રૂ. ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની પાંચ તબક્કામાં જાહેરાત

Tuesday 19th May 2020 15:13 EDT
 
નાણા પ્રધાન નિર્મલા સિતારામન અને નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨મી મેએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશ માટે કુલ રૂ. ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની જાહેરાત કરી હતી. એ પછી પાંચ તબક્કામાં આ યોજના અંગે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા વિવિધ જાહેરાત કરવામાં આવતી રહી હતી.

પ્રથમઃ રૂ. ૫,૯૪,૨૫૦ કરોડનો પહેલો બુસ્ટર ડોઝ

કોરોનાના કારણે ડામાડોળ ભારતીય અર્થતંત્રમાં નવો શ્વાસ ફૂંકવા માટે ૧૩મી મેએ નિર્મલા સીતારમણે રૂ. ૨૦ લાખ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં એમએસએમઈ, ડિસ્કોમ, રિઅલ એસ્ટેટ સહિતના સેક્ટર માટે બુસ્ટર ડોઝની જાહેરાત હતી. સીતારમણે એમએસએમઈ માટે રૂ. ૩ લાખ કરોડની કોલેટરલ ફ્રી લોનની ઘોષણા કરી હતી. જેનો લાભ ૪૫ લાખ જેટલી માઈક્રો, સ્મોલ, મીડિયમ ઈન્ડસ્ટ્રીઝને મળશે. નાણા પ્રધાને સ્ટ્રેસ્ડ એમએસએમઈ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની લિક્વિડિટીની જાહેરાત પણ કરી હતી જેનો લાભ સ્ટ્રેસ્ડ અને એનપીએ એમએસએમઈ મેળવી શકશે. તે ઉપરાંત એમએસએમઈના એકપાન્શન માટે રૂ. ૫૦,૦૦૦ કરોડની મૂડી જારી કરાયાનો નિર્ણય જાહેર થયો હતો. રોકાણ વધવાથી એમએસએમઈનો દરજ્જો ચાલ્યો જતાં લાભ નહીં મેળવતા ઉદ્યોગોને આ પેકેજનો લાભ મળતો રહે તે માટે એમએસએમઈની વ્યાખ્યામાં પણ બદલાવ પણ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારે ગ્લોબલ ટેન્ડરની વ્યાખ્યામાં સુધારો કરી રૂ. ૨૦૦ કરોડ સુધીના ટેન્ડરને ગ્લોબલ ટેન્ડર નહીં ગણવા નક્કી કર્યું છે. સીતારમણે જણાવ્યું કે, બિઝનેસ અને તેના કામદારોને રૂ. ૨૫૦૦ કરોડનો ઈપીએફ સપોર્ટ વધુ ૩ મહિના માટે મળતો રહેશે.

દ્વિતીયઃ મફત અનાજ, સસ્તી લોન

કેન્દ્ર સરકારે ૧૪મી મેએ આર્થિક પેકેજ હેઠળ પ્રવાસી મજૂરો, ફેરિયા-પથારાવાળા, સ્વરોજગારવાળા અને નાના ખેડૂતો માટે રૂ. ૧૬ લાખ કરોડની ૯ જાહેરાત કરી હતી. આશરે ૮ કરોડ પ્રવાસીને બે મહિના સુધી પાંચ કિલો ઘઉં, ચોખા અને એક કિલો ચણા અપાશે. ૩ કરોડ ખેડૂતોને લોન આપવા માટે રૂ. ૩૦ હજાર કરોડના વધારાના ફંડની વ્યવસ્થા કરાઈ હતી. આ સાથે જ ૨.૫ કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂ. બે કરોડની સસ્તી લોનની સુવિધા અપાશે. ૫૦ લાખ ફેરિયા-પાથરણાંવાળાને ફરી રોજગાર શરૂ કરવા કુલ રૂ. ૫૦૦૦ કરોડની મદદની જાહેરાત કરાઈ હતી.

તૃતીયઃ ખેડૂતો સંપૂર્ણ દેશમાં પાક વેચી શકશે

નાણા પ્રધાને ૧૫મીએ કૃષિ, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ વગેરે અંગેની ૮ યોજના અને ત્રણ વહીવટી સુધારાની જાહેરાત કરી હતી. ૬૫ વર્ષ જૂના આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરીને અનાજ, ખાદ્ય તેલ, તેલીબિયાં, દાળ, બટાકા અને ડુંગળી જેવી ચીજવસ્તુને નિયંત્રણમુક્ત કરવાનું જણાવાયું હતું. તેમણે કહ્યું કે, ઉત્પાદન અને વેચાણ નિયંત્રણમુક્ત કરવાની સાથે આ ઉત્પાદનો પર કોઈ સ્ટોક લિમિટ રહેશે નહીં. માત્ર રાષ્ટ્રીય આપદા, દુકાળ જેવી સ્થિતિમાં ભાવ બહુ વધે તો લિમિટ લાગુ પડાશે. સાથે જ ખેડૂતો દેશભરમાં ક્યાંય પણ તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાથી કૃષિ ક્ષેત્રમાં સ્પર્ધા વધશે અને ખેડૂતોને સારો ભાવ મળશે. નાણા પ્રધાને કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં માળખાગત અને ક્ષમતા વધારવા માટે રૂ. ૧ લાખ કરોડ ફાળવણી થશે અને ડેરી ક્ષેત્રની મદદ માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું ફંડ શરૂ કરાશે.

ચતુર્થઃ ભારતે સ્પર્ધા માટે તૈયાર રહેવું

૧૬મી મેએ નિર્મલા સીતારમણે દેશને કહ્યું કે, ભારતે આકરી સ્પર્ધા માટે તૈયાર થવું પડશે. જેથી આપણે ગ્લોબલ વેલ્યુ ચેઇનના પડકારોનો સામનો કરી શકીએ. માળખાકીય સુધારા ભારતને મૂડીરોકાણ માટેનું આકર્ષક સ્થળ બનાવશે. આ સાથે જ તેમણે આ દિવસે રૂ. ૨૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. સીતારમણે કોલસા, ખનીજ, સંરક્ષણ ઉત્પાદન, એરસ્પેસ મેનેજમેન્ટ, વીજળી વિતરણ કંપનીઓ, સામાજિક માળખાકીય પ્રોજેક્ટ, સ્પેસ અને એટોમિક એનર્જી સેક્ટરમાં વ્યાપક માળખાકીય સુધારાની ઘોષણા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટ ટ્રેક ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ માટે વિવિધ મંત્રાલયોના સચિવોની સમિતિની રચના કરાશે. સામાન્ય માળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટીને આધુનિક બનાવી રાજ્યોમાં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓમાં સુધારા કરાશે. આ માટેની યોજનાઓનો અમલ રાજ્યોમાં કરાશે.
સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર કોલસા સેક્ટરમાં કમર્શિયલ માઇનિંગનો પ્રારંભ કરશે. જેના પગલે કોલસા સેક્ટરમાં સરકારના એકાધિકારનો અંત આવી જશે. ખનીજ સેક્ટરમાં પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન અપાશે. ૫૦૦ ખનીજની ખાણો હરાજી દ્વારા ખાનગી કંપનીઓને સોંપાશે. સંરક્ષણ સેક્ટરમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દેશમાં જ શસ્ત્રસરંજામનું ઉત્પાદન કરવા એફડીઆઇ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય એરસ્પેસ પરના નિયંત્રણો ઘટાડવાનો નિર્ણય લેવાયો છે જેના પગલે એવિએશન ઇન્ડસ્ટ્રીને રૂ. ૧૦૦૦ કરોડનો લાભ થશે. દેશમાં પીપીપી મોડ દ્વારા વિશ્વકક્ષાના એરપોર્ટ તૈયાર કરાશે. ઉપરોક્ત જાહેરાત પછી ૧૭મી મેએ ‘મનરેગા યોજના’ અંગે પણ કેન્દ્ર દ્વારા વિશિષ્ટ જાહેરાત કરાઈ હતી.

પાંચઃ મનરેગા માટે ૪૦ હજાર કરોડની ફાળવણી

‘આત્મનિર્ભર ભારત’ પેકેજની પાંચમી જાહેરાત પ્રમાણે સીતારમણે રવિવારે સવારે સાત મોટી જાહેરાતો કરી હતી. પાંચમા અને અંતિમ અધ્યાયમાં મનરેગા હેઠળ રૂ. ૪૦ હજાર કરોડની ફાળળણી, પબ્લિક સેક્ટરના ખાનગીકરણ, ઈનસોલવન્સી પ્રક્રિયા પર એક વર્ષ સુધી સ્ટે, ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન સહિત અનેક જાહેરાતો કરી હતી.
સીતારમણે જણાવ્યું કે લોકડાઉનના કારણે શહેરોમાંથી ગામડામાં જઈ રહેલા મજૂરોને મનરેગાનો લાભ મળે તે માટે મનરેગા યોજના હેઠળ રૂ. ૪૦,૦૦૦ કરોડની ફાળળણી કરાઈ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં કામની અછત ન થાય અને મજૂરોને આવકનું સાધન મળી રહે તે માટે આ જાહેરાત કરાઈ તેનાથી ૩૦૦ કરોડ વ્યક્તિ રોજગારી પેદા થશે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં આત્મનિર્ભર ભારત માટે લેન્ડ, લેબર, લિક્વિડીટી અને લો પર ફોકસ કરાયું છે.
શરૂઆતમાં અમે ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી હતી. તેના હેઠળ ૮૦ કરોડ લોકોને મફત રાશન આપવાની વ્યવસ્થા કરાઈ. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તેમના ખાતામાં રોકડ જમા કરાવાઈ હતી. ડીબીટી ટેક્નોલોજીથી પીએમ કિસાન યોજના હેઠળ ૮.૧૯ કરોડ ખેડૂતોને મદદ કરાઈ છે. ૨.૮૧ કરોડ વૃદ્ધ અને દિવ્યાંગોને પેન્શન અપાયું. જનધન ખાતા ધારક ૨૦ કરોડ મહિલાઓનાં ખાતામાં રૂ. ૧૦,૦૨૫ કરોડ નંખાયા. કન્સ્ટ્રક્શન વર્કર્સને રૂ. ૩૯૫૦ કરોડની મદદ કરાઈ છે. ૨.૨૦ કરોડ લોકોને તેનો લાભ થયો છે.

ગરીબોને ખાતામાં પૈસા આપો 

દિલ્હીમાં સુખદેવ વિહાર ફ્યાલઓવરની ફૂટપાથ પર બેઠેલા મજૂરોની પાસે બેસીને રાહુલે તેમની સ્થિતિની જાણકારી ૧૬મીએ મેળવી હતી. દરમિયાન તેમણે કેન્દ્ર સરકારે જાહેર કરેલા રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ અંગે ટોણો મારીને કહ્યું કે આ પેકેજમાં માત્ર લોન આપવાની જાહેરાત છે જ્યારે ગરીબોને હાલ તેમના ખીસ્સામાં પૈસા જોઇએ છે લોન નહીં. ગરીબોને લોન આપવાને બદલે તેમના ખાતામાં સીધા પૈસા જમા કરાવો. 

સીતારમણે જોકે સણસણતો જવાબ આપતાં કહ્યું કે, રસ્તા પર બેસીને મજૂરો સાથે વાત કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. રાહુલ મજૂરોની મદદ કરવા માગતા હોત તો તેમણે તેમનો સામાન ઉઠાવીને તેમની સાથે ચાલ્યા હોત તો પણ થોડી વધુ મદદ થાત.

પેકેજ માત્ર રૂ. ૩.૨૨ લાખ કરોડનું: કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વિશેષ પેકેજ સંદર્ભમાં નાણા પ્રધાન દ્વારા થયેલી અંતિમ જાહેરાત પછી નિરાશા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ખરાબ આર્થિક સ્થિતિમાંથી દેશને બહાર કાઢવા કેન્દ્ર સરકાર પાસે કોઇ રોડમેપ નથી. સરકાર આ ધિરાણોને પ્રોત્સાહન પેકેજ ના કહી શકે. શહેરી ગરીબો અને પ્રવાસી શ્રમિકો માટે સરકારના આ પેકેજમાં કાંઇ નથી. આનંદ શર્માએ કહ્યું કે પેકેજ માત્ર રૂ. ૩.૨૨ લાખ કરોડનું છે. પેકેજ જીડીપીના ૧.૬ ટકા બરોબર જ છે. વડા પ્રધાને કહ્યું હતું તેવું રૂ. ૨૦ લાખ કરોડનું પેકેજ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter