‘દીદી’ બન્યાં ‘દાદી’: ધરણે બેસી સરકાર ચલાવી, કેબિનેટ યોજી

Wednesday 06th February 2019 06:24 EST
 
 

કોલકાતાઃ શારદા અને રોઝવેલી કૌભાંડનાં આરોપોમાં ઘેરાયેલી પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
વિવાદનું મૂળ શારદા ચીટફંડ નામની કંપનીએ લોકો પાસેથી કરોડોની રકમ એકઠી કરી હતી અને લોકોને ૩૪ ગણી રકમ પાછી આપવાનો વાયદો કર્યો હતો. આ કંપની ટીએમસીનાં કેટલાક નેતાઓની હતી જેમાં રૂ. ૪૦,૦૦૦ કરોડનો ગોટાળો કરાયાનો આક્ષેપ છે. કોલકાતા પોલીસે આ કેસમાં પોલીસ કમિશનર રાજીવકુમારની આગેવાનીમાં સીટ રચીને તપાસ કરી હતી. તેથી ક્રાઈમ બ્રાંચ આ કેસમાં રાજીવકુમારની તપાસ માટે તેમના ઘરે ત્રાટકી હતી. એ પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રાજીવકુમારનો સાથ આપતાં તેમના ઘરે પહોંચી ગયાં અને એ પછી સીબીઆઈનાં પગલાંનાં વિરોધમાં મમતાદીદી ધરણા પર બેસી ગયા હતા. તેમણે દેશમાં સુપર ઈમરર્જન્સીનો આક્ષેપ કર્યો હતો. મમતા બેનરજીએ સીબીઆઈ અને કેન્દ્રની ભાજપ સરકાર સામે જંગ માંડયા પછી રવિવારે રાત્રે ૮ કલાકથી જ તેઓ કોલકાતા મેટ્રો સ્ટેશનની નજીકનાં સ્થળે ધરણા પર બેસી ગયા હતા અને સરકારનું બધું કામકાજ ત્યાંથી જ કરી રહ્યા છે. સોમવારે તેમણે કેબિનેટની બેઠક પણ ધરણાસ્થળે યોજી હતી. તેમણે કેટલીક ફાઈલો પર સહીઓ પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી તેઓ ધરણાસ્થળેથી જ તેમની સરકાર ચલાવશે અને બધો વહીવટ ત્યાંથી જ કરશે. સોમવારે પશ્ચિમ બંગાળનું બજેટ રજૂ કરવાના મુદ્દે જ્યારે તેમણે ધરણાસ્થળેથી વિધાનસભા સત્રને સંબોધન કર્યું હતું ત્યારે આખી કેબિનેટને ધરણાસ્થળે હાજર રાખી હતી.
સીએમઓનાં તમામ અધિકારીઓ પણ ઘરણાસ્થળે જ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સીબીઆઈનાં ૪૦ અધિકારીઓ કોલકાતા પોલીસ કમિશનરનાં ઘરે ગયા હતા. જેમાંથી પોલીસે ધરપકડ કરી હતી. જોકે મોડેથી વિવાદ વકરતા તેમને છોડી મુકાયા હતા.
આઈપીએસ અધિકારીઓ સામે પગલાંની સંભાવના
તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને સીબીઆઈ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાયા પછી રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. ગૃહમંત્રાલયે સીબીઆઈનાં કામકાજમાં અવરોધો સર્જવાનો મમતા સરકાર સામે આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર આઈપીએસ અધિકારીઓ સામે પગલાં લઈ શકે છે.
અમારો સત્યાગ્રહ અત્યાચાર સામે
મમતા બેનરજીએ જણાવ્યું કે, હું જીવ આપવા તૈયાર છું પણ સમજૂતિ કરીશ નહીં. જ્યારે ટીએમસીના નેતાઓની ધરપકડ કરવામાં આવી ત્યારે હું કશું જ બોલી નહોતી. મેં વિરોધ પણ કર્યો નહોતો. આ મુદ્દે હવે તમામ મર્યાદાઓનો ભંગ થઈ ગયો છે. મને ગુસ્સો એક જ વાતનો આવ્યો છે કે, કોલકાતાના પોલીસ કમિશનરની ધરપકડ કરીને તેમનાં પદનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેઓ એક ઉચ્ચ સંસ્થાના ઉચ્ચ અધિકારી છે. આ પદનું માન જળવાવું જોઈએ. અમારો સત્યાગ્રહ કોઈ એજન્સી સામે નથી પણ મોદી સરકારનાં અત્યાચાર સામે છે. બંધારણીય સંસ્થાઓ પર હુમલા કરાઈ રહ્યા છે. આથી અમે બંધારણ બચાવવા ધરણા યોજ્યા છે.
મામલો સુપ્રીમમાં
પોતાના અધિકારીઓની પોલીસ દ્વારા ધરપકડને સીબીઆઈએ સુપ્રીમમાં પડકારી હતી. જેમાં સીબીઆઈએ મમતા સરકાર સામે કામમાં અવરોધો સર્જવાનો આક્ષેપ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઝાટકી નાંખી હતી અને કહ્યું કે પહેલાં પોલીસ કમિશનર વિરુદ્ધ નક્કર પુરાવા લાવો. જ્યાં સુધી પુરાવા રજૂ નહીં કરાય ત્યાં સુધી કોઈ પગલાં લેવાશે નહીં. સુપ્રીમે કેસની સુનાવણી મંગળવાર પર છોડી હતી. એ પછી મંગળવારે સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યો હતો કે સીબીઆઇ સમક્ષ હાજર થાઓ. જો કે સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનરને રાહત આપતાં કહ્યું હતું કે એમની ધરપકડ કરી શકાય નહીં. આ મુદ્દાને મમતા દીદીએ પોતાના નૈતિક વિજય સમાન ગણાવ્યો હતો.

• સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જ વિપક્ષોનું રૂપ આક્રમક હતું. રાજનાથસિંહે આ મુદ્દે ગૃહમાં કહ્યું કે મમતા સરકાર સીબીઆઈને કામ કરવા દેતી નથી અને અવરોધો સર્જે છે. આ પછી વિપક્ષોએ સંસદમાં સીબીઆઈ તોતા હૈ... સીબીઆઈ તોતા હૈ...નાં નારા લગાવ્યા હતા.
• સીબીઆઈએ રાજીવકુમાર પર પુરાવાનો નાશ કર્યાનાં આરોપો મૂક્યા છે. જે સંદર્ભમાં સુપ્રીમનાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, કોલકાતાનાં પોલીસ કમિશનરે જો પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હશે તો તેના સાક્ષીઓ અમારી સામે રજૂ કરવાથી રાજીવકુમાર સામે એવી કાર્યવાહી કરાશે કે જેથી તેમને ભારોભાર પસ્તાવું પડશે.
• સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ ગયું હતું અને મમતા સરકારે ભાજપ નેતાઓને બંગાળમાં રેલી ન યોજવા દીધી તેવી ફરિયાદ કરી હતી.
• આ બધા વચ્ચે મમતાને વધુ એક ઝાટકો એ કે રાઈટ હેન્ડ ગણાતા પૂર્વ આપીએસ અધિકારી ભારતી ઘોષ સોમવારે ભાજપમાં જોડાયા હતા. રવિશંકર પ્રસાદ અને પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય તથા મુકુલ રોયની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter