વિજય માલ્યા ભારતનો સૌપ્રથમ ‘આર્થિક ભાગેડુ અપરાધી’ જાહેર

માલ્યા સામે મની લોન્ડરિંગ, લોનની રકમ ડાયવર્ટ કરી, કિંગફિશર એરલાઈન્સમાં ગેરરીતિઓ, શેરોનું રાઉન્ડ ટ્રિપિંગ, સર્વિસટેક્સ ન ચૂકવ્યો અને વિલ ફુલ ડિફોલ્ટર એમ છ આરોપઃમાલ્યાના પ્રત્યાર્પણ માટે વેસ્ટમિન્સ્ટર કોર્ટની પરવાનગી

Wednesday 09th January 2019 02:22 EST
 
 

લંડન, મુંબઈઃ ભારતીય બેન્કો સાથે ૯,૯૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપીંડી આચરી બ્રિટન નાસી ગયેલા લિકર બેરન વિજય માલ્યાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે પાંચ જાન્યુઆરીએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દેશનો સૌપ્રથમ ‘આર્થિક ભાગેડું અપરાધી’ જાહેર કર્યો છે. માલ્યાની સંપત્તિ જપ્ત કરવા મુદ્દે કોર્ટ પાંચ ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. માલ્યા સામે મની લોન્ડરિંગ, લોનની રકમ ડાયવર્ટ કરી, કિંગફિશર એરલાઈન્સમાં ગેરરીતિઓ, શેરોનું રાઉન્ડ ટ્રિપિંગ, સર્વિસટેક્સ ન ચૂકવ્યો અને વિલફુલ ડિફોલ્ટર એમ છ આરોપ લાગ્યા છે. વિજય માલ્યાને ગત એક મહિનામાં આ બીજો ફટકો પડયો છે. અગાઉ, લાંબા સમયથી લંડનમાં રહેતા માલ્યાના પ્રત્યાર્પણ માટે વેસ્ટમિન્સ્ટર કોર્ટે પરવાનગી આપી દીધી છે.

ઓગસ્ટ ૨૦૧૮માં ભાગેડુ આર્થિક અપરાધી કાયદો અમલી થયા પછી તેની જોગવાઈઓ અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થયેલો વિજય માલ્યા પહેલો ભારતીય બિઝનેસમેન છે. વિશેષ જજ એમ. એસ. આઝમીએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને માલ્યાના વકીલો વચ્ચેની લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા પછી માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી કાયદાની ધારા ૧૨ અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. અદાલતના આ નિર્ણયથી સરકારને વિજય માલ્યાની દેશ-વિદેશમાંની તમામ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. ભાગેડુ આર્થિક અપરાધી કાયદા અંતર્ગત ભાગેડુ જાહેર થનારા આરોપીની તમામ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર સરકારને અપાયો છે. કોર્ટ વિજય માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવા અંગેની દલીલો સાંભળવાનો પ્રારંભ ફેબ્રુઆરી મહિનામાં કરશે. વિજય માલ્યાને છેલ્લા એક મહિનામાં આ બીજો ફટકો પડયો છે. આ પહેલાં બ્રિટનની અદાલતે વિજય માલ્યાનું ભારત ખાતે પ્રત્યર્પણ કરવાની પરવાનગી આપી દીધી હતી.

૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ બ્રિટનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલ્યાનાં ભારત ખાતે પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બથનોટે જણાવ્યું હતું કે, પહેલી નજરે જણાય છે કે વિજય માલ્યાએ છેતરપિંડી આચરી છે. તેમની સામે મની લોન્ડરિંગ અને કાવતરાનો કેસ બને છે. વિજય માલ્યા અદાલતમાં પુરવાર કરી શક્યા નહોતા કે તેઓ રાજકીય વેરભાવનો ભોગ બની રહ્યા છે.

માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) કોર્ટમાં અરજી કરી હતી. માલ્યાએ અગાઉ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ અદાલતમાં જણાવ્યું હતું કે, ‘તે ભાગેડુ આર્થિક ગુનેગાર નથી કે મની લોન્ડરિંગના ગુનામાં પણ સામેલ નથી.’ હવે કોર્ટે કિંગફિશર એરલાઈન્સને ૯,૦૦૦ કરોડની બેન્કલોન કૌભાંડ મામલે વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે. વિશેષ અદાલત તેમજ મુંબઈ હાઈ કોર્ટે માલ્યાની અપીલ કરવા અને આદેશ પર સ્ટે આપવાની માગની અરજીઓને રદ કરી હતી. ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયા પછી ઈડીને માલ્યાની સંપતિઓને જપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે.

માલ્યાએ વકીલ અમિત દેસાઈ દ્વારા તેને આર્થિક ભાગેડુ જાહેર કરવાની ઈડીની અરજી ફગાવવાની માગ સાથે રજૂઆત કરી હતી કે નવા નિયમ કઠોર છે. ઈડીએ આ દાવાનો વિરોધ કરી કહ્યું હતું કે, ‘બિઝનેસમેન વિજય માલ્યા માર્ચ ૨૦૧૬ના એક સમ્મેલનમાં સામેલ થવાના બહાને સામાન ભરેલી ૩૦૦ બેગ સાથે જિનીવા જતા રહ્યા હતાં. ખરેખર તે આ સંમેલનનાં બહાને દેશથી ભાગી ગયો છે.’

ભાગેડુ માલ્યાને ગત વર્ષે યુકેમાં ધરપકડ કરાયા પછી જામીન આપી દેવાયા હતા. ગત મહિને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે ચુકાદો આપ્યો હતો કે માલ્યાને ક્રિમિનલ ફ્રોડ કેસીસનો સામનો કરવા ભારતમાં પ્રત્યાર્પણ કરી શકાય છે. માલ્યા પાસે આ ચુકાદા સામે અપીલ કરવા જાન્યુઆરીના અંત સુધીનો સમય છે.

ભાગેડુ આર્થિક અપરાધી ધારો શું છે?

ઓગસ્ટ ૨૦૧૮થી અમલમાં આવેલા ભાગેડુ આર્થિક અપરાધી કાયદા અંતર્ગત આર્થિક અપરાધ માટે ધરપકડ વોરંટ જારી કરાયું હોય અને ફોજદારી કાર્યવાહીથી બચવા દેશ છોડી નાસી ગયેલી વ્યક્તિને જો તે કેસનો સામનો કરવા માટે ભારત પરત આવવા ઇનકાર કરતો હોય તો ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી શકાય છે. એક વાર વ્યક્તિ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થતાં તપાસ એજન્સી તેની તમામ સંપત્તિ જપ્ત કરી શકે છે. આ કાયદા અંતર્ગત રૂપિયા ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી, ચેકબાઉન્સ અને લોન ડિફોલ્ટના કિસ્સામાં પગલાં લેવાની જોગવાઈ છે.

પાંચ વર્ષમાં ૨૭ ફુલેકાબાજો વિદેશમાં ફરાર

ભારત સરકારે સંસદમાં માહિતી આપી હતી કે, છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ બિઝનેસમેન બેન્કોની લોન ચૂકવ્યા વિના વિદેશ નાસી ચૂક્યા છે. રાજ્યકક્ષાના નાણા પ્રધાન શિવપ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે, સરકારે આ ૨૭માંથી ૨૦ બિઝનેસમેન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. ઈડીએ સાત બિઝનેસમેનને નવા કાયદા અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા અદાલતમાં અપીલ કરી છે.

ભારત સરકારના વોન્ટેડ ફુલેકાબાજો

• પુષ્પેશ વૈદ્ય •આશિષ જોબનપુત્રા • પ્રીતિ જોબનપુત્રા• વિજય માલ્યા – સન્ની કાલરા• સંજય કાલરા • સુધીર કાલરા • આરતી કાલરા • વર્ષા કાલરા • જતિન મેહતા • ઉમેશ પારેખ • કમલેશ પારેખ • નિલેશ પારેખ • એકલવ્ય ગર્ગ • વિનય મિત્તલ • ચેતન સાંડેસરા • નીતિન સાંડેસરા • જિપ્તી સાંડેસરા • નીરવ મોદી • નિશાલ મોદી • મેહુલ ચોકસી • સભ્ય શેઠ • રાજીવ ગોયલ • અલકા ગોયલ • લલિત મોદી • રિતેશ જૈન • હિતેશ નરેન્દ્રભાઈ પટેલ • મયૂરીબહેન પટેલ.

૧૭ બેન્કોના રૂપિયા ૯,૯૯૦ કરોડની લોન લઈ ફરાર

ભારે દેવાંમાં દટાયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ ભારતની ૧૭ બેન્કોના લગભગ રૂપિયા ૯,૯૯૦ કરોડની લોન ચૂકવ્યા વિના બ્રિટન ફરાર થઈ ગયા છે. વિજય માલ્યા કહે છે કે હું જીનીવા ખાતે મિટિંગમાં ભાગ લેવા ગયો હતો પરંતુ મને અપરાધી ઠેરવી મારી સામે વોરંટ જારી કરી દેવાયાં હતાં. હું બેન્કોની તમામ લોન ચૂકવી દેવા તૈયાર છું અને તે અંગેનો રોડમેપ મેં કર્ણાટક હાઇકોર્ટને આપેલો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter