અયોધ્યા મામલે મહિનામાં સુનાવણી પૂરીઃ ૧૫ નવેમ્બર સુધીમાં ચુકાદો?

Thursday 19th September 2019 07:26 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી છે કે બધા જ પક્ષકારો આ કેસ સંબંધિત તમામ પાસાંની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં આટોપી લે જેથી ચીફ જસ્ટિસને ચુકાદો લખવા માટે ચાર સપ્તાહનો સમય મળી રહે. જો વાસ્તવમાં આ શક્ય બન્યું તો અયોધ્યા મામલે ૧૫ નવેમ્બર પહેલાં ચુકાદો આવી શકે છે. કોર્ટે નિર્ધારિત સમયમર્યાદામાં સુનાવણી પૂરી કરવા માટે જરૂર પડ્યે કોર્ટ કાર્યવાહીનો સમય વધારવા પણ તૈયારી દર્શાવી છે. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન તમામ પક્ષકારો સાથે વાત કર્યા બાદ કહ્યું હતું કે તેઓ ૧૮ ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂરી કરવા માગે છે જેથી ચુકાદો લખવામાં તેમને ૪ સપ્તાહનો સમય મળી શકે. સાથોસાથ ચીફ જસ્ટિસ ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષકારો ઇચ્છે તો કોર્ટ બહાર મધ્યસ્થી દ્વારા પણ નિર્ણય કરી શકે છે પણ તેના માટે સુનાવણી અટકશે નહીં.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યાં છે. ૧૫ નવેમ્બર તેમનો કામકાજનો અંતિમ દિવસ હશે. નિયમ અનુસાર જો ચીફ જસ્ટિસ પાસે ઘણા વિલંબથી ચાલી રહેલા કોઈ કેસની સુનાવણી પુરી થઈ ચૂકી હોય તો તેનો ચુકાદો પણ તેમને આપવાનો હોય છે. આથી શક્ય છે કે ૧૫ નવેમ્બર સુધીમાં અયોધ્યા અંગેનો ચુકાદો આવી જાય.

અઘોષિત પરંપરા

અત્યાર સુધીના ચીફ જસ્ટિસ મહત્ત્વના ચુકાદા આપી નિવૃત્ત થતા રહ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં એક અઘોષિત પરંપરા છે કે ચીફ જસ્ટિસ પોતાની નિવૃત્તિ પહેલાં કોઈ મોટા કેસમાં ચુકાદો સંભળાવે છે આથી તેમનું નામ ન્યાયપાલિકાના ઇતિહાસમાં નોંધાય. ચીફ જસ્ટિસ ગોગોઈ પણ આવી જ કોઈ તૈયારીમાં છે. કારણ કે તેઓ અયોધ્યા મામલે મેરેથોન સુનાવણી કરીને ૧૮ ઓક્ટોબર સુધીમાં તેને ખતમ કરવા માગે છે.

તમામ પક્ષકારો સંમત

સુપ્રીમ કોર્ટે પોતાની ઇચ્છા વ્યક્ત કરતા પૂર્વે તમામ પક્ષકારોના મંતવ્યો જાણવા માગ્યા હતા. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, હું આવતા સપ્તાહના અંત સુધીમાં મારી દલીલો પૂરી કરી લઇશ અને ત્યારબાદ દિવાની દાવા માટેની દલીલો એક કે બે દિવસમાં પૂરી કરી લેવાશે. હિંદુ પક્ષકારોમાં રામલલ્લા વિરાજમાનના વકીલોએ જણાવ્યું હતું કે, અમને અમારી દલીલો પૂરી કરતાં બે દિવસ લાગશે. જ્યારે અન્ય પક્ષકારોના વકીલોએ જણાવ્યું હતું કે, તેમની દલીલો પૂરી કરવા માટે અમારે થોડા જ દિવસોની જરૂર છે. ત્યારબાદ બેન્ચે સમીક્ષા કરીને ૧૮મી ઓક્ટોબરે સુનાવણી પૂરી કરી લેવાનો નિર્ણય લીધો હતો.

મધ્યસ્થીના પુનઃ પ્રારંભ માટે મંજૂરી

ચીફ જસ્ટિસ ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી મધ્યસ્થી પેનલના વડા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફ. એમ. આઇ. કલિફુલ્લાનો પત્ર અમને મળ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, કેટલાક પક્ષકારોએ તેમને પત્ર લખીને મધ્યસ્થીની પ્રક્રિયા ફરી વાર શરૂ કરવા વિનંતી કરી છે. અમને કેટલાક પક્ષકારો દ્વારા મધ્યસ્થી દ્વારા મામલાનું સમાધાન કરવાની વિનંતી કરાઇ છે. તેઓ મધ્યસ્થી પેનલ સમક્ષ આ પ્રક્રિયા કરી શકે છે, જેથી આ મામલો ગુપ્ત રહી શકે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter