આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાક.નો ફજેતોઃ કુલભૂષણ જાધવની ફાંસી સામે સ્ટે

Thursday 18th July 2019 04:27 EDT
 
 

હેગઃ કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો થયો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે ૪૨ પાનના ચુકાદામાં કુલભૂષણ જાધવને થયેલી ફાંસીની સજા સામે પ્રતિબંધ ફરમાવવાની સાથોસાથ પાકિસ્તાનને ટકોર કરી હતી કે, તે જાધવને થયેલી ફાંસીની સજાની સમીક્ષા કરીને તે અંગે પુનર્વિચારણા કરે. આ ઉપરાંત કોર્ટે જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાનો પણ આદેશ આપ્યો હતો.
આઈસીજેની ૧૬ જજની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જાધવ મામલે ભારતને કોન્સ્યુલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. આ સાથે જ કોર્ટે પાકિસ્તાનમાં જાધવ કેસની ફેરવિચારણા થાય ત્યાં સુધી ફાંસીની સજા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા કુલભૂષણની જાસુસીના આરોપસર ધરપકડ કરાઇ છે. પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા જાધવને જાસુસી અને આતંકવાદ સાથે સંકળાયેલો હોવાનું કહીને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. તે સમયે તેને કોઈ કાનૂની સવલત આપવામાં આવી નહોતી કે ભારત સાથે તેનો કોઈ સંપર્ક પણ કરી અપાયો નહોતો. આ સંજોગોમાં પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા ભારત આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગયું હતું.

૧૫ વિરુદ્ધ ૧થી ચુકાદો

આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૧૬ જજની બેન્ચ ચુકાદો આપવા માટે બેઠી હતી. વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતાં ૧૫ જજ દ્વારા ભારતની તરફેણ કરવામાં આવી હતી, જ્યારે એક જજે આ ચુકાદાથી અલગ મત રજૂ કર્યો હતો. ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાકિસ્તાને તમામ સ્તરે આડોડાઈ કરી છે અને અનેક નિયમોનો ભંગ કર્યો છે. તેણે વિયેના સંધિના આર્ટિકલ ૩૬(૧)નો ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચુકાદાનો વિરોધ કરનાર જજ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે.

પાક.ને ત્રણ આંચકા

આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને એક સાથે ત્રણ આંચકા આપ્યા છે. એક તો, કુલભૂષણ જાધવને અપાયેલી ફાંસીની સજા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજું, તેને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે આદેશ કર્યો છે. અને ત્રીજું, વિયેના સંધિનો ભંગ કરવા બદલ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે દોષિત ઠરાવ્યું છે.

જોકે જાધવની મુક્તિ સરળ નથી

જાધવની ફાંસની સજા સામે આંતરરાષ્ટ્રીય અદાલતે ભલે પ્રતિબંધ ફરમાવ્યો, પરંતુ આ કેસમાંથી તે સરળતાથી છૂટી જાય તેમ હાલ તો જણાતું નથી. જાણકારોના મતે આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશો ભૂતકાળમાં ઘણા દેશો નકારી ચૂક્યા છે. પાકિસ્તાન આવી આડોડાઈ કરવા માટે જગજાહેર છે. તે આ કેસને સૈન્ય બાબત ગણાવીને આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને ફગાવી દઈ શકે છે. જાણકારોના મતે ભારતે હવે આ મુદ્દાને યુનાઇટેડ નેશન્સમાં જ લઈ જવો જોઈએ. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ઉપર દબાણ ઊભું નહીં થાય ત્યાં સુધી કોઈ અસર થશે નહીં.

વકીલ સાલ્વેની ફી માત્ર એક રૂપિયો!

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ ટોચના કાનૂનવિદ્ હરીશ સાલ્વેએ કર્યું હતું. કુલભૂષણ જાધવ કેસની સુનાવણી વેળા તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા તેની સામે પાકિસ્તાનની દલીલો પાંગળી પુરવાર થઇ હતી અને તેથી જ ભારતની આ કેસમાં ૧૫ વિરુદ્ધ ૧થી જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હરીશ સાલ્વે એક દિવસના સુનાવણીમાં હાજરી આપવા માટે ૩૦ લાખ રૂપિયા ચાર્જ લેતા હોવાનું પણ ચર્ચામાં છે, પરંતુ આ કેસ માટે તેમણે માત્ર એક રૂપિયો ફી લીધી છે. અગાઉ તેઓ સુપ્રીમ કોર્ટમાં રિલાયન્સ ગેસ વિવાદમાં મુકેશ અંબાણી માટે, વોડાફોન ટેક્સ કેસ, યોગ ગુરુ રામદેવ મામલે દિલ્હી પોલીસ તરફથી કેસ લડી ચૂક્યા છે.

આઇસીજે: ઉડતી નજરે

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ યુનાઇટેડ નેશન્સ (યુએન)નું ન્યાયિક અંગ છે. જૂન ૧૯૪૫માં તેની રચના કરવામાં આવી અને એપ્રિલ ૧૯૪૬થી તે કાર્યરત છે. આ કોર્ટમાં કુલ ૧૬ જજ હોય છે, જેનો કાર્યકાળ ૯ વર્ષનો હોય છે. આઈસીજેના જજ નેધરલેન્ડના હેગ ખાતે આવેલી કોર્ટમાં બેસે છે. અહીંયા વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વિવાદનો ઉકેલ લાવવામાં આવે છે. ૧૯૯૯માં ભારતે પાક.નું એક વિમાન તોડી પાડયું હતું ત્યારે વિવાદ અહીંયા પહોંચ્યો હતો. ૨૦ વર્ષ બાદ કુલભૂષણ જાધવ મામલે બંને દેશો ફરી આમનેસામને આવ્યા છે. સામાન્યતઃ આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશને તમામ દેશો અનુસરતા હોય છે, પરંતુ આ માટે તેમને કોઇ કાનૂની બંધન હોતું નથી. ભૂતકાળમાં એવા પણ કિસ્સા બન્યા છે, જેમાં જે તે દેશોએ આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવીને તેનો અમલ ટાળ્યો હોય.

કોન્સ્યુલર એક્સેસ શું છે?

ભારતે કુલભૂષણ કેસમાં પાકિસ્તાન પાસે ૩૦ વખત કોન્સ્યુલર એક્સેસની માંગણી કરી હતી જેને પાકિસ્તાને ફગાવી દીધી હતી. આખરે ભારતે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવ્યો અને કોર્ટે પણ ભારતની આ માગ સાથે સંમતિ દર્શાવતા કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે આદેશ આપ્યો હતો. કોન્સ્યુલર એક્સેસ ૧૯૬૩ની વિયેના સંધિ સાથે સંકળાયેલા છે. કોઈ દેશમાં વિદેશી નાગરિક વિરુદ્ધ કેસ ચાલે ત્યારે તે નાગરિક જે દેશનો હોય તે દેશને પોતાનો કોન્સ્યુલર નિમવાની સત્તા છે. આ કોન્સ્યુલર કેસની ટ્રાયલમાં મદદ કરે છે, હવે કુલભૂષણ કેસમાં કોન્સ્યુલરની છૂટ મળી ગઈ હોવાથી ભારત સરકાર કુલભૂષણે પાક. કોર્ટમાં કેસની સુનાવણી વેળા જે નિવેદન આપ્યા હતા તે પણ મેળવી શકશે. આ ઉપરાંત હવે જે નવી ટ્રાયલ શરૂ થશે તેમાં કુલભૂષણના પરિવારને કોન્સ્યુલર કાનૂની માર્ગદર્શન સહિતની મદદ કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter