રિલાયન્સ ગ્રૂપમાં ટૂંકમાં જ લીડરશિપ ટ્રાન્ઝિશનઃ મુકેશ અંબાણી

Wednesday 05th January 2022 04:59 EST
 
 

નવી દિલ્હીઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપમાં લીડરશિપ ટ્રાન્ઝિશનના સંકેત આપતા કહ્યું છે કે આ પ્રક્રિયા ઝડપી બને તેમ તેઓ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ મુદ્દે અટકળો થતી રહી છે, પરંતુ ૬૪ વર્ષીય મુકેશ અંબાણીએ ખુદ ક્યારેય તેમના અનુગામી અંગે ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે ૨૮ ડિસેમ્બરે કહ્યું હતું કે રિલાયન્સ ‘હવે લીડરશિપ ટ્રાન્ઝિશનની અત્યંત મહત્વની પ્રક્રિયામાં ગતિ લાવી રહી છે.’ નીતા અને મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે - ટ્વિન્સ આકાશ અને ઈશા, તથા અનંત.
રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતીના દિવસે રિલાયન્સ ફેમિલી ડે નિમિત્તે સંબોધન કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવનારા વર્ષોમાં વિશ્વની સૌથી મજબૂત અને સૌથી પ્રતિષ્ઠિત ભારતીય મલ્ટિનેશનલ કંપનીઓ પૈકી એક બનશે. ક્લીન એનર્જી અને ગ્રીન એનર્જી સેક્ટર તથા રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં તે નવા શીખર સર કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘મોટા સપના અને અસંભવ લાગતા લક્ષ્યાંક પાર કરવા માટે યોગ્ય લોકોની પસંદગી અને યોગ્ય લીડરશિપ જરૂરી છે. રિલાયન્સ હવે અત્યંત મહત્વના એવા લીડરશિપ ટ્રાન્ઝિશનની પ્રક્રિયામાં છે - મારી પેઢીના સીનિયર્સથી લઈને નેક્સ્ટ જનરેશન યંગ લીડર્સ સુધી.’ તેમણે કહ્યું કે આ પ્રક્રિયા ઝડપી બને તેવું તેઓ ઈચ્છે છે. અંબાણીની માલિકીના ન્યૂઝ આઉટલેટ ન્યૂઝ18ડોટકોમમાં તેમના પ્રવચનને આધારે આ જાણકારી અપાઇ હતી.
મુકેશ અંબાણીએ કહ્યું કે ‘મારા સહિતના તમામ સીનિયર્સે હવે રિલાયન્સમાં રહેલી અત્યંત સક્ષમ, અત્યંત પ્રતિબદ્ધ, અને અત્યંત આશાસ્પદ યુવા લીડરશિપને આગળ કરવી જોઈએ. આપણે તેમનું માર્ગદર્શન કરવું જોઈએ, તેમને વધુ સક્ષમ બનાવવા જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમને એમ્પાવર કરવા જોઈએ... અને પાછળ બેસવું જોઈએ અને તે લોકો આપણા કરતાં વધુ સારી કામગીરી માટે તેમને બિરદાવવા જોઈએ.’
તેમણે ઉમેર્યું કે રિલાયન્સ ખાતે ઓર્ગેનાઈઝેશનલ કલ્ચર એવું બનાવવું પડશે જે તેના લીડર્સ કરતાં વધારે મહત્વનું હોય. તેમણે કહ્યું કે ‘આકાશ, ઈશા અને અનંત નેક્સ્ટ-જનરેશન લીડર્સ તરીકે રિલાયન્સને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમાં મને જરા પણ શંકા નથી.’ તેમણે કહ્યું કે મહાન ઉદ્યોગપતિ અને તેમના પિતામાં ‘લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને દેશના વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન આપવાનો’ જે સ્પાર્ક અને ક્ષમતા હતા તે જ તરવરાટ અને ક્ષમતા આકાશ-ઈશા-અનંતમાં તેમણે જોયા છે. તેમણે કહ્યું કે ‘રિલાયન્સને વધુ ને વધુ સફળ બનાવવાના અને રિલાયન્સની વધુ પ્રશસ્તિના મિશનમાં આપણે સૌ તેમને ગુડલક કહીએ.’
મુકેશ અંબાણીએ અગાઉ તેમના સંબોધનના પ્રારંભે ઈશાના પતિ (આનંદ પિરામલ) અને આકાશની પત્ની (શ્લોકા) તથા રાધિકાનો ઉલ્લેખ કર્યો હતો (રાધિકાના અનંત સાથે લગ્નની વાતો ચાલી રહી છે). તેમણે આકાશ અને શ્લોકાના એક વર્ષના પુત્ર પૃથ્વીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ‘મારા સહિતના તમામ સીનિયર્સે હવે રિલાયન્સમાં રહેલી અત્યંત સક્ષમ, અત્યંત પ્રતિબદ્ધ, અને અત્યંત આશાસ્પદ યુવા લીડરશિપને આગળ કરવી જોઈએ. આકાશ, ઈશા અને અનંત નેક્સ્ટ-જનરેશન લીડર્સ તરીકે રિલાયન્સને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમાં મને જરા પણ શંકા નથી.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter