કર્ણાટકમાં સત્તાનું કોકડું ગૂંચવાયું

• ભાજપ ૧૦૪ • કોંગ્રેસ ૭૮ • જનતા દળ (એસ) ૩૮

Wednesday 16th May 2018 06:29 EDT
 
 

બેંગલૂરુઃ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના સેમિ-ફાઇનલ તરીકે ઓળખાવાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તો જાહેર થઇ ગયા છે, પરંતુ સરકાર કોણ રચશે તે મુદ્દે કોકડું ગૂંચવાયું છે. રાજકારણમાં સત્તાની સોગઠાબાજી કેવા ખેલ રચતી હોય છે તેનું ઉદાહરણ કર્ણાટકમાં જોવા મળી રહ્યું છે. ૨૨૪ સભ્યો ધરાવતા વિધાનસભા ગૃહની ૨૨૨ બેઠકો માટે શનિવારે મતદાન થયું. મંગળવારે પરિણામ જાહેર થયા. ગૃહમાં સ્પષ્ટ બહુમતી માટે ૧૧૩ બેઠકો જીતવી જરૂરી હતી, પરંતુ એકેય પક્ષ આ જાદુઇ આંકડા સુધી પહોંચી શક્યો નહીં. આ સંજોગોમાં ૧૦૪ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો ભાજપ સરકાર રચશે તેવું રાજકીય ચિત્ર ઉપસી રહ્યું હતું, પરંતુ બેઠકો જીતવામાં બીજા અને ત્રીજા ક્રમે રહેલા કોંગ્રેસ (૭૮ બેઠકો) અને જનતા દળ-સેક્યુલર (૩૮ બેઠકો)એ હાથ મિલાવીને સરકાર રચવાનો દાવો રજૂ કરીને મામલો પેચિદો બન્યો છે.
સત્તા માટે જનતા દળ (એસ) સાથે હાથ મિલાવવાની કોંગ્રેસની ચાણક્ય ચાલ સ્પષ્ટ કરે છે તે કોઇ પણ ભોગે કટ્ટર પ્રતિસ્પર્ધી ભાજપને સત્તાના સિંહાસનથી વંચિત રાખવા માગે છે. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ બેઠકો તેણે જીતી છે અને આ યુતિમાં પણ તે જનતા દળ (એસ) કરતાં લગભગ બમણી બેઠકો ધરાવે છે. છતાં તેણે જનતા દળ (એસ)ને મુખ્ય પ્રધાન પદની ઓફર કરી છે.

વિજય અભૂતપૂર્વ-અસાધારણ: મોદી

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા બાદ વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં પક્ષના હેડ ક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે સૌપ્રથમ વારાણસીમાં ફ્લાયઓવર દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ અને અસાધારણ છે. દેશમાં ભાજપ માત્ર ઉત્તર પ્રદેશ કે હિન્દી ભાષીઓનો પક્ષ છે એવી છાપ ઊભી કરી દેવાઈ હતી.
ગુજરાત હિન્દીભાષી નથી, મહારાષ્ટ્ર હિન્દીભાષી નથી, ગોવા પણ નથી, આસામ પણ નથી. પરંતુ એક ખોટી વાત વહેતી કરી દેવાઈ. જૂઠ્ઠું બોલનારા વારંવાર જુઠ્ઠાણા ફેલાવે છે.’ પક્ષપ્રમુખ અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે ‘ભાજપના વિજયપતાકા આગામી તમામ ચૂંટણીઓમાં લહેરાતા જ રહેશે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ નિશ્ચિતપણે ભાજપનો જ વિજય થશે.’

 કોંગ્રેસમુક્ત કર્ણાટકઃ યેદ્દીયુરપ્પા

કર્ણાટકમાં ભાજપને ફરી એક વાર બહુમતીની ખૂબ જ નજીક લઈ જનારા મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર યેદ્દીયુરપ્પાએ જનાદેશ અંગે કહ્યું હતું કે જનતાએ સિદ્ધારામૈયા સરકારને નકારી છે. જનતાએ કોંગ્રેસને હરાવી છે. જનતાએ કોંગ્રેસમુક્ત કર્ણાટકનો જનાદેશ આપ્યો છે. યેદ્દીયુરપ્પાએ કહ્યું કે પરાજય પછી પણ તેને સત્તા જોઈએ છે. કોંગ્રેસ પાછલા બારણેથી સત્તા મેળવવા મથે રહી છે.

વજુભાઇ હવે ક્યો માર્ગ પસંદ કરશે?

કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાઈ છે અને પ્રવાહી સ્થિતિ સર્જાઈ છે. હવે કોણ શાસન કરશે તેનો નિર્ણય ગુજરાતના પીઢ નેતા અને હાલ રાજ્યપાલ એવા વજુભાઈ વાળા નક્કી કરશે. વજુભાઈ સમક્ષ કોંગ્રેસ-જનતા દળેે (એસ) સંયુક્ત દાવો કર્યો છે અને એ જ રીતે ભાજપે પણ દાવો રજૂ કર્યો છે. એક સમયના આરએસએસ કાર્યકર અને બાદમાં ભાજપમાં સક્રિય થયેલા ૮૦ વર્ષીય વજુભાઈ વાળાને ૨૦૧૪માં રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વજુભાઈ પરંપરા અનુસરે તો સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને આમંત્રણ આપે તેવી શક્યતા છે. જોકે ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હતો છતાં તેને સરકાર રચવા રાજ્યપાલે આમંત્રણ આપ્યું ન હતું. તેમાં વિવિધ પક્ષોના જોડાણને ધ્યાનમાં લેવાયું હતું. આથી તાજેતરના કિસ્સાને ધ્યાનમાં લેતા વજુભાઈ કોંગ્રેસ અને જનતા દળ (એસ)ને સંયુક્ત રીતે સરકાર રચવા આમંત્રણ આપે તેવું પણ બની શકે.

વજુભાઈએ મોદી માટે સીટ ખાલી કરી હતી

મોદી સંઘમાંથી ભાજપમાં આવ્યા ત્યારે ૨૦૦૧માં સૌપ્રથમ વાર તેમને ચૂંટણી લડવાની હતી. આ સમયે વજુભાઈએ તેમની રાજકોટ-૨ બેઠક ખાલી કરી આપી હતી. અહીંથી મોદી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા. વજુભાઈ પોતે આ સીટ પરથી સાત વાર ચૂંટાયા હતા. ૨૦૦૨ની ચૂંટણીમાં મોદી અમદાવાદની મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તે સાથે જ વજુભાઈ ફરી રાજકોટ પશ્ચિમની તેમની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ગુજરાતમાં મોદી સરકારમાં વજુબાઈ નાણા પ્રધાન રહી ચૂક્યા છે. ૧૮ વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે.

૧૯૫૨ બાદ સૌથી ઊંચું મતદાન

કર્ણાટકની ચૂંટણીમાં ૭૨.૧૩ ટકા મતદાન થયું હતું, જેણે પાછલા તમામ વિક્રમો તોડી નાંખ્યા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. ૧૯૫૨થી અત્યારપર્યંત કોઈ ચૂંટણીમાં આટલું ઊંચુ મતદાન થયું નથી, મહિલા અને યુવાન મતદારોએ તેમના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સિદ્ધારામૈયાએ ગવર્નરને રાજીનામું સોંપ્યું

મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ મંગળવારે રાજ્યપાલ વજુભાઈને મળી રાજીનામાનો પત્ર સુપરત કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસે જનતા દળ (એસ) સાથે હાથ મિલાવ્યા છે. બન્ને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર કોંગ્રેસના ટેકાથી હવે કુમારસ્વામી રાજ્યના મુખ્ય પ્રધાન પદ માટે દાવો નોંધાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter