યસ બેન્કઃ સ્થાપનાથી બરબાદી સુધીની ગાથા

Saturday 14th March 2020 06:33 EDT
 
 

થોડાક વર્ષ પહેલાં જ્યારે દેશની ખાનગી બેન્કોની વાત થતી ત્યારે યસ બેન્કનું નામ મોખરે રહેતું હતું. દોઢ દસકા પહેલાં શરૂ થયેલી યસ બેન્ક આજે બરબાદીના આરે છે. આ બરબાદીની વાત કાંઇ આજકાલની નથી, પણ બેન્ક આ માર્ગે કઇ રીતે પહોંચી ગઇ એ જાણવા જેવું છે. એક સમયે ખાનગી સેક્ટરના સૌથી ભરોસાપાત્ર બેન્ક ગણાતી યસ બેન્કની આ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. આ બેન્કમાં જે રોકાણકારોએ પૈસા રોક્યા છે, તેમના ૯૦ ટકાથી વધુ પૈસા ડૂબી જશે તેવું મનાય છે.
ક્યાંથી થઈ શરૂઆત?ઃ ૨૦૦૪માં યસ બેન્કે લોકોને આકર્ષિત કર્યા હતા. કેટલાક વર્ષોમાં જ યસ બેન્ક એક જાણીતી બેન્ક થઇ ગઇ હતી. જૂન ૨૦૦૫માં બેન્કનું શેરભરણું યોજાયું હતું. નવેમ્બર ૨૦૦૫માં યસ બેન્કના સ્થાપક રાણા કપૂરને એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ એનાયત થયો હતો. એ બાદ માર્ચ ૨૦૦૬માં બેન્કે પહેલા નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત કરી હતી. બેન્કનો નફો ૫૫.૩ કરોડ રૂપિયા જ્યારે રિટર્ન ઓફ એસેટ ૨ ટકા હતો.
કાનૂની વિખવાદ વચ્ચે વિસ્તરણઃ ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં બેન્કના પ્રમોટર અશોક કપૂરનું મોત થયું હતું. અશોક કપૂરના પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂક મામલે મતભેદ સર્જાયા. કાનૂની જંગના મંડાણ થયા, અને બેન્કની આબરૂ ખરડાઇ. ડિસેમ્બર ૨૦૦૯માં યસ બેન્કને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની બેલેન્સશીટની સાથે સૌથી ઝડપી વિકાસનો એવોર્ડ મળ્યો. જૂન ૨૦૧૩માં બેન્કે ૫૦૦થી વધુ શાખાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો.
રાણા કપૂરને પદ પરથી હાંકી કઢાયાઃ બેલેન્સશીટની ગેરરીતિનું પરિણામ એ આવ્યું કે રિઝર્વ બેન્કે બેન્કના ચેરમેન પદેથી રાણા કપૂરની હકાલપટ્ટી કરી. બેન્કના ઇતિહાસમાં પહેલી વખત કોઇ ચેરમેનને આ રીતે પદ પરથી હાંકી કઢાયા હતા. એ ઉપરાંત રિઝર્વ બેન્કે કેટલાંય નિયંત્રણ લગાવી દીધાં. એક સમયે યસ બેન્કનો શેર આકાશને આંબતો હતો. બેન્કની લોન બુક, જમા, લાભ અને બેલેન્સશીટ જોઇને શેર સતત વધતા રહ્યા હતા. એક સમય તો એવો આવ્યો જ્યારે શેર ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો, પરંતુ એનપીએ વધતાં શેર તાજેતરમાં ઘટીને પાંચ રૂપિયા થઇ ગયો હતો.
બ્લૂમબર્ગે ઓગસ્ટ ૨૦૧૯માં જારી કરેલા રિપોર્ટ અનુસાર યસ બેન્ક સૌથી ખરાબ દેખાવ કરનારી દુનિયાની ટોપ-ટેન બેન્કોની યાદીમાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter