વડા પ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે હવે ‘સુપ્રીમ’ તપાસ

Thursday 13th January 2022 04:08 EST
 
 

નવી દિલ્હી: પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલી ક્ષતિ મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસ થશે. સુપ્રીમ કોર્ટે સુરક્ષામાં ખામીઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચનાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારને આ ઘટનાની તપાસ અટકાવવા પણ કહ્યું છે. આટલું જ નહીં પણ કોર્ટે કેન્દ્ર સરકારની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. આ હાઇપ્રોફાઇલ સુરક્ષા ચૂકના મામલે કેન્દ્ર અને પંજાબની સરકારો દ્વારા સામસામા આરોપ સાથે શરૂ થયેલું વાક્યુદ્ધ સપ્તાહ પણ ચાલુ જ છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી રચાનારી તપાસ સમિતિમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના મહાનિરીક્ષક, ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના અધિક પોલીસ મહાનિર્દેશકને સામેલ કરાશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાનના પ્રવાસ વખતે બ્લ્યૂ બૂકના હિસાબે સુરક્ષાની વ્યવસ્થા કરાઇ નહોતી. બીજી બાજુ પંજાબ સરકારે દાવો કર્યો હતો કે કેન્દ્ર અમારા અધિકારીઓને નોટિસ મોકલે છે, ધમકાવે છે. અમારા કોઇ અધિકારી જો જવાબદાર હોય તો તેની સામે કાર્યવાહી કરો.
સુરક્ષા ચૂકનો મામલો કેમ ગંભીર?
પાંચમી જાન્યુઆરીએ મોટરમાર્ગે ફિરોઝપુર જવા નીકળેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ભટિંડા-ફિરોઝપુર ૪ લેન રોડ પર ખેડૂતોએ રસ્તો બંધ કરી દેતાં બપોરે ૧.૩૦ કલાકે જે સ્થળે ૨૦ મિનિટ સુધી ફસાયો હતો એ સ્થળ પાકિસ્તાનથી ફક્ત ૩૦ કિલોમીટર દૂર છે. એટલું જ નહીં, આતંકવાદીઓ ઉપરાંત હેરોઈનના દાણચોરોનો ગઢ માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જગ્યાએ જ આતંકવાદી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, તેથી કેન્દ્રના ગૃહ વિભાગ ઉપરાંત વડા પ્રધાનની સિક્યુરિટીના બધા જ અધિકારીઓના જીવ તાળવે ચોંટેલા રહ્યા હતા. સતત વાયરલેસ ઉપર મેસેજ થતા રહ્યા. પંજાબ પોલીસના અધિકારીઓ આ સ્થળની સંવેદનશીલતાથી વાકેફ હતા. અહીં એનઆઈએ તથા પંજાબની કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજ્સીઓના ઓપરેશન ચાલુ જ હોય છે. કારણ કે આ વિસ્તારમાં અવારનવાર ટિફિન બોમ્બ તથા વિસ્ફોટકો મળતા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જાન્યુઆરએ પંજાબના ભટીંડાથી રાષ્ટ્રીય શહીદ સ્મારક જતા હતા ત્યારે રસ્તામાં તેમના કાફલાને પ્રદર્શનકારી ખેડૂતોએ રોક્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વડા પ્રધાનને હેલિકોપ્ટરમાં હુસૈનીવાલા સ્થિત શહીદ સ્મારક જવાનું હતું. જોકે, ખરાબ હવામાનના કારણે સડક માર્ગથી તેમનો કાફલો રવાના થયો. તેમનો કાફલો જ્યારે શહીદ સ્મારકથી ૩૦ કિમી દૂર હતો ત્યારે રસ્તામાં એક ફ્લાયઓવર આગળ પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તો રોકવામાં આવ્યો હતો. જેના કારણે નરેન્દ્ર મોદીનો કાફલો ૨૦ મિનિટ ફસાયો હતો. ત્યારબાદ થોડી વારમાં ત્યાં પંજાબ પોલીસના જવાનો આવી પહોંચ્યા હતા અને પ્રદર્શનકારી ખેડૂતોને ખસેડવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગૃહ મંત્રાલય અને ભાજપ આ ઘટનાને વડા પ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂક ગણાવી રહ્યા છે.
સુરક્ષામાં ગાબડાંની જવાબદારી શીખ સંગઠને લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિની ઘટનામાં સોમવારે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી આ મામલાની તપાસ માટે સમિતિ ગઠનનો આદેશ આપવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના પ૦થી વધુ વકીલોને આંતરરાષ્ટ્રીય નંબર ઉપરથી ધમકીભર્યા ફોન કોલ ગયા હતા. એવો દાવો કરવામાં આવે છે કે આ ફોન કોલ વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ગાબડું પાડવા સંબંધિત હતા અને આના માટેની જવાબદારી શીખ ફોર જસ્ટિસ (એસજેએફ) દ્વારા લેવામાં આવી હતી.
વકીલોને ફોનમાં ધમકી આપનારે પોતાને ખાલિસ્તાન સમર્થક સંગઠન સંબંધિત ગણાવ્યા હતા. બ્રિટનના નંબર ઉપરથી ઓટોમેટેડ ફોન કોલમાં ફોન કરનારે પોતે એસજેએફનો માણસ હોવાનો દાવો કર્યો હતો. આ કોલનું ઓડિયો રેકોર્ડિંગ કરનારે કહ્યું હતું કે, શીખો વિરુદ્ધ નોંધાયેલા મુકદમાઓમાં સુપ્રીમ કોર્ટ કે વડા પ્રધાન મોદીની મદદ કરવી નહીં. કોલમાં કહેવામાં આવ્યું હતું કે, તમે લોકો શીખવિરોધી દંગા અને નરસંહારના એક પણ દોષિતને હજી સુધી સજા અપાવી શક્યા નથી.
સંખ્યાબંધ વકીલો દ્વારા આવી ધમકીભરી ઓડિયો ક્લિપ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અનેક વકીલોએ તો આની ફરિયાદ પણ કરી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડના કોષાધ્યક્ષ નિખિલ જૈનના જણાવ્યા અનુસાર તેમને સવારે આંતરરાષ્ટ્રીય નંબર ઉપરથી આવો ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લુધિયાણાની કોર્ટમાં થયેલા વિસ્ફોટની જવાબદારી પણ એસજેએફ દ્વારા લેવામાં આવી છે. આ કાવતરાના ષડયંત્રકારી જસવિંદરસિંહ મુલ્તાનીની જર્મનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter