આર્થિક નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતઃ રાજ્યસભાની પણ મંજૂરી

Thursday 10th January 2019 05:00 EST
 
 

નવી દિલ્હીઃ જનરલ કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં પણ બહાલી મળી ગઇ છે. આ સાથે જ આઝાદ ભારતમાં આર્થિક આધારે અનામત ફાળવણીનો માર્ગ મોકળો બની ગયો છે. ખરડાની જોગવાઇઓ પર શાસક-વિપક્ષના સભ્યોએ વિશદ્ ચર્ચા કર્યા બાદ બુધવારે રાત્રે ૧૬૫ વિરુદ્ધ ૭ મતથી તેને રાજ્યસભામાં પસાર કરી દેવાયો હતો.
સામાન્ય સંજોગોમાં બંધારણીય સુધારા ખરડાને લોકસભા અને રાજ્યસભા ઉપરાંત દેશની ઓછામાં ઓછી ૫૦ ટકા વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે પરંતુ નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આ બંધારણીય સુધારા ખરડાને રાજ્યો પાસે મંજૂરી માટે મોકલવાની જરૂર નથી તેથી સીધો જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે. રાષ્ટ્રપતિ પણ આ બંધારણીય સુધારા ખરડો હોવાથી પુનઃવિચારણા માટે સંસદને પરત મોકલી શક્તાં નથી.
આમ સંસદના બંને ગૃહમાં ગરીબ સવર્ણ અનામત ખરડો પસાર થઇ જવાથી ધર્મના કોઇ પણ બાધ વિના ઓપન કેટેગરીમાં આવતા અને વાર્ષિક રૂપિયા આઠ લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં ૧૦ ટકા અનામતનો માર્ગ મોકળો બન્યો છે.
મંગળવારે લોકસભાએ બે-તૃતિયાંશ બહુમતીથી સવર્ણ અનામત ખરડો પસાર કરી દીધા પછી બુધવારે સવારે કેન્દ્રીય સમાજકલ્યાણ પ્રધાન થાવરચંદ ગેહલોતે ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ માટે ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો સંસદનાં ઉપલાં ગૃહમાં રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઓપન કેટેગરીનાં ગરીબ લોકોની લાંબા સમયથી ફરિયાદ હતી કે તેમને સરકારી લાભો પ્રાપ્ત થતા નથી. લાંબી વિચારણા બાદ આ પગલું લેવાયું છે. વિપક્ષના વિવિધ વાંધા વચ્ચે બુધવારે બંધારણીય સુધારા ખરડા પર ગૃહમાં ઉગ્ર ચર્ચા હાથ ધરાઈ હતી.

અનામતનો લાભ કોને મળશે?

બ્રાહ્મણ • રાજપૂત • ઠાકુર • જાટ • મરાઠા • ભૂમિહાર • કાપુ • કમ્મા • પટેલ • જૈન • વૈષ્ણવ • મુસ્લિમ • ખ્રિસ્તી • શીખ • પારસી સહિતના ઓપન કેટેગરીમાં આવતા તમામ સમુદાયોના આર્થિક રીતે નબળા ઉમેદવારોને.

આ શરતોનું પાલન થતું હોવું જરૂરી

• જેઓ અત્યાર સુધી કોઈ પ્રકારની અનામતના લાભ મેળવી શક્યાં નથી
• જેમની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી હોય
• જેમની પાસે રૂપિયા પાંચ લાખથી ઓછાં મૂલ્યની ખેતીની જમીન હોય
• જેમની પાસે ૧,૦૦૦ ચોરસફૂટથી નાનું માલિકીનું આવાસ હોય
• જેમની પાસે નિગમની ૧૦૯ ગજથી ઓછી સંપાદિત જમીન હોય. જેમની પાસે ૨૦૯ ગજથી ઓછી નિગમની બિનસંપાદિત જમીન હોય.

હજુ વધુ સિક્સરો લાગશે: રવિશંકર પ્રસાદ

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આ બંધારણના મૂળભૂત અધિકારમાં પરિવર્તન છે. આ કાયદો ફક્ત કેન્દ્ર જ નહીં, પરંતુ રાજ્યોની નોકરીઓમાં પણ લાગુ થશે. આજે સંસદ ઇતિહાસનું સર્જન કર્યું છે. ખરડામાં વિલંબના આરોપોનો જવાબ આપતાં પ્રસાદે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ વાગે છે. આ પહેલી સિક્સર નથી, હજુ વિકાસ અને બદલાવ માટે વધુ સિક્સર વાગવાની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter