રૂ. ૩૮ હજાર કરોડના સંરક્ષણ સોદો મંજૂરઃ તેજસ જેટ્સ માટે ડીલ થશે

Thursday 19th March 2020 07:31 EDT
 
 

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ૧૮મી માર્ચે આશરે રૂ. ૩૮ હજાર કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી હતી. આ સોદામાં આશરે ૮૩ જેટલા તેજસ જેટ્સની ખરીદી કરાશે જેનાથી સૈન્યની તાકાત વધશે. આ ૮૩માંથી ૪૦ જેટ્સ માટે એચએએલની સાથે કરારો થયા છે. આ ખરીદીથી મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે તેવો દાવો સરકારે કર્યો હતો કેમ કે મોટા ભાગના જેટ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે.

એવા અહેવાલો છે કે ડીલના ત્રણ વર્ષ બાદ એચએએલ એમકે-૧એ જેટનો પહેલો સેટ આપવાનું શરૂ કરી દેશે. એટલે કે હાલ જે ડીલ થવા જઇ રહી છે તે થયા બાદ ત્રણ વર્ષ પછી આ વિમાન સૈન્યને મળશે. હાલ ઇન્ડિયન એર ફોર્સ પાસે યુદ્ધ વિમાનોની અછત છે. જે વિમાનો છે તે પણ જુની પદ્ધતીથી કામ કરી રહ્યા છે તેથી આધુનિક વિમાનોની તાતી જરુરિયાત હોવાને કારણે સંરક્ષણ મંત્રાલયે આ મંજૂરી આપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter