મોદી-શાહની હિંમત અને આયોજને કાશ્મીરનો ઈતિહાસ બદલ્યો

Thursday 08th August 2019 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ રાજકીય પંડિતો માને છે કે જમ્મુ-કાશ્મીરનો ઇતિહાસ બદલવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની હિંમત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના વ્યૂહાત્મક આયોજને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ૨૦૧૪માં મોદી સરકારે કાશ્મીર સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. મોદી અને શાહની કુશાગ્ર બુદ્ધિ, સફળ આયોજન, દુરદર્શિતા અને હિંમતનું પરિણામ આપણી નજર સમક્ષ છે.
કહેવાય છે કે વડા પ્રધાન દસકાઓથી સરદાર પટેલનું અધૂરું સપનું સાકાર કરવા તત્પર હતા. આ વાતની ઝલક તેમની ૧૯૯૧ની કાશ્મીર યાત્રામાં પણ જોવા મળે છે. તે સમયે તેમણે પક્ષના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી સાથે કાશ્મીર યાત્રા કરીને શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો હતો. આમ તેમણે સરદારનું સપનું જીવંત રાખ્યું એટલું જ નહીં, તેને સોમવારે સાકાર પણ કર્યું.
આજે પણ ઇતિહાસ કહે છે કે જો તે સમયે સરદાર પટેલને રોકવામાં ન આવ્યા હોત તો કાશ્મીરની સમસ્યા ઊભી જ ન થઈ હોત. નેહરુના અયોગ્ય અને સ્વાર્થી નિર્ણયોના કારણે ભારત ૭૦ વર્ષથી આ પીડા ભોગવતો આવ્યો હતો.

૩૭૦ની નાબૂદીના બીજ રોપાયા

અમિત શાહે મોદી સરકારમાં ગૃહ પ્રધાનનો કાર્યભાર સંભાળ્યો તે સાથે જ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરવાના બીજ રોપાઇ ગયા હતા. ગૃહ પ્રધાન તરીકે શપથ લીધાના બે દિવસ બાદ એટલ કે પહેલી જૂને અમિત શાહે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી અને અધિકારીઓ સાથે કાશ્મીર મુદ્દે એક બેઠક કરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ અને ગૃહ સચિવ સાથે વધુ એક બેઠક થઈ. આ બેઠકના ૨૦ દિવસ બાદ એટલે કે ૨૬ જૂને અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા અને બે દિવસની આ મુલાકાતમાં તેમણે અલગતાવાદીઓ સામે કડક હાથે કામ લેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

ડોભાલની સ્ટ્રેટેજીથી સોનામાં સુગંધ

૨૪ જુલાઈએ અજિત ડોભાલ સિક્રેટ મિશન હઠળ શ્રીનગર ગયા. ડોભાલે ગત અઠવાડિયાથી કાશ્મીરમાં સૈન્ય શક્તિ વધારવાનું શરૂ કર્યું હતું. શ્રીનગરથી પાછા ફર્યા બાદ પહેલા ૧૦,૦૦૦ સૈનિકોને કાશ્મીર મોકલવાનો નિર્ણય લેવાયો અને પછી ૨૮ હજાર સૈનિકોને મોકલવામાં આવ્યા. આમ આ મોટો નિર્ણય લેતાં પહેલાં જ બે મહિનાનું જબરદસ્ત પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ સ્તરે સુરક્ષાની ખાતરી થયા બાદ અમરનાથ યાત્રાળુઓ અને કાશ્મીરમાં ગયેલા સહેલાણીઓને તાકીદે પરત બોલાવવામાં આવ્યા. એક પણ પ્રવાસી કે યાત્રાળુને ઇજા ન થાય તે માટે પહેલેથી જ તમામ આયોજનો કરાયા હતા. સરદાર પટેલ અને શ્યામાપ્રસાદનું સ્વપ્ન સાત દાયકા બાદ મોદી શાહની જોડી અને ડોભાલની સ્ટ્રેટેજીએ પૂરું કરી દીધું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter