અમિત શાહઃ ભાજપના ભવ્યાતિભવ્ય વિજયના શિલ્પી

Wednesday 29th May 2019 06:31 EDT
 
 

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળ્યું હતું. શાહે દેશભરના બુથો પર આશરે ૯૦ લાખ સક્રિય કાર્યકરોને નિમ્યા હતા. સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખી તેમણે તમામ બુથ પર ૨૦-૨૦ સભ્ય નિમ્યા. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે ૨ કરોડ ૭૦ લાખ કાર્યકરની ફોજ ખડકી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે, મોદીએ ૧૪૪ તો શાહે ૧૬૧ સભા સંબોધી હતી.
શાહને આશંકા હતી કે, ઉમેદવારો વિરુદ્ધ નારાજગી પક્ષને નુકસાન પહોંચાડી શકે છે, જેની સામે લડવા તેમણે નવો વ્યૂહ અપનાવ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રચાર અભિયાનને અમિત શાહે એ રીતે ઓપ આપ્યો કે, ૨૮મી માર્ચે વડા પ્રધાન પ્રચાર શરૂ કરે અને ૭-૮ એપ્રિલ સુધીમાં તેને લહેરમાં પરિવર્તિત કરી દેવામાં આવે. અભિયાનને એ જ રીતે આગળ વધારાયું. જોકે, પહેલા અને બીજા તબક્કામાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં નુકસાનની આશંકા હતી કારણ કે, મતની ટકાવારી થોડી ઓછી હતી. આ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગળ આવ્યો.
સંઘ પરિવારે પરોક્ષ રીતે ‘૧૦૦ ટકા મતદાન... મારો બહુમૂલ્ય મત કોને? તેમને જેમણે...’ એ પ્રકારનું અભિયાન ચલાવ્યું. આ ઉપરાંત તેમણે ‘મારો મત કોના નામે?’ હેઠળ મોદી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરીને પણ અભિયાન કર્યું.

બૂથ પર નેનો મેનેજમેન્ટ

• શાહે બૂથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને
એક વર્ષ અગાઉથી ત્યાં સક્રિયતા વધારી દીધી હતી. આ માટે પક્ષે ૨૨ સૂત્રોનો એજન્ડા બનાવ્યો, જેમાં સામાજિક સમીકરણોની સાથે મંદિર-મઠ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાયતા જૂથો, લાભાર્થી, સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોને જોડવાનું કામ કર્યું.
• શાહે દરેક લોકસભામાં ૧૪થી ૨૧ સભ્યની સંચાલન સમિતિ બનાવીને બેઠકો યોજી.
• શાહે સામાજિક સમીકરણનું ખાસ ધ્યાન રાખીને દરેક બૂથ પર ૨૦ એવા કાર્યકર તૈનાત કર્યા, જેઓ એસસી, એસટી અને ઓબીસી હતા.
• દરેક ગામના સરપંચોનો સંપર્ક કરીને સભ્ય બનાવવાનું કામ કર્યું.

પશ્ચિમ બંગાળનો વ્યૂહ

• ૨૦૧૪ની ચૂંટણીમાં આશરે ૩૩ બેઠક એવી હતી, જ્યાં જીતનારા ઉમેદવારનું માર્જિન ત્રીજા નંબરના ઉમેદવારથી ઓછું હતું. ભાજપ કોલકાતા ઉત્તર અને દક્ષિણમાં નંબર બે પર રહ્યું હતું. બે બેઠક જીતી હતી.
• બંગાળમાં ભાજપે ડિજિટલ વોલ પેઇન્ટિંગ અને તમામ વિસ્તારમાં મોદીના ચહેરા સાથેના પોસ્ટરોનો ઉપયોગ કર્યો. આ કારણસર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર ભડક્યા પણ ખરા અને ઘણા સ્થળે હિંસા પણ થઈ.
• તૃણમૂલ કોંગ્રેસના અનેક મોટા નેતાઓને ભાજપે પોતાની તરફેણમાં લઈ લીધા. ભાજપમાં આ વખતે સૌથી વધારે પક્ષપલટુ નેતાઓ બંગાળ અને ઓડિશાથી આવ્યા, જેમાંના અનેકને ભાજપે ટિકિટ પણ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.

સંઘનું કામ આવું રહ્યું

• સંઘે બીજા તબક્કા પછી સક્રિયતા વધારી. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દરેક મત વિસ્તારમાં એક-એક પ્રચારક તૈનાત કર્યો.
• સંઘે સીધો ભાજપનો પ્રચાર કરવાના બદલે રાષ્ટ્રવાદનો સહારો લીધો અને મોદી સરકારના મુદ્દાને પરોક્ષ રીતે ઉઠાવ્યા.

૧૨૦ હારેલી બેઠક પર ધ્યાન

• શાહે હારેલી ૧૨૦ બેઠકને ૨૫-૨૫માં વહેંચીને નેતાઓને જવાબદારી સોંપી, જેમાંની ૮૦ બેઠક પર ભાજપે ઉમેદવાર ઉતાર્યા હતા.
• ભાજપે ૧૦.૩૦ વાગ્યા પહેલા મતદાનનું વિશેષ અભિયાન ચલાવ્યું. ૪૪૨ પ્રમુખ અને ૧૦ સહપ્રમુખ બનાવ્યા.
• દેશની ૪૧૨૦ વિધાનસભામાંથી ૨૫૬૬ વિધાનસભા પર પક્ષના પૂર્ણકાલીન વિસ્તારકને જવાબદારી સોંપી.
• દરેક તબક્કામાં મતદાન પહેલા તમામ બૂથ વર્કરોને અમિત શાહનો ઓડિયો સંદેશ જારી કરાતો હતો.
• મોદીએ ૧૪૪ સભા સંબોધી તો શાહે ૧૬૧ સભા ગજવી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter