ઇશાન ભારતમાં કમળ ખીલ્યાં

Thursday 09th March 2023 00:02 EST
 
 

અગરતલા: ભાજપે અને તેના સહયોગી પક્ષોએ ત્રિપુરા અને નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખી છે તો મેઘાલયમાં તેણે એનપીપીના કોનરાડ સંગમાના નેતૃત્વમાં રચાયેલી યુતિ સરકારમાં ભાગીદારી કરી છે. આમ પૂર્વોત્તર રાજ્યોમાં ભગવો લહેરાયો છે. ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષે ત્રિપુરા અને નાગાલેન્ડમાં સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચી છે. આ ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. ત્રણેય રાજ્યમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
મંગળવારે મેઘાલય અને નાગાલેન્ડમાં નવનિર્વાચિત મુખ્ય પ્રધાનોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં કોનરાડ સંગમાએ મેઘાલયના મુખ્ય પ્રધાન પદે બીજી વખત જ્યારે નેફ્યુ રિયોએ નાગાલેન્ડના મુખ્ય પ્રધાન પદે પાંચમી વખત શપથ લીધા હતા. આ બન્ને પ્રસંગોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે હાજરી આપી હતી.
મેઘાલયમાં સંગમાની મોરચા સરકાર
મેઘાલયમાં એનપીપી - યુડીપી - ભાજપ - એચએસપીડીપી મોરચાની સંયુક્ત સરકાર રચાઇ છે. સંગમાએ સોમવારે રાજ્યપાલને 32 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. મુખ્યમંત્રી અને એનપીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંગમાએ કહ્યું કે નવા ગઠબંધનને ‘મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ 2.0’ તરીકે ઓળખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની કેબિનેટમાં એનપીપીના આઠ, યુડીપીના બે અને ભાજપ તથા એચએસપીડીપીના એક-એક પ્રતિનિધિને સ્થાન અપાશે.
કુલ 60 બેઠકો ધરાવતા મેઘાલયમાં સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને સ્પષ્ટ બહુમતી કરતાં ઓછી સીટો મળતા તેમણે બીજી વખત સત્તા પર રહેવા માટે અમિત શાહની મદદ માગી હતી. આ પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જાહેરાત કરી હતી કે કોનરાડની વિનંતી સ્વીકારી લેવાઇ છે. આમ તેમની સરકારની રચના નિશ્ચિત મનાતી હતી. રાજ્યમાં એક બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થતાં માત્ર 59 બેઠકો પર જ મતદાન થયું હતું. મેઘાલયમાં કોનરાડ સંગમાની પાર્ટીને 26 બેઠકો મળી છે. યુડીપી 11 બેઠકો સાથે બીજા ક્રમે છે. કોંગ્રેસ અને ટીએમસીને પાંચ-પાંચ બેઠકો મળી છે. ભાજપના ફાળે બે બેઠકો આવી છે. જ્યારે ૧૦ બેઠકો પર અપક્ષોનો વિજય થયો છે.
ત્રિપુરામાં ભાજપ યુતિને 33, ટીમએમસીને 0
ત્રિપુરામાં ભાજપે આઇપીએફટી સાથે મળીને ચૂંટણી સૌથી લડી હતી જયારે કોંગ્રેસે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યુ હતું. ભાજપે 54 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બેઠકો સહયોગીને આપી હતી. ત્રિપુરામાં ભાજપ અને તેના સહયોગીઓએ 60 માંથી 33 બેઠક પર જીત મેળવી છે, જેમાં 32 બેઠકો પર ભાજપ અને એક સીટ પર આઇપીએફટી ઉમેદવારે જીત મેળવી છે. કોંગ્રેસ અને ડાબેરીઓને 15 બેઠક મળી છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસનું તો ખાતું પણ ખૂલ્યું નથી, જ્યારે પહેલી વાર ચૂંટણી લડનારી ટિપરા મોથા પાર્ટીએ 13 બેઠકો પર જીત મેળવી છે. ત્રિપુરામાં ટીએમસીએ 28 સીટો પર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જોકે એક પણ બેઠક પર તેનો વિજય થયો નથી. ભાજપે 60માંથી 33 બેઠકો પર વિજય મેળવ્યો છે. જે 2018માં જીતેલી 36 બેઠકની સરખામણીએ ત્રણ બેઠક ઓછી છે. અહીં ભાજપને પ્રદ્યુત દેબબર્માની આગેવાની હેઠળના ટિપરા મોથા પક્ષના ઉદયથી નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ભાજપના આદિવાસી ચહેરા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન જિશ્નુ દેવ વર્માનો પરાજય થયો છે. વિરોધ પક્ષના ગઠબંધને 14 બેઠકો જીતી છે. સીપીઆઇ (એમ) 2018માં એકલા હાથે લડી હતી અને તેને 16 બેઠકો મળી હતી. કોંગ્રેસને ગત વખતે એક પણ સીટ નહોતી મળી.
નાગાલેન્ડમાં ભાજપ યુતિને 37, કોંગ્રેસને 0
60 બેઠકો ધરાવતા નાગાલેન્ડમાં ભાજપે 20 અને એનડીપીપીએ 40 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં ભાજપ ગઠબંધનના ભાગે 37 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, એનસીપીના ખાતે સાત બેઠકો આવી છે. એલજેપી (રામવિલાસ)ના ખાતે બે બેઠકો ગઇ છે. આમ રાજ્યમાં ભાજપ યુતિની સરકાર રચાઇ છે. એનપીએફને બે તો અપક્ષોને 21 બેઠકો મળી છે.
નાગાલેન્ડમાં પહેલી વખત મહિલા ધારાસભ્ય
નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યાને 60 વર્ષ થયા છે, પરંતુ પહેલી વખત કોઇ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બે મહિલા ધારાસભ્યો હેખાની જેખાલુ અને સાલ્હોટુનુઓ ક્રૂઝે અનુક્રમે વેસ્ટર્ન અંગામી અને દીમાપુર-ત્રણ બેઠકો પરથી વર્તમાન ધારાસભ્યોને પરાજય આપ્યો હતો. આમાં પણ જખાલુ રાજ્યના સૌપ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે. તેમણે તેમના નજીકના હરીફ અને ધારાસભ્ય એઝેટો ઝિમોમીને 1536 મતોથી પરાજય આપ્યો હતો. ક્રૂઝે માત્ર સાત મતની સરસાઇથી કોહિમાની વેસ્ટર્ન અંગામી બેઠક પરથી અપક્ષ ધારાસભ્યને હાર આપીને બેઠક આંચકી લીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter