સુશાંતસિંહના મિત્ર કૃણાલ જાની પાસેથી રેવ પાર્ટીની બાતમી મળી હતી

Wednesday 06th October 2021 05:08 EDT
 
 

મુંબઈઃ મુંબઈ અને બોલિવૂડના બહુર્ચિચત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હવે નવા જ તથ્યો બહાર આવી રહ્યા છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં જ સુશાંતસિંહ કેસમાં એનસીબી દ્વારા હોટેલિયર કૃણાલ જાનીની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલ એક સમયે સુશાંતનો મિત્ર હતો અને તેને ડ્રગ્સ અપાવવામાં તે વચેટીયા તરીકે કામ કરતો હોવાની શંકાએ તેની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી દ્વારા કૃણાલની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ પૂછપરછ દરમિયાન જ તેણે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ ઉપર રેવ પાર્ટીનું આયોજન થયું હોવાની તથા તેમાં ડ્રગ્સનું સેવન થવાની માહિતી આપવામાં આવી હતી.
સૂત્રોના મતે કૃણાલ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે એનસીબીના અધિકારીઓ ક્રૂઝમાં સામાન્ય પ્રવાસીની જેમ સવાર થઈ ગયા હતા. આ ક્રૂઝમાં ૧૮૦૦થી વધુ લોકો સવાર હતા. જાણાકારોના મતે એનસીબીના અધિકારીઓ દ્વારા સૌથી પહેલાં તો પાર્ટી શરૂ થાય તેની રાહ જોવામાં આવી હતી. પાર્ટીમાં ડ્રગ્સનું સેવન શરૂ થતાંની સાથે જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ કરાયા બાદ કૃણાલ જાનીનું નામ સામે આવ્યું હતું. તેની ધરપકડ કરાયા બાદ હવે ક્રૂઝ પાર્ટીની વિગતો સામે આવી છે. જાણકારોના મતે હજી આ દિશામાં ઘણી મોટી સંડોવણીઓ સામે આવી શકે છે.

રેવ પાર્ટી એટલે શું? તેમાં કેવા ડ્રગ્સનો ઉપયોગ થાય છે?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝ શિપ પર રેડ કરીને હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી કરતાં નબીરાઓને પકડી પાડયા છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે આ કોઇ પહેલો કેસ નથી મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઇ, બેંગલોર, પણજી વગેરમાં દરરોજ ઘણા પ્રકારની રેવ પાર્ટીઓનું આયોજન થતું હોય છે. દારૂ, ડ્રગ્સ, ડીજે અને ડાન્સની આવી પાર્ટીઓનું ગુપચુપપણે આયોજન થતું હોય છે જેની કોઇને ખબર પણ પડતી નથી. ૮૦-૯૦ની દાયકામાં આવી પાર્ટીઓનું ચલણ અસ્તિત્વમાં આવ્યું હતું. માદક દ્રવ્યો વેચતા લોકો માટે આવી પાર્ટી જાણે કોઇ લોટરીની ગરજ સારે છે. આવી રેવ પાર્ટીઓમાં દરેક લોકોને આમંત્રણ આપવામાં નથી આવતું. આ પાર્ટીના પાસની કિંમત હજારો રૂપિયામાં હોય છે. જેમાં ગાંજો, ચરસ, કોકેન, હશીશ, એલએસડી, મેફેડ્રોન જેવા ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના આ ડ્રગ્સની અસર સાતથી આઠ કલાક રહેતી હોય છે. મોટાભાગે આવા ડ્રગ્સ પાર્ટીના આયોજકો દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય છે. આવી પાર્ટીઓમાં ફક્ત છોકરાઓ જ નહીં, છોકરીઓની સંખ્યા પણ ખાસ્સી જોવા મળતી હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter