મુંબઇઃ મહાન સંતુરવાદક શિવકુમાર શર્માનું મંગળવારે નિધનન થયું છે. 84 વર્ષીય શિવકુમાર શર્મા છેલ્લા 6 મહિનાથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. કાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. શિવકુમાર શર્માએ પોતાની કલા વડે જમ્મુ-કાશ્મીરના વાદ્ય સંતુરને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પતા લખ્યું હતુંઃ પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું કલાજગત વધુ ગરીબ થયું છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી મુલાકાતો યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
તેઓ અન્ય વાદ્યો સાથે જુગલબંદી કરતા હતા, મોટેભાગે સરોદ અને સંતૂરની જુગલબંદી જામતી હતી. તેઓ મ્યૂઝિક કંમ્પોઝર પણ હતા. તેમણે મહાન વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે ફિલ્મ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. તેમણે ઘણા શિષ્યોને તાલીમ આપીને તૈયાર કર્યા હતા. તેમના પુત્ર રાહુલ શર્માની પણ દેશના જાણીતા સિતારવાદકમાં ગણના થાય છે.