સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 31st July 2019 06:21 EDT
 

• મહારાષ્ટ્રમાં ૨૭મીએ વરસેલા ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. મુંબઈમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો. થાણે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા મુંબઈ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ થાણે જિલ્લાના વાંગણી પાસે પાણીમાં ફસાઈ ગઈ હતી. ટ્રેનને મુંબઈથી આશરે ૭૨ કિમી બદલાપુર સ્ટેશન પાસે અટકાવવાની ફરજ પડી હતી. ૧૦૫૦ યાત્રીઓના જીવ આશરે ૧૭ કલાક સુધી અદ્ધર રહ્યા હતા. આ પછી સૌથી પહેલાં સ્થાનિક લોકો બચાવ માટે પહોંચ્યા હતા. બાદમાં નૌકાદળ, વાયુદળ, એનડીઆરએફ અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને ઉગારી લીધા હતા.
• જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. આ સાથે તેના ચાર્જર પર પમ ૧૮ ટકાના બદલે પાંચ ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ૨૭મીએ જીએસટી કાઉન્સિલની ૩૬મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
• સીબીઆઈ અધિકારી રાકેશ અસ્થાના સામે લાંચ લેવાનો આરોપ મુકનાર સતીષ બાબુ સનાની ૨૭મીએ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. માંસનાં વેપારી મોઈન કુરેશી કેસમાં દિલ્હીની કોર્ટે સના સતીષ બાબુને ઈડીને પાંચ દિવસનાં કસ્ટોડિયલ રિમાન્ડ પર સોંપ્યો હતો.
• બિઝનેસમેન અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ દેવાળિયા કંપની જાહેર થવાના આરે છે. કંપની પર રૂ. ૯૦૦૦ કરોડથી વધુનું દેવું છે. કંપની આ દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી.
• કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ. જયપાલ રેડ્ડીનું ૨૮મીએ મોડી રાત્રે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને ન્યુમોનિયા થયો હતો. તેમના પરિવારમાં એક પુત્રી અને બે પુત્ર છે. રેડ્ડી પાંચ વાર લોકસભા અને બે વાર રાજ્યસભાના સાંસદ રહ્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter