સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 09th October 2019 08:25 EDT
 

• તેલંગણામાં હડતાળ પરના એસટીના ૪૮,૦૦૦ કર્મી ઘરભેગાઃ તેલંગણામાં ચોથી ઓક્ટોબરની રાતથી અનિશ્ચિત હડતાળ પર ઊતરેલા ૪૮,૦૦૦ કર્મચારીઓએ પાંચમી ઓક્ટોબરની રાત સુધીમાં કામ પર પરત ફરવાના રાજ્ય સરકારના અલ્ટિમેટમનો અનાદર કરતાં તમામને નોકરીમાંથી હાંકી મૂકવાની મુખ્ય પ્રધાન કેસીઆર રાવ દ્વારા રવિવારે રાત્રે જાહેરાત કરાઈ હતી. રાવે જણાવ્યું હતું કે, સરકારે આપેલી ડેડલાઇન પ્રમાણે ફરજ પર હાજર નહીં થયેલા કર્મચારીઓને નોકરીમાં પાછા લેવાનો સવાલ જ ઊભો થતો નથી.
• એચએસબીસી ૧૦,૦૦૦ ઉચ્ચ પગારદારોને છૂટા કરશેઃ બ્રિટનની એચએસબીસી બેંક દ્વારા તેના ખર્ચમાં કાપ મૂકવા તેમજ કરકસરનાં પગલાંના ભાગરૂપે ૧૦,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાશે. બેંકના કાર્યકારી સીઈઓ નોએલ ક્વિને જણાવ્યું કે, આખા બેન્કિંગ ગ્રૂપના ખર્ચમાં જંગી કાપ મુકાશે. જેમનો પગાર વધારે છે તેવા લોકોને પહેલા છૂટા કરાશે. આ મહિનાના અંતમાં જાહેર થનારા કંપનીનાં ત્રિમાસિક પરિણામો પછી બેંકના ખર્ચમાં કાપ મૂકવાની શરૂઆત કરાશે અને લોકોને નોકરીમાંથી છૂટા કરવાની ઝુંબેશ હાથ ધરાશે.
• નૂસરત જહાંએ ધર્મ બદલી લેવો જોઈએઃ ટીએમસીની સાંસદ અને બંગાળી અભિનેત્રી નૂસરત જહાંએ દુર્ગાપૂજામાં હાજરી આપતાં દારુલ ઉલૂમ દેવબંધના એ મૌલવીએ જણાવ્યું કે, ઈસ્લામમાં જે કહેવાયું છે તે પ્રમાણે અલ્લાહ સિવાય કોઈની પણ પૂજા હરામ છે. નૂસરત જહાંએ પોતાનું નામ અને ધર્મ બદલી કાઢવા જોઈએ. જોકે વીએચપી નેતા આલોકકુમારે કહ્યું કે ભારતમાં જે મુસ્લિમો છે તેના પૂર્વજો હિન્દુ જ હતા. કોઈ મુસ્લિમ દૂર્ગાપૂજા કરે કે પછી કોઈ હિંદુ ઇફતારનું આયોજન કરે તો તેનાથી તેના ધર્મને અસર થતી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter