સંરક્ષણ બાબતોમાં સિતારામનનો, વિદેશી મોરચે જયશંકરનો ઉજળો રેકોર્ડ

Saturday 08th June 2019 06:00 EDT
 
 

અમદાવાદઃ મોદી સરકારની નવી કેબિનેટમાં મોટા ભાગના ચહેરા સરકારમાં શોભે એવા અને વિકાસવાદી વિચારસરણી ધરાવે એ પ્રકારના છે. વિવાદાસ્પદ નામો બહુ ઓછા છે. એ બધામાં પણ બે નામોની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, એક છે એસ.જયશંકર અને બીજા નિર્મલા સિતારામન.
૨૦૧૭માં જ્યારે નિર્મલા સિતારામનને સંરક્ષણ પ્રધાન બનાવાયા હતા. ૨૦૧૭થી ૨૦૧૯ સુધી સંરક્ષણ મંત્રાલયને બિનવિવાદાસ્પદ રીતે સંભાળ્યા પછી હવે તેમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવાયા છે. નાણા મંત્રાલય તરીકે પણ તેઓ નોંધપાત્ર કામ કરી શકશે, કેમ કે તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલા છે. એ ઉપરાંત ૨૦૧૪માં તેઓ ટૂંક સમય માટે નાણાં મંત્રાલયમાં જુનિયર પ્રધાન બન્યા હતા. એ વખતે તેમના ફાળે કોર્પોેરેટ-ટ્રેડ વિભાગ આવ્યો હતો. રાજકારણમાં સક્રિય થયા પહેલા તેઓ યુકેમાં હતા.
તમિલનાડુના મદુરાઇમાં ૧૮ ઓગષ્ટ ૧૯૫૯ના રોજ જન્મેલ નિર્મલાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને લંડનની સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. જેએનયુ દિલ્હીમાં તેમણે અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું છે. લંડનના એગ્રીકલ્ચરલ એન્જીનયર્સ ઓસોસિએશનમાં સહાયક અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યુ છે. ઉપરાંત લંડનના જ પ્રાઇઝ વોટર કુપરહાઉસમાં રિસર્ચ એન્ડ એનાલિસીસના સિનિયર મેનેજર તરીકે પણ કામ કર્યુ છે. ઉપરાંત આ જ સમયગાળામાં તેઓે બીબીસી વર્લ્ડ સર્વીસ સાથે પણ જોડાયેલા હતા. ત્યાંથી ભારત આવ્યા બાદ તેમણે હૈદરાબાદના પબ્લિક પોલિસી સેન્ટરમાં પણ સેવા આપી છે. સંરક્ષણ પ્રધાન તરીકે સંસદમાં રફાલ મુદ્દે લાંબી ચર્ચામાં ભાગ લઈને તેમણે વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી.
એસ. જયશંકર ભારતના ચીન અને અમેરિકા સહિતના ઘણા દેશોમાં રાજદૂત રહી ચૂક્યા છે. તેઓ ૧૯૭૭ની બેચના ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ) ઓફિસર છે. અમેરિકામાં રાજદૂત હતા એ વખતે જ ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ કરાર થઈ રહ્યો હતો. જયશંકરે એ કરાર પાર પાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
બીજી તરફ ચીનમાં કામ કરવાનો તેમનો અનુભવ દોકલામ વિવાદ વખતે કામ આવ્યો હતો. ૨૦૧૫થી ૨૦૧૮ સુધી તેઓ ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. ફોરેન સેક્રેટરી તરીકેનો એ સૌથી લાંબો કાર્યકાળ છે. નરેન્દ્ર મોદી સાથે તેમનો જુનો સબંધ છે. ૨૦૧૨માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચીન ગયા હતા ત્યારે જયશંકર સાથે મુલાકાત થઈ હતી. એ વખતથી બન્ને વચ્ચે સારા સબંધો છે.
ચીન જમ્મુ-કાશ્મીર માટે સ્ટેપલ વિઝા આપતું હતું. જયશંકરની કૂટનિતીને કારણે જ ચીને એ પદ્ધતિ બદલવી પડી હતી. એનડીએ સરકારની પ્રથમ ટર્મ વખતના તેમના કાર્યકાળ દરમિયાન જયશંકરે મોદી સરકારની વિદેશ નીતિ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જયશંકરે જાપાની મહિલા ક્યોકો સાથે લગ્ન કર્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter