સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 13th March 2019 07:44 EDT
 

• ‘અસ્થાનાએ મારી જિંદગી નરક બનાવાની ધમકી આપી હતી’: ઓગસ્ટા-વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલે મંગળવારે દિલ્હી કોર્ટમાં સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના પર આરોપ મૂક્યા હતા કે, અસ્થાના સાથે તેમની મુલાકાત દુબઇમાં થઇ હતી. અસ્થનાએ તેને ધમકી આપી હતી કે જો તે તપાસ દરમિયાન સાથ નહીં આપે તો જેલમાં તેની જિંદગી નરક જેવી બનાવી દેવાશે.
• રિઝર્વ બેંકની ચેતવણી અવગણી નોટબંધી લદાઇઃ નોટબંધી માટે ભારતીય રિઝર્વ બેંક બોર્ડના અનેક સભ્યો સહમત જ નહોતા. આરટીઆઈ કાર્યકર વેંકટેશ નાયકે આરટીઆઈ કરીને મેળવેલી જાણકારી મુજબ નોટબંધી અમલી બને તે પહેલાં જ ૮મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ સાંજે સાડાપાંચે મળેલી રિઝર્વ બેંક બોર્ડની બેઠકમાં સરકારને ચેતવણી અપાઈ હતી કે, નોટબંધીથી કાળું નાણું અંકુશમાં નહીં આવે, પરંતુ બોર્ડની મંજૂરી વિના જ ૮ નવેમ્બરે, ૨૦૧૬ના રોજ મધરાતથી નોટબંધી અમલી બની હતી.
• એનસીપી વડા શરદ પવાર લોકસભા ચૂંટણી નહીં લડેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર આગામી મહિને યોજાનારી લોકસભા ચૂંટણી લડશે નહીં. ૭૮ વર્ષીય રાજયસભાના સાંસદ પવારે પક્ષના નેતાઓ સાથે વાટાઘાટો પછી પૂણેમાં કહ્યું કે, એમના પરિવારના બે સભ્યો ચૂંટણી લડવાના હોવાથી કોઈકે પાછળ હટવું પડે. હું ૧૪ વાર ચૂંટણી જીતી ચૂક્યો હોવાથી મેં આ વખતે ચૂંટણી નહી લડવાનું નક્કી કર્યું છે.
• કાશ્મીરી અખબારોનું પહેલું પાનું કોરુંઃ શ્રીનગરથી પ્રકાશિત થતા બે અખબારોને જાહેરાતો અટકાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતાં રવિવારે કાશ્મીરના મોટાભાગના અખબારોએ પહેલું પાનું કોરું રાખ્યું હતું.
• રૂ. ૫૦ હજાર આપીને સગીર પાસે જમ્મુમાં ગ્રેનેડ હુમલોઃ જમ્મુનાં બસ સ્ટેન્ડ પર સાતમીએ સવારે ગ્રેનેડ હુમલો કરાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૩૨ને ઈજા થઈ હતી. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે, ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ મુજબ તે ૯મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના પિતા પેઇન્ટર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter