સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 20th March 2019 08:58 EDT
 

• ભારત - આફ્રિકન સેનાની કવાયતઃ ભારતીય સેનાએ ૧૮મીથી મહારાષ્ટ્રના ઔંઘમાં આફ્રિકાના ૧૭ દેશોની સેનાની ટુકડીઓ સાથે દસ દિવસીય કવાયત શરૂ કરી હતી જે ભારત અને આફ્રિકી ખંડ વચ્ચે વ્યૂહાત્મક સબંધોમાં વધારોના સંકેત છે.
• ભારત પાક. અંકુશ રેખા પર યુદ્ધવિરામ ભંગઃ શ્રીનગરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા ૧૮મીએ સતત બીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ થતાં સામસામે ગોળીબારમાં ભારતીય રાઇફલમેન કરમજિતસિંહ શહીદ થયો હતો.
• દેશના પહેલા લોકપાલ પૂર્વ જસ્ટિસ પી સી ઘોષ?: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, લોકસભાના સ્પીકર અને એક નામાંકિત વ્યક્તિની બનેલી સિલેક્શન કમિટીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પી સી ઘોષ પર દેશના પહેલા લોકપાલ બનવાની પસંદગી ચર્ચાય છે.
• ‘પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે’: કાશ્મીર પર આયોજિત એક સમારોહમાં બોલતાં સંઘની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ઇંદ્રેશકુમારે અખંડ ભારતના વિચારને વેગ આપતાં જણાવ્યું હતું કે, તમે મારા શબ્દો લખી રાખો. પાંચ-સાત વર્ષ પછી તમે કરાચી, લાહોર, રાવલપિંડી, સિયાલકોટમાં મકાન ખરીદી રહ્યા હશો અને તમને આ શહેરોમાં બિઝનેસ કરવાની તક પણ મળશે. ૨૦૨૫ પછી ફરી એકવાર પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે.
• પાકિસ્તાન દાઉદ ઇબ્રાહીમ – સલાહુદ્દીન સોંપી દેઃ પાકિસ્તાન તરફથી વાટાઘાટો માટે થઈ રહેલી દરખાસ્તોને મુદ્દે ભારતે સાફ કહી દીધું છે કે પહેલાં તો પાકિસ્તાન ત્રાસવાદ વિરુદ્ધ પગલાં નહીં લે તો મંત્રણા મુશ્કેલ છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન મંત્રણા માટે ગંભીર હોય તો દાઉદ ઇબ્રાહીમ અને સૈયદ સલાહુદ્દીનને ભારતને સોંપી દે.
• મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજ તૂટતાં પાંચનાં મોતઃ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફાર્મ નંબર એક અને અંજુમને ઇસ્લામ સ્કૂલ બિલ્ડિંગ પાસેની ગલીમાં ઊતરતા ફૂટ ઓવરબ્રિજનો અડધા કરતાં વધુ સ્લેબ ૧૪મીએ તૂટતાં ૨ મહિલાઓ અપૂર્વા પ્રભુ અને રંજના તાંબે સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૩૬ કરતાં વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter