ઉત્તર પ્રદેશમાં રામમંદિર ચુકાદા બાદ ભાજપ માટે પહેલો મોટો પડકાર

Tuesday 11th January 2022 04:27 EST
 
 

લોકશાહીમાં સૌથી મોટી પરીક્ષા છે ચૂંટણી. પ્રજાનો મૂડ જાણવાનો તેનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઇ જ નથી. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી, ૭ બેઠકોની પેટા-ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ આશરે ૪૦ ટકાના વોટશેર સાથે સૌથી આગળ છે. નવેમ્બર ૨૦૨૦માં ૭ બેઠકો પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં ૬ બેઠકો ભાજપે જીતી હતી. આ વખતે રાષ્ટ્રીય લોકદળ સહિત આશરે ડઝનેક નાના પક્ષો સાથે ગઠબંધન કરી સમાજવાદી પાર્ટી મજબૂત ટક્કર આપી રહી છે. બહુજન સમાજ પાર્ટી શાંત છે. માયાવતીએ ફક્ત એક જ રેલી કરી છે. જ્યારે રામ મંદિરના ચુકાદા બાદ ભાજપ માટે આ પહેલો ચૂંટણી જંગ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની શાખ અને ક્ષેત્રીય પક્ષોનું ભવિષ્ય દાવ પર છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણી, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં મતદારોનો ભરપૂર પ્રેમ મેળવ્યો હતો. મહત્તમ મતો અંકે કર્યા હતા. હવે ભાજપ સામે આ રેકોર્ડને કાયમ રાખવાનો પડકાર છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ દાવો કર્યો છે કે અમે ભારે બહુમતથી જીતીશું. લડાઈ ૮૦ અને ૨૦ની છે. અમારી સાથે ૮૦ ટકા છે તો ૨૦ ટકા વિરોધી એવા છે જે માથું કાપીને થાળીમાં પીરસીએ તો પણ તે ખુશ નહીં જ થાય. ઉત્તર પ્રદેશમાં જાતીય અને ધાર્મિક સમીકરણ જ નક્કી કરે છે કે સરકાર કોની બનશે. જોકે આ વખતે ચૂંટણીનો માહોલ અલગ છે.
સમાજવાદી પાર્ટી (સપા)ને છોડી બહુજન સમાજ પાર્ટી (બસપા) અને કોંગ્રેસે એકલા ચાલવાની રણનીતિ બનાવી છે. સપાએ રાલોદ (રાષ્ટ્રીય લોકદળ), સુભાસપા સહિત અનેક ડઝનેક નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. સપા પહેલીવાર બ્રાહ્મણોને સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. બસપા પણ બ્રાહ્મણોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે.
બ્રાહ્મણોની નારાજગી ઘટાડવા માટે ભાજપે અનેક પ્રયાસ કર્યા છે. કારણ સ્પષ્ટ છે કે ૨૦૧૭માં રેકોર્ડ ૪૪.૩ ટકા સવર્ણ ધારાસભ્ય બન્યા હતા, જે ૨૦૧૨થી ૧૦ ટકા વધુ છે. ઉત્તર પ્રદેશમાં શું થશે? તે મુદ્દે રાજકીય વિશ્લેષકો પણ સ્પષ્ટ નિષ્કર્ષ કાઢવાથી બચી રહ્યા છે.
કોરોનાનું મિસમેનેજમેન્ટ, ખેડૂત આંદોલન અને લખીમપુર ખીરી હિંસા જેવા મુદ્દાઓ સાથે વિપક્ષ સત્તાવિરોધી લહેર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ભાજપના વોટશેરમાં ૧૦થી ૧૨ ટકાનો ઘટાડો એ પણ મુશ્કેલીથી થશે. અહીં મુસ્લિમ બિગ ફેક્ટર છે. ઉત્તર પ્રદેશમાં ૧૪૩ એવી બેઠકો છે જ્યાં મુસ્લિમ વસતી ૧૦ ટકાથી વધુ છે. ૨૦૧૨માં તેમાંથી અડધાથી વધુ બેઠકો જીતીને સપાએ સરકાર બનાવી હતી. ૨૦૧૭માં એનડીએએ તેમાંથી ૧૧ બેઠકો જીતી હતી.
નિષ્ણાતોનું માનીએ તો ત્રણ તલાક જેવા સુધારાને કારણે ભાજપને મુસ્લિમ મહિલાઓના વોટ મળ્યા હતો. મુસ્લિમો સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાયેલા છે અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ આ વખતે આ વોટબેન્ક પર દાવેદારી કરનાર નવો પક્ષ છે. બે દાયકામાં કોંગ્રેસ ક્યારેય ૩૦થી વધુ બેઠક જીતી શકી નથી.
ઉત્તરાખંડમાં ‘આપ’ આવ્યું, ભાજપ-કોંગ્રેસે રણનીતિ બદલી
ઉત્તરાખંડમાં જે ઝડપે તાપમાનનો પારો નીચે ગગડી રહ્યો છે એટલી જ ઝડપે રાજકીય પારો ચઢી રહ્યો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે ‘આપ’ પણ મેદાને છે. ઉત્તરાખંડમાં ભાજપ ત્રણ મુખ્ય પ્રધાન બદલી ચૂક્યો છે. તેને લઇને કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. જોકે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઓછા નથી. બીજી બાજુ, કેજરીવાલ ૩૦૦ યુનિટ મફત વીજળી સહિત અનેક જાહેરાત કરી ચૂક્યા છે. જેનાથી કોંગ્રેસ-ભાજપે નવી રણનીતિ બનાવવી પડી છે. ભાજપે રાજ્ય આંદોલનકારીના પેન્શન, પોલીસના પગાર, શિક્ષકોની ભરતી જેવા અનેક આદેશ જારી કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે કોંગ્રેસ સ્થાનિક રાજધાનીની માગ સહિત અન્ય મુદ્દાઓને હવા આપી છે. ઉત્તરાખંડની એક માન્યતા છે કે ઉત્તરાકાશીની સીટ જીતે છે તેની જ સરકાર બને છે. ૧૯૫૨ તથા ૧૯૫૭માં જયેન્દ્ર બિષ્ટ, ૧૯૫૮માં સિંહ અને ૧૯૭૭માં જુવાંઠાની જીતનથી આ માન્યતાને બળ મળ્યું. ઉપરાંત એવું પણ કહેવાય છે કે જે શિક્ષણમંત્રી બને છે કે આગામી ચૂંટણી હારે છે.
પંજાબમાં કોંગ્રેસને કેપ્ટન અને ‘આપ’નો પડકાર
પંજાબમાં કોઇ ૨૨ વર્ષ જૂનું ગઠબંધન તોડીને ચૂંટણી લડી રહ્યું છે, કોઇ ૨૫ વર્ષ પછી ફરી એકજૂટ થયા છે. આ સમીકરણે ચૂંટણીને ફરી રસપ્રદ બનાવી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. અકાલી દળને ૨૫.૦૨ ટકા વોટ જ્યારે ભાજપને ૫.૪ વોટ મળ્યા હતા. હવે આ વોટ વિભાજિત થશે. કોંગ્રેસને ૩૮.૫ વોટ મળ્યા હતા. કોંગ્રેસે અમરિન્દરને પંજાબના કેપ્ટન બનાવીને ચૂંટણી લડી હતી. અહીં ડ્રગ્સ મોટો મુદ્દા છે. ‘આપ’ને ગત ચૂંટણીમાં ૨૩.૭ ટકા વોટ મળ્યા હતા. આ વખતે ‘આપ’ - ખેડૂત સમાજ મોરચાના ગઠબંધનની શકયતા છે. એવામાં અપક્ષની વોટ બેન્ક ‘આપ’ને મળી શકે છે. અકાલી દળ ભાજપ સાથેનું ૨૨ વર્ષ જૂનું ગઠબંધન તોડીને ૨૫ વર્ષ બાદ બસપા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. બીજી તરફ બાવન વર્ષ પછી કોંગ્રેસથી છૂટા થયેલા અમરિન્દરની શાખ દાવ પર છે. કેપ્ટન અમરિન્દર સિંહ બાવન વર્ષન રાજકીય સફરમાં પહેલી વાર કોંગ્રેસથી અલગ થઇને પંજાબમાં લોક કોંગ્રેસ પાર્ટી નામે અલગથી ચૂંટણી મેદાને ઝંપલાવશે. તો કોંગ્રેસ પહેલી વાર કેપ્ટન વિના મેદાનમાં હશે. ૨૦૨૨માં ચૂંટણીમાં કેપ્ટન તથા કોંગ્રેસ બંનેની શાખ દાવ પર છે.
મણિપુરમાં ‘આફસ્પા’ સામે પ્રચંડ આક્રોશ
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર થશે તે નક્કી છે. જોકે, ૨૦૧૭માં ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતનારી કોંગ્રેસને સત્તાથી બેદખલ થવું પડ્યું હતું. ભાજપે જોડ-તોડ કરીને સરકાર બનાવી હતી. તેના પછી કોંગ્રેસના ધારાસભ્યો સતત પક્ષ છોડતા દેખાયા. છેલ્લા પાંચ વર્ષમાં લોકોને ઉગ્રવાદ અને બંધ જેવી સમસ્યાઓ અને ‘આફસ્પા’ (આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ)નો વિરોધ અહીં મોટા મુદ્દા છે. આમ પ્રજાજનોમાં ‘આફસ્પા’ સામે પ્રચંડ આક્રોશ પ્રવર્તે છે. ગત દિવસોમાં નાગાલેન્ડમાં સુરક્ષા દળોના ગોળીબારમાં નિર્દોષ મજૂરોના મૃત્યુ બાદ લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે. મણિપુરમાં પણ ‘આફસ્પા’ને પાછો ખેંચવા પ્રચંડ માગ ઉઠી છે. કોંગ્રેસે આ માગણીને જ સૌથી મોટો ચૂંટણી મુદ્દો બનાવ્યો છે.
ગોવામાં તૃણમૂલની એન્ટ્રીથી કાંટે કી ટક્કર
ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર દેખાઇ રહી છે. ‘આપ’ અને તૃણમૃલ કોંગ્રેસ (ટીએમસી) પણ ભાગ્ય અજમાવવા મેદાને છે એટલા માટે મુકાબલો મજબૂત થશે. ૨૦૧૭માં કોંગ્રેસ ૧૫ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી પણ તે સરકાર ન બનાવી શકી. ભાજપે ૧૩ બેઠક જીતી અને તે એમજીપી, જીએફપી અને બે અપક્ષ ધારાસભ્યોના સહારે સરકાર બનાવવામાં સફળ રહ્યો. ગોવામાં પર્યટનને ફરીથી પગભર કરવું, ઇન્ફ્રાસ્ટ્રકટર, વેક્સિનેશન અને ઐતિહાસિક સ્થળોની સુરક્ષા જેવા મુદ્દા મુખ્ય છે.
સૌથી મોટો મુદ્દો ખનન છે. દક્ષિણ ગોવામાં લાખો ટન આયર્ન ઓરનો મોટો ભંડાર છે. ગેરકાયદે માઇનિંગ અને પર્યાવરણ પર ખતરાની ફરિયાદો બાદ ૨૦૧૮થી સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. તેનું વાર્ષિક ટર્નઓવર ૨૨ હજાર કરોડનું રૂપિયાનું હતું. તે ઉદ્યોગ બંધ થવાથી હજારો લોકો બેરોજગાર
થયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter