શ્રીનગર: વર્ષોના એન્જિનિયરીંગ પ્રયાસો પછી વંદે ભારત એક્સપ્રેસની સફળ ટ્રાયલ રન સાથે જ કાશ્મીરને રેલ માર્ગે જોડવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. જમ્મુ-કાશ્મીરમાં બનેલો આ વિશ્વનો સૌથી ઊંચો સિંગલ આર્ક બ્રિજ છે. જમ્મુ-કાશ્મીર આ બ્રિજ થકી દેશના બીજા ભાગો સાથે રેલ કનેક્ટિવિટી સાથે જોડાઇ જશે.
ભારતીય રેલવેને આ બ્રિજ બનાવવાં માટે 20 વર્ષથી વધારે સમય લાગ્યો છે. આ બ્રિજ જમ્મુના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનાવાયો છે. બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ 35 મીટર વધારે છે. આ બ્રિજ પરથી ગયા શુક્રવારે પહેલી વંદે ભારત ટ્રેન પસાર થઇ હતી, જે બક્કલ અને કૌરી વચ્ચે ચાલશે.
આ બ્રિજ દરેક ઋતુમાં ચાલનારી 272 કિલોમીટર લાંબી રેલવે લાઇનનો ભાગ છે, જે જમ્મુને કાશ્મીર સાથે જોડશે. શિયાળાના મહિનામાં ભારે બરફવર્ષાને કારણે જમ્મુથી કાશ્મીર તરફ જતા રસ્તાઓ બંધ થઈ જાય છે. જોકે આ બ્રિજથી બારે માસ અવરજવર શક્ય બનશે.
જમ્મુ અને કાશ્મીરની પડકારજનક શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષરૂપે ડિઝાઈન કરાયેલી ટ્રેન જમ્મુમાં કટરાથી શ્રીનગરના નવગામ સ્ટેશન સુધી પહોંચતા ભીડે ભારે ઉત્સાહ સાથે તેનું સ્વાગત કર્યું હતું. ગરમાટો આપતી આધુનિક સિસ્ટમ, ડીફ્રોસ્ટીંગ વિન્ડશીલ્ડ્સ અને વધારાની સુરક્ષા સુવિધાઓથી સજ્જ ટ્રેન શૂન્યથી નીચે તાપમાન અને હિમઆચ્છાદિત પ્રદેશમાં પ્રવાસ કરવા સક્ષમ છે.
272 કિલોમીટરના ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્કની પૂર્ણતા સાથે આ સિદ્ધિ ભારત સરકારના કાશ્મીરને દેશના રેલ નેટવર્કમાં સામેલ કરવાના વિઝન સાથે સુસંગત છે. પ્રોજેક્ટમાં વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ ચિનાબ આર્ચ બ્રિજ અને આધુનિક એન્જિનિયરીંગની સિદ્ધિ સમા આંજી ખાડ બ્રિજ જેવી અજાયબીઓ સામેલ છે.
વંદે ભારત તમામ હવામાનમાં વૈભવી પ્રવાસની સક્ષમતા સાથે એર-કંડિશન કોચ, ઓટોમેટિક દરવાજા અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ જેવી સુવિધા છે. પ્રવાસીઓ તેમજ સ્થાનિકો બંનેની સગવડતા વધતાં કાશ્મીરની પ્રવાસન અને આર્થિક સ્થિતિને બળ મળશે. પ્રવાસીઓને પણ સડક માર્ગથી પ્રવાસ કરવામાં રાહત મળે તેવી અપેક્ષા છે. ખાસ કરીને વિપરીત હવામાન દરમિયાન આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.
રેલવે સુરક્ષા કમિશનર કટરા-બારામુલ્લા વિભાગ માટે મંજૂરી આપતાં જ આગામી દિવસોમાં વડા પ્રધાન આ સેવાનું ઉદ્ઘાટન કરશે. લેફટન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ સિદ્ધિને સ્વપ્ન સાકાર થવા સમાન વર્ણવી હતી અને આ વિસ્તારમાં તેની પરિવર્તન લાવવાની ક્ષમતા પર ભાર મુક્યો હતો.