રામ મંદિર રૂ. 1800 કરોડના ખર્ચે સાકાર થશેઃ 2024ની મકર સંક્રાંતિએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

Saturday 17th September 2022 07:10 EDT
 
 

અયોધ્યાઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ ક્ષેત્રમાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ઝડપભેર આગળ ધપી રહ્યું છે અને તે ડિસેમ્બર-2023 સુધીમાં તૈયાર થઈ જશે તેવું અનુમાન છે. આ ભવ્યાતિભવ્ય મંદિરમાં 2024ની મકર સંક્રાંતિએ ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા સંભાવના છે.
રામજન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે આ માહિતી આપતા કહ્યું કે ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં આયોજિત બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. આ એવો પણ નિર્ણય લેવાયો છે કે જન્મભૂમિ ક્ષેત્રમાં હિન્દુ ધર્મ સાથે સંલગ્ન મહાન વિભૂતિઓ અને સાધુ-સંતોની મૂર્તિ પણ સ્થાપિત કરાશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વિશેષજ્ઞો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે ટ્રસ્ટે તેવું અનુમાન બાંધ્યું છે કે આ મંદિરના નિર્માણમાં આશરે રૂ. 1800 કરોડનો ખર્ચ થશે. આ સાથે શ્રી રામ જન્મભૂમિ કોરિડોર માટે રૂ. 9 બિલિયનના ખર્ચે સડકો સુધારવામાં આવશે.
ચંપત રાયે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી વિચાર કરીને અને આ રામમંદિર સાથે સંલગ્ન તેવા તમામ સભ્યોના સૂચનો ઉપરથી ટ્રસ્ટના નિયમો કાયદાઓ અને બાય લોઝને આખરી સ્વરૂપ અપાયું છે.
આ બેઠકમાં ટ્રસ્ટના 15 સભ્યોમાંથી 14 સભ્યોએ ભાગ લીધો હતો. તેમાં નિર્માણ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ, કોષાધ્યક્ષ ગોવિંદ દેવ-ગિરિ, ઉડ્ડીપી પીઠાધીશ્વર વિશ્વતીર્થ પ્રસન્નાચાર્ય જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter