને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યા બાદ તાજેતરમાં તેનું બીજું રાઉન્ડ શરૂ કરાયું છે. રોકાણની લઘુત્તમ રકમ ૫૦ હજાર રૂપિયા છે. આ પછી વધારાનું રોકાણ ૫૦૦૦ના ગુણાકમાં કરી શકાય છે. જેટલું કુલ રોકાણ તેના ૧૦ ટકા રકમની કેરી ઘેર પહોંચતી કરાય છે. મૂડીરોકાણનો લોક ઇન પિરિયડ પાંચ વર્ષનો રખાયો છે. મુદત પૂરી થયે રોકાણકાર ઇચ્છે તો પૂરી રકમ પરત ઉપાડી શકે છે અથવા તો રોકાણ વધુ મુદત માટે લંબાવી શકે છે.
વળી, સંસ્થા તેની પસંદની કેરી તમને પહોંચાડે છે તેવું પણ નથી. આ માટે તેઓ રોકાણકારોને નાના-મોટા ૮ આકારમાંથી કેરી પસંદગીનો વિકલ્પ આપે છે. એક પેટીમાં મોટા કદની ત્રણ ડઝન અને નાના કદની પાંચ ડઝન કેરી હોય છે. આ સાથે જ આખું વર્ષ વ્યાજબી દરે કેરી મેળવી શકાય.
સંસ્થા તરફથી કેરી ઉત્પાદનના પરંપરાગત ઉપાયોને બદલે ઇનોવેશન પર કામ થઈ રહ્યું છે. ઓર્ગેનિક પદ્ધતિથી કોઇ પણ જાતના રાસાયણિક ખાતર વગર કેવી રીતે કેરીનું ઉત્પાદન થઇ શકે તે માટે પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આમ હવે સંસ્થા ટૂંક સમયમાં ગ્રાહકોને
ઓર્ગેનિક કેરી પહોંચાડવાની તૈયારીમાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter