અરામ્કો રિલાયન્સમાં ૧૫ બિલિયન ડોલર રોકશે

Wednesday 14th August 2019 05:21 EDT
 
 

મુંબઇઃ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી આવશે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી છે તો સાથે સાથે જ ‘નૂતન રિલાયન્સ’ના નિર્માણની સોનેરી ઝલક દર્શાવતાં શ્રેણીબદ્ધ નિર્ણયો પણ જાહેર કર્યા છે. દેશના આર્થિક પાટનગરમાં સોમવારે ગ્રૂપની ૪૨મી એન્યુલ જનરલ મિટિંગ (એજીએમ)ને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જૂથના ઓઇલ અને કેમિકલ કારોબારનો ૨૦ ટકા હિસ્સો સાઉદી અરામ્કોને વેચશે. રિલાયન્સનાં ઈતિહાસમાં આ સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ હશે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહને આગામી દોઢ જ વર્ષમાં સંપૂર્ણ દેવામુક્ત કરવામાં આવશે.
રિલાયન્સ ગ્રૂપ પર હાલ ૧.૫૪ લાખ કરોડ રૂપિયાનું ઋણ છે. આ દેવાબોજ હળવો કરવા માટે સાઉદી અરેબિયા સરકારની માલિકી ધરાવતી અને વિશ્વની સૌથી મોટી ઓઈલ નિકાસકાર કંપની સાઉદી અરામ્કોને ઓઇલ અને પેટ્રો-કેમિકલ્સ યુનિટનો ૨૦ ટકા વેચાશે. કરારના ભાગરૂપે અરામ્કો રિલાયન્સની જામનગર રિફાઈનરીને દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ ઓઈલ સપ્લાય કરશે. રિફાઈનરી ૧.૩૬ મિલિયન બેરલની દૈનિક ક્ષમતા ધરાવે છે.
ઉપરાંત કંપનીએ રિટેઇલ પેટ્રો કારોબારની ૪૯ ટકા હિસ્સેદારી બ્રિટિશ કંપની બીપીને પણ વેચવાની ઘોષણા કરી છે. રિલાયન્સના ૧૪૦૦ પેટ્રોલ પંપ અને ૩૧ એરપોર્ટ પર એવિયેશન ફ્યુઅલ ફેસિલિટીમાં બીપી રૂ. ૭૦૦૦ કરોડમાં ૪૯ ટકા હિસ્સો ખરીદશે. બીપીએ આ અગાઉ ૨૦૧૧માં રિલાયન્સના ૨૧ ઓઈલ અને ગેસ બ્લોકમાં ૭.૨ બિલિયન ડોલરમાં ૩૦ ટકા હિસ્સો ખરીદયો હતો. જ્યારે સાઉદી અરામ્કો સાથેના સોદામાં ગ્રૂપની રિફાઇનિંગ અને પેટ્રો-કેમિકલ્સ એસેટને આવરી લેવામાં આવી છે.
આ બે સોદા ઉપરાંત કંપનીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેઇલનું શેરબજારમાં લિસ્ટીંગ કરીને કંપનીના રોકાણની વેલ્યુ અનલોક કરાશે. આ તમામ પગલાંથી રિલાયન્સ આગામી ૧૮ માસમાં એટલે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં શૂન્ય ઋણ ધરાવતી કંપની બનશે. રિલાયન્સનું કુલ એન્ટરપ્રાઇઝ મૂલ્ય ૧૩૪ બિલિયન ડોલર થાય છે. જેમાં ટેલિકોમ અને રિટેઇલ બિઝનેસ સામેલ છે.

ગ્રૂપને આગામી પાંચ વર્ષ સુધી વાર્ષિક ૧૫ ટકાની વૃદ્ધિનો અંદાજ છે. મુકેશ અંબાણીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભારત ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.

કોર્પોરેટ જગત સ્તબ્ધ, શેરધારકો ખુશખુશાલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક સાથે અનેક ક્રાંતિકારી જાહેરાતો કરીને દેશ, કોર્પોરેટ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે તો કંપનીના શેરધારકોને પણ ખુશખુશાલ કરી દીધા છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની પર હાલમાં રૂ. ૧,૫૪,૪૭૬ કરોડનું દેવું છે, જે ૧૮ મહિનામાં ચૂકવી દેવાશે. ત્યાર બાદ શેરધારકોને વધુ ડિવિન્ડો અને શેરોના બોનસ ઈસ્યુઓ થકી ઊંચા વળતરની ખાતરી આપી હતી.
ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતાં ઓઈલ - પેટ્રો-કેમિકલ્સથી લઈને ડિજિટલ ક્રાંતિમાં વધુ મોટી છલાંગ લગાવવાની યોજનાઓ જાહેર કરી હતી. તેમણે રિલાયન્સ જિયોના માધ્યમથી ડિજિટલ ક્રાંતિની અનેક જાહેરાતો કરીને દેશ-દુનિયામાં ડીટીએચ - ટીવી, એન્ટરટેઈન્મેન્ટ, ટેલિકોમ સહિતના ક્ષેત્રે ધરમૂળ પરિવર્તનના એંધાણ આપ્યા હતા. રિલાયન્સ જિયો હેઠળ કંપનીની મેગા યોજનાઓ જાહેર કરતા તેમણે કહ્યું હતું કે જિયો ફાઈબર સર્વિસિઝ કમર્શિયલ ધોરણે પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૯થી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે જિયોની ત્રીજી વર્ષગાંઠ છે. આ ડિજિટલ સેવા માટે કંપની માસિક રૂ. ૭૦૦થી ૧૦,૦૦૦  સુધીના પ્લાન લોન્ચ કરશે.
જિયો ગીગા ફાઈબર બિછાવવાની કામગીરી આગામી ૧૨ મહિનામાં પૂરી થઈ જશે. નવા જિયો સેટટોપ બોક્સ અલ્ટ્રા હાઈ-ડેફિનેશન એન્ટરટેઈન્મેન્ટ, વર્ચ્યુઅલ રિયાલ્ટી કન્ટેન્ટ, મલ્ટિ પાર્ટી વિડીયો કોન્ફરન્સિંગ, વોઈસ-એનેબલ્સ વર્ચ્યુઅલ આસિસટન્ટ, ઈન્ટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યુરિટી અને અન્ય સ્માર્ટ હોમ સોલ્યુશન્સથી સુસજ્જ હશે. રિલાયન્સ જિયોને અત્યાર સુધીમાં તેના જિયો ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ માટે ભારતભરમાંથી ૧૬૦૦ ગામો-શહેરોમાંથી ૧૫૦ લાખથી વધુ રજીસ્ટ્રેશન મળ્યા છે.
જિયોની આઈઓટી સર્વિસ પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી માર્કેટમાં રજૂ કરાશે. જિયોનું  ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સાહસ, દેશવ્યાપી ૪-જી નેટવર્ક જે નેરોબેન્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અથવા એનબીઆઈઓટી તરીકે ઓળખાશે એના થકી કંપનીને રૂ. ૨૦,૦૦૦ કરોડ જેટલી આવક મળવાનો અંદાજ છે.  
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે,આ ગામી પાંચ વર્ષમાં કંપનીના બન્ને રિલાયન્સ જિયો અને રિલાયન્સ રીટેલ કન્ઝયુમર બિઝનેસોનું લિસ્ટિંગ કરાવવાની યોજના છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયો દ્વારા અત્યાધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર સૌથી મોટા ઓપ્ટિકલ ફાઈબર સાથે ભારતભરમાં નિર્માણ માટે રૂ. ૩.૫ લાખ કરોડનું રોકાણ કરાયું છે.  જિયો અનલિમિટેડ અમેરિકા અને કેનેડા આઈએસડી કોલિંગ સર્વિસ જિયો લેન્ડલાઈન પરથી ફિક્સ્ડ માસિક ભાડાં રૂ. ૫૦૦માં ઓફર કરશે.
તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે  ગત વર્ષે તેની ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સને મોટા વૈશ્વિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો પાસેથી નાણાં ઊભા કરવાના ઉદ્દેશથી બે અલગ ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રસ્ટોને ટ્રાન્સફર કરી છે. પ્રતિષ્ઠિત વૈશ્વિક ઈન્વેસ્ટરોએ આ માટે મજબૂત ઈચ્છા બતાવી છે અને આ સંબંધિત ટ્રાન્ઝેકશન ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જવાનો તેમને વિશ્વાસ છે.
રિલાયન્સના શેરધારકોને તેમણે ઊંચા ડિવિડન્ડો અને બોનસ ઈસ્યુઓની ખાતરી આપતાં કહ્યું હતું કે, કંપની ઝીરો નેટ-દેવાનો લક્ષ્યાંક હાંસલ કરશે, ત્યારે હું ખાતરી આપું છું કે, તેમના શેરધારકોને ઊંચા ડિવિડન્ડો અને સમયાંતરે બોનસ શેર ઈસ્યુઓ અન્ય રીતે વળતર મળશે અને એ પણ અમારા - રિલાયન્સના ઈતિહાસમાં અત્યાર સુધી નહીં મળેલી ઝડપે અપાશે એમ મુકેશ અંબાણીએ શેરધારકોને જણાવ્યું હતું.

મૂડીરોકાણનો પ્રોગ્રામ પૂરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના પાંચ વર્ષના સૌથી મોટા રોકાણનો પ્રોગ્રામ પૂરો થયો હોવાનું જાહેર કરી કંપનીએ આ પાંચ વર્ષમાં રૂ. ૫.૪ લાખ કરોડનું રોકાણ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશીપ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેની સબસિડીયરી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે ક્લાઉડ સોલ્યુશન્સના નિર્માણ સહિતમાં દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફટ સાથે પાર્ટનરશિપ કરાઈ છે. ન્યૂ કોમર્સ ૭૦૦ બિલિયન ડોલરની બિઝનેસ તકો સર્જશે. ન્યૂ કોમર્સનો ઉદ્દેશ અસંગઠિત રીટેલને સંગઠિત રીટેલમાં પરિવર્તિત કરવાનો છે.
રિલાયન્સ રિટેઇલ એકમ ટૂંક સમયમાં રિલાયન્સ ન્યૂ કોમર્સ રજૂ કરશે, જે દેશભરના કરિયાણા સ્ટોર્સને ડિજિટલી જોડશે. રિલાયન્સના નવા કોમર્સ પ્લેટફોર્મથી મોટા અને નાના એન્ટરપ્રાઈસીઝ બન્ને ડિજિટલ બનવાની સાથે નાનામાં નાના એન્ટરપ્રાઈસનું માત્ર અસ્તિત્વ જ નહીં, તે નવા ભારત સાથે કદમ મિલાવી શકવા જોઈએ.
કંપનીનું મર્ચન્ટ પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) સોલ્યુશન - જિયો પ્રાઈમ પાર્ટનર પીઓએસ નાના વેપારીઓ-મર્ચન્ટો માટે યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ બની રહેશે અને કરિયાણાની નાનામાં નાની દુકાનને અત્યાધુનિક બનાવશે અને આમ તે ડિજિટાઈઝ્ડ સ્ટોર બનશે.
ઈ-કોમર્સ જંગી બિઝનેસ તક છે. રિલાયન્સ આ માટે ખાસ દેશના ૩૦૦ લાખ જેટલા વેપારીઓ અને કરિયાણા દુકાનદારોને ડિજીટલ અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન સાથે સશક્ત, સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરી  રહી છે. ડિજિટલ ક્રાંતિમાં અસાધારણ મોટી છલાંગ લગાવતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને વધુ કહ્યું હતું કે, રિલાયન્સ જિયો ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને કનેકટીવિટી અને જિયો એઝ્યોર ક્લાઉડ સર્વિસ તદ્દન ફ્રી પૂરી પાડશે.
જિયો માઈક્રોસોફટના એઝ્યોર ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા ભારતભરમાં વિશ્વકક્ષાનું મોટું ડાટા સેન્ટરોનું નેટવર્ક સ્થાપશે. જિયો-માઈક્રોસોફ્ટે લાંબા ગાળાના સહયોગ કરાર કર્યા છે. જિયો દેશવ્યાપી એજ કોમ્પ્યુટિંગ અને કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક લાખો નોડ્સ સાથે સ્થાપી
રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter