આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ ૧૯૦ દેશ, ૩૦ હજાર સ્થળ, ૨૦ કરોડ લોકો

Friday 21st June 2019 06:13 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સહિત સમસ્ત વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ભારત સરકારે આ વખતે યોગ દિવસની થીમ ‘દિલ માટે યોગ’ રાખી છે તો યુનાઇટેડ નેશન્સ (યુએન)ની થીમ ‘જળવાયુ પરિવર્તન માટે યોગ’ છે. લગભગ ૩૦ કરોડ લોકો યોગ કરશે તેવા અંદાજ છે, જેમાંથી ૫૦ ટકા ભારતીયો હશે. ભારત પછી સૌથી વધુ લગભગ ૩ કરોડ લોકો અમેરિકામાં યોગ કરશે. આ ઉપરાંત દુનિયાના ૪૭ મુસ્લિમ દેશોએ પણ યોગને માન્યતા આપી છે. આયુષ મંત્રાલય અનુસાર દિલ્હીમાં લગભગ ૩૦૦ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૧૦ લાખ લોકો જોડાયા હોવાના અહેવાલ છે. આમાંથી ૪૦ સ્થળોએ સાંસદ અને પ્રધાનોએ હાજરી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાયેલા મુખ્ય યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રભાત તારા મેદાનમાં યોજાયેલા આ જાહેર કાર્યક્રમમાં ૪૦ હજારથી વધુ લોકો જોડાયા હતા. આ પ્રસંગે તેમણે સમાજના તમામ વર્ગોને જીવનમાં યોગને અપનાવવાની હાકલ કરતા કહ્યું હતું કે તેને જાત-પાત, ધર્મ કે વર્ણ સાથે કોઇ નિસ્બત નથી.

યોગ ઉદ્યોગ

એક અહેવાલ મુજબ અમેરિકામાં યોગ વેલનેસ ઇન્ડસ્ટ્રી લગભગ ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની છે. ૨૦૧૮ના અંત સુધી અમેરિકામાં ૩.૭ કરોડ લોકો યોગ કરતા હતા. ૨૦૨૦ સુધી તેમની સંખ્યા વધીને ૫.૫ કરોડ થવાનો અંદાજ છે. જ્યારે ભારતમાં યોગનો બિઝનેસ ૫૦ હજાર કરોડ રૂપિયાનો છે. યોગ એલાયન્સે ૧૩૦ દેશોના ૭૦,૦૦૦ લોકોને યોગ શિક્ષક રજિસ્ટર્ડ કર્યા છે. ૨ વર્ષમાં ૧૪,૦૦૦ શિક્ષક જોડાયા છે. એસોચેમ અનુસાર દુનિયામાં યોગ ટ્રેનર્સની માગ વાર્ષિક ૩૫ ટકાના દરે વધી રહી છે. દેશમાં આ ઇન્ડસ્ટ્રી ૨.૮ હજાર કરોડ રૂપિયાની છે. દેશોમાં યોગની માંગ ૪૦ ટકાના દરે વધી રહી છે.

જળવાયુ પરિવર્તન અને જીવન માટે ફાયદાકારક

યુએન કહે છે કે યોગ જળવાયુ પરિવર્તન અને જીવન માટે પાંચ પ્રકારે ફાયદાકારક છે.
પ્રકૃતિ માટે સન્માનઃ નિયમિત યોગથી પ્રકૃતિ માટે મનમાં સન્માન પેદા થાય છે. આ ભાવના સારા ભવિષ્ય માટે પ્રેરિત કરે છે. આગળ એવા લોકો પર્યાવરણને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નૈતિકતાઃ યોગ સચેત થવા, વિચાર વ્યક્ત કરવા, અહિંસા, અનુશાસન અને ઇમાનદારી પર ભાર મૂકે છે. આ સામાજિક-રાજકીય વાતાવરણ સાથે ભૌતિક માહોલમાં પ્રતિબદ્ધ થવા માટે પ્રેરિત કરે છે. વ્યક્તિમાં સાદગી જન્મે છે.
વ્યવહારમાં સુધારોઃ યોગથી તન અને મન આંતરિક શાંતિ, વિશ્રામ, જ્ઞાનની શોધમાં એલાઇન થાય છે. વ્યવહાર બદલાય છે.
શાંતિની ભાવનાઃ તણાવથી આઝાદી, આઘાત-ડિપ્રેશનથી બહાર આવવા અને શાંતિ આપવાનું યોગનું મુખ્ય કામ છે. તે આજુબાજુ સકારાત્મક ઊર્જા ફેલાવે છે.
ફિટ અને સક્ષમ શરીરઃ યોગથી ખુદને ફિટ અને ફ્લેક્સિબલ બનાવી શકાય છે. તેનાથી શરીરની ક્ષમતાનો વધારે ઉપયોગ કરી શકાય છે.

પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે વિશ્વમાં પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે યોગ દિવસ ઉજવવાની પહેલ પાંચ વર્ષ પહેલાં વડા પ્રધાન મોદીએ કરી હતી. તેમણે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યુએનને સંબોધતા યોગનું મહત્ત્વ દર્શાવતાં વિશ્વભરમાં એક સાથે યોગ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. માત્ર ૯૦ દિવસમાં પ્રસ્તાવ સ્વીકારાયો અને ૧૧ ડિસેમ્બરે યુએનએ યોગ-ડેને મંજૂરી આપી દીધી.
વર્ષ ૨૦૧૫ઃ મુખ્ય થીમ - સદભાવ અને શાંતિ માટે યોગ. પહેલીવાર ૮૪ દેશોમાં યોગ થયા. દિલ્હીમાં મોદી સાથે વિક્રમજનક ૩૫ હજાર લોકોએ ૩૫ મિનિટ યોગ કર્યા હતા. થીમ હતી સદભાવ અને શાંતિ માટે યોગ. ૮૪ દેશોમાં કાર્યક્રમ યોજાયા.
વર્ષ ૨૦૧૬ઃ મુખ્ય થીમ - યુવાઓને જોડવા માટે યોગ. ૧૫૦ દેશોએ યોગ દિવસ ઉજવ્યો. મુખ્ય આયોજન ચંદીગઢમાં થયું. મોદી સાથે ૩૦ હજાર લોકોએ યોગ કર્યો.
વર્ષ ૨૦૧૭ઃ મુખ્ય થીમ - સ્વાસ્થ્ય માટે... ઉત્તર પ્રદેશના લખનઉમાં મોદી સાથે ૫૫ હજાર લોકોએ યોગ કર્યા. ૧૮૦ દેશોમાં યોગની ૫૦૦૦ ઇવેન્ટ યોજાઇ. ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં ૧૦ હજાર લોકોએ યોગ કર્યાં.
વર્ષ ૨૦૧૮ઃ મુખ્ય થીમ - શાંતિ માટે. સાઉદી અરબ સહિત ૧૮૧ દેશોમાં લોકોએ યોગ કર્યા.
દહેરાદૂનમાં ૫૦ હજાર લોકોએ યોગ કર્યા. મોદીએ ‘ઇલનેસથી વેલનેસ’નું સૂત્ર આપ્યું.
વર્ષ ૨૦૧૯ઃ મુખ્ય થીમ - ‘દિલ માટે યોગ’. આ વખતે મુખ્ય આયોજન બિહારના રાંચીમાં પ્રભાત તારા મેદાનમાં થયું. અહીં વડા પ્રધાન મોદી સાથે ૪૦ હજાર લોકો યોગ કર્યા હતા.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિન વિશેષ’ પર્વે ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત લેખ ‘યોગનો ઉદ્દેશ અને યોગાસનોના લાભ’ વાંચવા ક્લિક કરો આ લિન્ક...
https://bit.ly/2xaCDuw


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter