મોદીની લોકપ્રિયતા સ્ટ્રાઇક પછી વધીઃ રાહુલની ઘટી

Wednesday 13th March 2019 07:40 EDT
 
 

નવી દિલ્હી: દેશમાં કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ત્યારે એબીપી ન્યુઝે સી-વોટર સાથે મળીને એક સરવે કર્યો છે. અત્યારે આખા દેશમાં પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર થયેલી ભારતીય વાયુદળની એર સ્ટ્રાઇકની ચર્ચા થઈ રહી છે. એર સ્ટ્રાઇકના કારણે દેશનો મૂડ કેટલો બદલાયો છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે કે ઘટ્યો છે? આ સર્વે આખા દેશમાં થયો છે અને આ દરમિયાન ૫૦ હજાર ૭૪૦ લોકો સાથે વાત કરાઈ. આ સર્વે મુજબ પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી છે, જેનું મોટું કારણ કોંગ્રેસ નેતાઓ તરફથી એર સ્ટ્રાઇક અંગે મોદી સરકાર પર કરાયેલા હુમલા છે. આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો તે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ૫૦ ટકા હતી, જે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના એર સ્ટ્રાઇક પછી પાંચ ટકા વધીને ૫૫ ટકા થઈ હતી અને ૭ માર્ચે વધુ વધીને ૬૨ ટકા નોંધાઈ હતી. બીજી બાજુ પુલવામા હુમલાના દિવસે રાહુલ ગાંધીની લોકપ્રિયતા ૨૩ ટકા હતી અને એરસ્ટ્રાઇકના દિવસે ઘટીને ૧૯ ટકા થઈ તથા ૭ માર્ચે ૧૬ ટકા નોંધાઈ હતી.
મોદીની - રાહુલની લોકપ્રિયતા
વર્ષ ૨૦૧૫માં મોદીની લોકપ્રિયતા ૬૦ ટકા હતી અને વર્ષ ૨૦૧૬માં વધીને ૬૨ ટકા તથા ૨૦૧૭માં ૬૬ ટકા થઈ ગઈ હતી. જ્યારે મોદી વડા પ્રધાન બન્યા પછી વર્ષ ૨૦૧૫માં રાહુલ ગાંધીની લોકપ્રિયતા ૧૩ ટકા હતી, જે વર્ષ ૨૦૧૬માં ઘટીને ૧૨
ટકા અને ૨૦૧૭માં ૧૦ ટકા થઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter