આંદામાનના આ આદિવાસી સમૂહે મીઠું પણ નથી ચાખ્યું, અગ્નિ પેટાવતા પણ આવડતું નથી

Thursday 29th November 2018 06:40 EST
 

નવી દિલ્હી, પોર્ટ બ્લેરઃ આંદામાન નિકોબાર ટાપુની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકન પ્રવાસીની હત્યાના કારણસર ચર્ચામાં છે. આ જનજાતિ હજારો વર્ષોથી દુનિયાથી અલિપ્ત રહીને જીવન વીતાવી રહી છે. કેમ કે, તેઓ સામાન્ય લોકોની બીમારીઓથી દૂર રહેવા માંગે છે. આથી તેઓ પોતાના સમુહ સિવાય કોઇ નાગરિક સાથે હળવાભળવાનું તો ઠીક, સંપર્કમાં આવવાનું પણ ટાળે છે. આ સમુહને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના બધા જ પ્રયાસ નિષ્ફળ થઇ ચૂક્યા છે. જોકે ભારતના માનવશાસ્ત્રી ત્રિલોકનાથ પંડિત (ટીએન પંડિત) એકમાત્ર એવા વ્યક્તિ છે, જે આ જનજાતિ સાથે મિત્રતાનો સંબંધ બાંધવામાં સફળ રહ્યા છે. 

ત્રિલોકનાથ પંડિતે ૧૯૬૬થી ૧૯૯૧ દરમિયાન આ ટાપુની અનેક યાત્રાઓ કરી હતી. ૮૫ વર્ષીય પંડિતે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં આ જનજાતિ સાથેના પોતાનો અનુભવ - સંસ્મરણો રજૂ કર્યા હતા.

આદિવાસીઓ કેમ ગુસ્સામાં છે?

ટી.એન. પંડિતે જણાવ્યું કે, આ જનજાતિ હિંસક હોવાનું કારણ ઇતિહાસમાં છુપાયેલું છે. ૧૮૫૮માં અંગ્રેજોએ આ જનજાતિને પણ પોતાની નિશાન બનાવી હતી. તે સમયે પણ જનજાતિના લોકોએ તીર-ભાલાથી અંગ્રેજોનો મુકાબલો કર્યો હતો. જોકે, થોડાંક દિવસ બાદ અંગ્રેજો તો થાકીહારીને પાછાં ફરી ગયાં, પરંતુ બીમારી મૂકતાં ગયાં. જેથી આ જનજાતિના અનેક લોકો મૃત્યુ પામ્યા. બસ, આ સમય પછી તેઓ હંમેશા સામાન્ય દુનિયાના લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે.

જનજાતિની માન્યતા

સેન્ટિનલ જનજાતિના લોકો માને છે કે, બહારના લોકો અહીં માત્ર આધિપત્ય જમાવવા માટે આવે છે. આથી તેઓ કોઇને પણ પોતાના ટાપુની નજીક ફરકવા દેતા નથી. ભૂતકાળમાં ભારત સરકારે અનેક વખત આ પ્રદેશમાં પ્રયાસ કર્યો છે, પણ દરેક વખતે નિષ્ફળતા સાંપડી છે. જનજાતિનું હિંસક વલણ નિહાળીને ભારત સરકારે આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે. અહીં કોઇ પણ સામાન્ય માણસ પ્રવેશ કરી શકતો નથી.

પંડિતે સેન્ટિનલ આઈલેન્ડના પોતાના પ્રવાસ વિશે જણાવ્યું કે, પહેલી વખત જ્યારે હું તેમની પાસે ગયો ત્યારે તેમણે મને પોતાની જમીન પર પગ પણ મૂકવા દીધો નહોતો. તેમણે અમને પાણીમાં ઉતરવાની ફરજ પાડીને અમારી પાસેથી નાળિયેર લીધા હતા અને અમને જવા માટે કહી દીધું.

સેન્ટિનલ જનજાતિની રહેણી-કરણી

ખાન-પાનઃ ટી. એન. પંડિતે જણાવ્યું કે, સેન્ટિનલ્સ ખેતી કરતાં નથી કે જાનવરો પણ પાળતાં નથી. તેઓ ભોજનમાં માત્ર ફળ, મધ, કંદમૂળ, ડુક્કર, કાચબા અને માછલી ખાય છે. આ સમુદાયે અત્યાર સુધી નમક કે ખાંડનો પણ સ્વાદ ચાખ્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે, તેઓ આગ પ્રગટાવવાનું પણ જાણતાં નથી. આથી જ વાવાઝોડા કે વરસાદ વેળા તેઓ આગને બચાવે છે. જો કોઇ કારણોસર આગ ઓલવાઇ જાય તો બીજી જનજાતિ પાસેથી આગ લઇ આવે છે.
સમાજઃ ટી. એન. પંડિતના જણાવ્યા પ્રમાણે તેમના સમુહનો કોઇ મુખી કે નેતા હોતો નથી. જોકે તીર, ભાલા, ટોકરી, ઝુંપડી વગેરે બનાવવામાં નિષ્ણાતોને સન્માન આપવામાં આવે છે. આ સમૂહની જનજાતિના લોકો નજીકના સંબંધોમાં લગ્ન કરતાં નથી.
• પરિવાર: બાળકોના ઉછેર વિશે પંડિત જણાવે છે કે, જ્યારે બાળકો પોતાના પગ પર ઊભા થવા લાગે છે ત્યારથી જ તેમને તીર-ભાલા બનાવવાનું શિક્ષણ આપવામાં આવે છે. જેથી તેઓ મોટા થઇને આ કાર્યમાં નિષ્ણાત બની જાય અને સન્માન મેળવી શકે.
પરંપરાઃ પંડિત જણાવે છે કે, આ જનજાતિમાં જો કોઇનું મૃત્યુ ઝુંપડીમાં થઇ જાય, તો તે ઝુંપડીમાં પછી કોઇ રહેતું નથી. મૃતકને તે ઝુંપડીની જગ્યાએ જ દફનાવી દેવામાં આવે છે અને બાકી સભ્યોના વસવાટ માટે બીજી ઝુંપડી બનાવવામાં આવે છે. કદાચ કોઇ સભ્ય બીમાર પડે તો માત્ર જડી-બૂટ્ટી આપવામાં આવે છે અને પૂજા-પાઠની મદદ લેવામાં આવે છે. આ જનજાતિઓ ભૂત-પ્રેતમાં પણ ખૂબ જ માને છે. તેમની નજરમાં સારા અને ખરાબ એમ બન્ને પ્રકારના ભૂત હોય છે, જેમની તેઓ પૂજા કરે છે.

પોલીસની પણ પીછેહઠ

અમેરિકી ધર્મપ્રચારક જ્હોન એલેન ચાઉની સેન્ટિનલ આદિવાસી સમૂહના લોકોએ તીર-કામઠા વડે હત્યા કર્યા બાદ હજુ સુધી તેનો મૃતદેહ પરત મેળવી શકાયો નથી. સેન્ટિનલ ટાપુ ખાતે પોલીસની એક ટુકડી ચાઉના મૃતદેહને શોધવા અને તેનો કબ્જો લેવા પહોંચી હતી. જોકે તેમને ખાલી હાથે પરત આવવું પડ્યું હતું. આદિવાસીઓને તીર-કામઠા લઈને ઊભેલા જોઈને પોલીસ તેમની સાથે સંઘર્ષ ટાળીને પરત ફરી હતી. સ્થાનિક પોલીસ વડા દિપેન્દ્ર પાઠકે કહ્યું કે ચાઉ છેલ્લે જ્યાં નજરે પડ્યો હતો ત્યાં કેટલાક આદિવાસીઓ પણ હતા. બીચથી ૪૦૦ મીટર અંદર સમુદ્રમાં પોતાની બોટમાં બેઠેલા પોલીસ જવાનોએ દૂરબીનથી આદિવાસીઓને જોતા તેઓ પરત ફરી ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter