રૂપિયો ડોલર સામે ગબડીને ૬૯.૧૦ પહોંચ્યો

Friday 29th June 2018 07:49 EDT
 
 

મુંબઇઃ ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલની વધતી કિંમતોને પગલે ભારત સરકારની ચાલુ ખાતાની ખાધ અને ફુગાવાના દર અંગેની ચિંતાઓ ગંભીર બનતાં ૨૮મીએ કારોબારમાં ભારતીય રૂપિયો ડોલરની સામે ઓલટાઇમ લો સપાટી પર ગગડી ગયો હતો. ઈરાનમાંથી ક્રૂડની આયાત મુદ્દે અમેરિકાએ ભારતને આપેલી ચેતવણી, અમેરિકા અને ભારત વચ્ચેના ટ્રેડ વોર વગેરે જેવાં પરિબળોના કારણે ૨૮મીએ સવારના કારોબારમાં રૂપિયો ડોલરની સામે ૪૯ પૈસા તૂટીને ૬૯.૧૦ની સૌથી નીચી સપાટી પર ચાલ્યો ગયો હતો. બેંકો અને આયાતકારોમાં ડોલરની વધતી માગને કારણે રૂપિયા પર ભારે દબાણ સર્જાયું હતું.

૨૭મીએ ૬૮.૬૧ના ભાવથી ૨૮મીએ સીધો ૬૮.૮૭ના ભાવે ખુલ્યો હતો. ત્યારબાદ રૂપિયાની ડોલર સામેની કિંમતમાં સતત ધોવાણ થતાં એક તબક્કે ૬૯.૧૦ની સપાટી પર પહોંચી ગયો હતો. આ ડોલર સામે રૂપિયાની લાઇફ ટાઇમ નીચી સપાટી હતી. અગાઉ નવેમ્બર ૨૦૧૬માં રૂપિયો ડોલરની સામે ૬૮.૮૬ની સૌથી નીચી સપાટી પર પહોંચ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter