૩૦ વર્ષમાં પહેલી વાર કાશ્મીરમાં લેન્ડલાઈન પણ બંધ, લદાખમાં લોકોએ ઉજાણી કરી

Thursday 08th August 2019 06:14 EDT
 
 

શ્રીનગરઃ કાશ્મીર સંદર્ભે થયેલા સૌથી મોટા અને સૌથી મહત્ત્વ નિર્ણયના દિવસે જમ્મુથી શ્રીનગર સુધી કલમ ૧૪૪ લાગુ રહી. કાશ્મીરમાં ઇન્ટરનેટ પણ બંધ હોવાની વાત નવી નથી, પરંતુ ૩૦ વર્ષમાં પહેલી વાર ઇન્ટરનેટની સાથે લેન્ડલાઈન અને મોબાઈલ ફોન પણ બંધ કરાયા. કાશ્મીરનો સંપર્ક બાકીના દેશ સાથે કપાઈ ગયો. સેટેલાઇટ ફોન અને લાઇવ ટેલિકાસ્ટ કરતી ઓબી વેન જ છે, જે કાશ્મીરની વાતને બહાર પહોંચાડી રહી છે.
તમામ રસ્તાઓ ચોથી ઓગસ્ટની રાતથી સૂના હતા. એકલ-દોકલ એમ્બ્યુલન્સ કે હોસ્પિટલની ગાડીઓ નજરે પડી જતી હતી. જમ્મુ કાશ્મીરની તમામ સ્કૂલ-કોલેજો બંધ છે. બજાર પણ બંધ છે. રસ્તા પર ફક્ત સુરક્ષા દળોના જવાન નજરે પડે છે. લોકોના ઘરોમાં દોઢ-બે મહિનાનું કરિયાણું ભરાઇ ગયું છે.
સુરક્ષા દળોની ભારે તહેનાતીના કારણ ક્યાંય હિંસાના સમાચાર નથી અને ક્યાંય વિરોધ પ્રદર્શન પણ નથી. શ્રીનગરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વસતીથી દોઢ ગણા જવાન તહેનાત છે. સુરક્ષા એડવાઇઝરી જારી થયા પછી પ્રવાસીઓ ખીણ છોડી ચૂક્યા છે. માત્ર ૪૮ કલાકમાં ૧૮ હજારથી વધુ પ્રવાસીઓ પણ કાશ્મીર છોડી દીધું છે. હવે અહીં કોઈ પ્રવાસી નથી. સંસદમાં જાહેરાત પછી મુખ્ય નેતાઓએ નિવેદન જરૂર કર્યા, પરંતુ ખીણમાં ભાગલાવાદી અને તેમના સમર્થકો એકદમ ચૂપ છે.
બીજી તરફ, કાશ્મીરથી અલગ થવાના કારણે લદાખમાં ઇન્ટરનેટ બંધ રહ્યું. અહીં પણ ફોન બંધ છે. કારગિલ અને લેહમાં જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળી. એક તરફ લેહના રાજકીય ધાર્મિક નેતાઓ અને સ્થાનિકોમાં ખુશી છે. લોકો ખુશાલી મનાવવા રસ્તા પર નીકળી પડ્યા હતા. જ્યારે કારગિલમાં આ મુદ્દે થોડોક અસંતોષ પ્રવર્તે છે. લદાખની ૨.૫ લાખ વસતીમાં લેહમાં ૧.૨૫ લાખ લોકો રહે છે. આ વિસ્તારના આધારે દેશનો સૌથી મોટો જિલ્લો છે. સ્થાનિકોને ડર છે કે, બહારના લોકો અહીં આવશે તો મુશ્કેલીઓ વધશે. તેઓ ઇચ્છે છે કે, સરકાર હિમાચલ અને ઉત્તરાખંડની જેમ અહીં પણ બહારના લોકોને જમીન ખરીદવા ના દે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter