સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 07th August 2019 08:40 EDT
 

• બેંગલુરુના મેયરને રૂ. ૫૦૦નો દંડઃ બેંગલુરુના મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુનને થોડા દિવસ પહેલાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાની મુલાકાત લીધી હતી અને તે સમયે તેમણે સૂકામેવા ભરેલી એક ટોપલી મુખ્ય પ્રધાનને ભેટમાં આપી હતી. સૂકા મેવાની ટોપલી પ્લાસ્ટિક વડે પેક કરવામાં આવેલી હતી અને તે ફોટો ખૂબ વાયરલ થયો હતો. બેંગલુરુ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકનો વપરાશ કરવા મુદ્દે ગંગામ્બિકને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો અને તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.
• ધારાસભ્ય અલકા લાંબાનું રાજીનામુંઃ દિલ્હીના ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાએ ‘આપ’માંથી રાજીનામાનો નિર્ણય લીધો છે. તેમણે રવિવારે એક કાર્યકર સન્માન સમારોહમાં કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપશે. તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની વાત કરી.
• લોકસભામાં ૩૦ બિલ પસારઃ મોદી સરકાર બીજા કાર્યકાળમાં સંસદમાં કામકાજનો નવો રેકોર્ડ બનાવી રહી છે. ૧૭મી લોકસભાના પહેલા સત્રમાં સરકારે અત્યાર સુધી ૩૦ બિલ પસાર કર્યા છે. સરકારનો દાવો છે કે, ૬૭ વર્ષ પહેલા લોકસભામાં આવું કામકાજ થયું હતું.
• દિલ્હી સરકારની ઈલે. બિલ માફની જાહેરાતઃ રાજધાનીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. દિલ્હી સરકારે પ્રતિ માસ ૨૦૦ યુનિટ વપરાશ હોય તેમનું વીજબિલ સંપૂર્ણ માફ કરી દીધું છે. જે લોકોનો વિદ્યુતનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ કે તેનાથી ઓછો છે તે લોકોનું વીજળીનું બિલ સંપૂર્ણપણે માફ કરાશે. જોકે ૨૦૦ યુનિટથી વધારે વપરાશ પર પહેલાની માફક જ પૂરું બિલ ભરવું પડશે. આ કારણે સબસિડી પર આશરે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
• ત્રિપુરા પંચાયત ચૂંટણીમાં ભગવો લહેરાયોઃ પૂર્વોત્તરના રાજ્ય ત્રિપુરામાં ભાજપની વિજયકૂચ જારી છે. તાજેતરમાં થયેલી પંચાયતી ચૂંટણીમાં પક્ષને ૯૫ ટકા બેઠકો પર વિજય મળ્યો છે. ગયા મહિને ૨૭ જુલાઈના રોજ યોજાયેલી ચૂંટણીમાં પક્ષનો બીજી ઓગસ્ટે ભવ્ય વિજય થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવવિભોર બની ગયા હતા. તેમણે આ વિજયનું શ્રેય વિકાસના રાજકારણને આપ્યું છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ માટે ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં પક્ષને ૮૬ ટકા બેઠકો પર નિર્વિરોધ જીત મળી હતી.
• પત્રકાર રવીશ કુમાર સહિત પાંચને મેગ્સેસઃ ભારતીય પત્રકાર રવીશકુમાર સહિત પાંચ લોકોને આ વર્ષને રેમન મેગ્સેસ એવોર્ડ એનાયત કરાશે. રવીશકુમાર ઉપરાંત મ્યાનમારના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપાઇજિત, ફિલિપાઇન્સના રેયમુંડો પુજંતે અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ કી સામેલ છે. તેમને ૩૧ ઓગસ્ટે યોજાનારા સમારોહમાં સન્માનિત કરાશે.
• ભારતમાં નગર કીર્તનનું ભવ્ય સ્વાગતઃ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું પાકિસ્તાનના નનકા સાહેબથી શરૂ થયેલું આંતરરાષ્ટ્રીય નગર કીર્તન બીજીએ સુવર્ણ મંદિર પહોંચી ગયું. ભારત-પાક.ના ભાગલા પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે નનકા સાહેબથી અટારી-વાઘા સરહદના માર્ગે ૧૧૨ કિમીનું અંતર કાપી ધાર્મિક યાત્રા અમૃતસર પહોંચી હતી.
• ૪૫ દિવસમાં ચુકાદો આપોઃ ઉન્નાવ-કાંડ અંગે દેશભરમાં આક્રોશ વચ્ચે પહેલીએ દિલ્હીથી લખનઉ સુધી કાર્યવાહી થઈ. સુપ્રીમ કોર્ટે દિવસમાં ત્રણ વખત સુનાવણી કરી ચાર આદેશ આપ્યા હતા. પીડિત યુવતીના પત્ર પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યુંું કે હવે કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં જજ ધર્મેશ શર્મા સાંભળશે. ટ્રાયલ કોર્ટે રોજ સુનાવણી કરવાની રહેશે અને ઘટના સિવાયના બાકી ચાર કેસનો નિકાલ ૪૫ દિવસમાં લાવવાનો રહેશે.
• વી જી સિદ્ધાર્થનો મૃતદેહ નદીકિનારેથી મળ્યોઃ કાફે કોફી ડેનાં સ્થાપક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ ૩૧મી જુલાઈએ વહેલી સવારે નેત્રાવતી નદીના કિનારેથી મળી આવ્યો હતો. તેઓ ૨૯મી જુલાઈની સાંજથી લાપતા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter