સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 12th February 2020 06:54 EST
 

• કરતારપુરમાં પાસપોર્ટ વગર પ્રવેશની છૂટની શક્યતા: કરતારપુર કોરિડોરથી પાકિસ્તાન જનારા ભારતીયો માટે પાસપોર્ટ વગર જ એન્ટ્રી મળી રહે તે દિશામાં પાકિસ્તાન સરકાર વિચારી રહી છે. આ અંગે જાણકારી પાકિસ્તાનના પ્રધાન ઈજાઝ શાહે આપી હતી.
• મંદિર બને ત્યાં સુધી રામલલ્લા કાચ/લાકડાના મંદિરમાં રખાશે: અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ આંદોલન સાથે સંક્ળાયેલા મોટા ભાગના સંતો-મહંતોનું માનવું છે કે, બીજી એપ્રિલ ચૈત્ર રામનવમીથી મંદિર બનવાની શરૂઆત થાય. એ સમયે ગ્રહ નક્ષત્ર પણ અનુકૂળ હશે. અહેવાલ છે કે રામલલ્લાને એક અસ્થાયી મંદિરમાં બિરાજમાન કરાશે. ખાસ જર્મન પાઈપ - લાકડા અને કાચથી બનતું મંદિર દિલ્હીમાં તૈયાર થઇ રહ્યું છે. તેને અયોધ્યા લવાશે. તેમાં રામજીને બિરાજમાન કરાશે.
• પંજાબના ફટાકડા ભરેલી ટ્રોલીમાં વિસ્ફોટથી બેના મોતઃ પંજાબના તરનતારમાં ધાર્મિક વરઘોડામાં ફટાકડાથી ભરેલી ટ્રોલીમાં વિસ્ફોટ થતાં બે લોકોનાં મોત અને ૧૨ને ઇજા થઇ હતી. સાતમીએ બપોરે પાહુવિંદ ગામથી નગરકીર્તનમાં સામેલ શ્રદ્વાળુઓ બાબા દીપસિંહના જન્મ સ્થળ ટાહલા સાહિબ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ કાર્યક્રમ માટે આતશબાજી માટે એક ટ્રોલીમાં ફટાકડા રખાયા હતા. તેમાં ફટાકડાની જ એક ચિનગારી ટ્રોલીમાં જઇને પડતા એકસાથે બધા ફટાકડા ફૂટવા લાગ્યા હતા.
• નિર્ભયા કેસ, કાયદો અવસર આપે છે ત્યાં સુધી ફાંસી પાપઃ દેશમાં ચકચાર મચાવનાર નિર્ભયા ગેંગરેપનાં ચારેય આરોપીઓને ક્યારે ફાંસી આપવામાં આવશે તેનો નિર્ણય સાતમીએ પણ અદ્ધરતાલ રહ્યો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તમામ આરોપીઓ માટે નવું ડેથ વોરન્ટ જારી કરવા કે ફાંસીની નવી તારીખ જાહેર કરવા ઇનકાર કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીઓને જ્યાં સુધી કાયદો જીવતા રહેવાના વિકલ્પો આપે છે ત્યાં સુધી તેમને ફાંસીએ લટકાવવા તે પાપ સમાન છે.
• બેંગલુરુનાં ૬૨ વર્ષીય દાદી ‘મિસિસ ગ્રાન્ડમાં અર્થ’: બેંગલુરુનાં ૬૨ વર્ષીય આરતી ચટલાએ ‘મિસિસ ગ્રાન્ડમાં અર્થ ૨૦૨૦’નું ટાઇટલ જીત્યું છે. બલ્ગેરિયામાં૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમિયાન ગ્રાન્ડમા યુનિવર્સ પેજન્ટનું આયોજન થયું હતું. આરતી વર્ષ ૨૦૧૯માં ‘મિસિસ ગ્રાન્ડમાં ઇન્ડિયા’ બન્યા હતા.
• તાતા અને અદાણી ચલાવશે ટ્રેનઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ વર્ષે રજૂ કરેલા બજેટમાં પ્રવાસ સ્થળોને જોડવા માટે તેજસ એક્સપ્રેસ જેવી અનેક ખાનગી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી. સરકારે દેશભરમાં જુદા જુદા રૂટ પર ૧૫૦ ખાનગી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. એ જોતાં દેશના રેલવે પાટા પર ટૂંક સમયમાં જ તાતા, અદાણી અને હ્યુન્ડાઈ સહિત અનેક ખાનગી કંપનીઓની ટ્રેનો દોડશે.
• ઓમર અબ્દુલ્લા જનતા પર પ્રભાવીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના ડોઝિયરમાં પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામે પબ્લિક સેફ્ટી (પીએસએ) હેઠળ કેસ શા માટે દાખલ કરાયો તેના કારણો જાહેર કર્યા છે. ડોઝિયરમાં છે કે, ઓમર અબદુલ્લા જનતા પર ખાસ પ્રભાવ ધરાવે છે. તેઓ કોઈપણ કારણસર લોકાની ઊર્જાનો ઉપયોગ કરી શકે છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે મહેબૂબા રાષ્ટ્રવિરોધી નિવેદન આપી ચૂક્યા છે અને તેઓ ભાગલાવાદીઓના સમર્થક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter