કાશ્મીરમાં પૂરબહાર ખીલી છે પર્યટનની મોસમ

Saturday 14th May 2022 14:42 EDT
 
 

શ્રીનગરઃ ‘ધરતી પરનું સ્વર્ગ’ ગણાતા કાશ્મીરમાં આ વર્ષે સહેલાણીઓની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. વર્ષની શરૂઆતના માત્ર ચાર જ મહિના એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં અહીં 6.05 લાખ પ્રવાસી પહોંચ્યા છે. આ ટ્રેન્ડ બતાવે છે કે, એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ આ વર્ષે તૂટે તો નવાઇ નહીં. આ પહેલા 2011માં અહીં સૌથી વધુ 13 લાખ પ્રવાસી પહોંચ્યા હતા. ગયા વર્ષના 12 મહિનામાં પણ અહીં 6.61 લાખ પ્રવાસી પહોંચ્યા હતા.
રાજ્યમાં પર્યટકોની મોસમમાં પૂરબહાર તેજીથી સ્થાનિક પ્રજાજનો બહુ ખુશ છે. કાશ્મીરમાં ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરોના સંગઠનના અધ્યક્ષ ફારુક કુથોએ કહ્યું કે, ‘હોટેલ ઓક્યુપન્સી 80થી 100 ટકા સુધી પહોંચી ગઇ છે. આખા મે મહિના માટે ખીણની તમામ મોટી હોટેલ બુક થઈ ગઈ છે. પ્રવાસીઓ શ્રીનગર પહોંચતા પહેલાં ઓનલાઈન હોટેલ બુક કરાવી લે એ તેમના હિતમાં છે, નહીં તો બહુ મુશ્કેલી પડે છે.’

‘આતંકના ગઢ’માં સહેલાણી ફરી વળ્યા
પ્રવાસીઓની સંખ્યા જોતાં સરકારે એલઓસી (લાઇન ઓફ કન્ટ્રોલ) નજીકના ગામોમાં પણ અનેક પ્રવાસન સ્થળ ખુલ્લાં મૂકી દીધા છે. હજુ હમણાં સુધી અહીં પ્રવાસીઓને હરવાફરવાની મંજૂરી ન હતી. કેરન, ગુરેજ, તંગધાર, માછિલ અને બંગસમાં નવા પ્રવાસન સ્થળો બન્યા છે. પ્રવાસન વિભાગે પણ તેમને યાદીમાં સામેલ કર્યા છે. એક સમયે આ વિસ્તારો આતંકના ગઢ ગણાતા હતા. પરંતુ આતંકીઓને જડબાતોડ જવાબ આપતી ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહીએ આ વિસ્તારમાંથી આતંકનો ખોફ નિર્મૂળ કર્યો છે. આ સ્થળો એવા છે કે અહીંથી પાક. કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ના ગામ પણ દેખાય છે, જ્યાં એક સમયે રોજ ફાયરિંગ થતું હતું.

અંતરિયાળ ગામોમાં હોમ સ્ટે ખૂલ્યા
એલઓસી નજીકના ગામોના સ્થાનિક પ્રજાજનો પર્યટકોનીી મહેમાનનવાજી માટે તેમની પ્રોપર્ટીને હોમ સ્ટેમાં બદલી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં અનેક નાના કેફે અને હોમ સ્ટે ચાલુ થઈ ચૂક્યા છે.

પર્યટક વધવાના મુખ્ય કારણ
એક સમયે આતંકી હિલચાલના કારણે અશાંત ગણાતાં કાશ્મીરમાં શાંતિ-અમન પ્રવર્તે છે. નિષ્ણાતો માને છે કે ભારતીય સુરક્ષા દળોની અસરકારક કામગીરીના પગલે સમગ્ર પ્રદેશમાંથી આતંકનો સફાયો થઇ રહ્યો છે. સલામતીનો અહેસાસ થતાં અહીં પર્યટકોનો ધસારો વધ્યો છે.
જોકે નિષ્ણાતો કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધવાના મામલે બીજા પણ કેટલાક કારણો ટાંકે છે. તેઓ કહે છે કે રશિયા-યુક્રેન યુદ્ધથી યુરોપિયન દેશોમાં મોંઘવારી ચરમસીમાએ છે, જેથી લોકો કાશ્મીર જઈ રહ્યા છે. આ ઉપરાંત બીજું કારણ એ છે કે દેશના મેદાની વિસ્તારોનું તાપમાન સરેરાશ 40 ડિગ્રીથી વધુ છે, કાશ્મીરમાં સરેરાશ 20 ડિગ્રી તાપમાન છે. આથી પ્રવાસીઓ આ પ્રદેશ ભણી આકર્ષાયા છે. એટલું જ નહીં, સરકારી તંત્ર પણ અંતરિયાળ ગુરેજ, તંગધાર જેવા વિસ્તારોમાં સુવિધા વધારવા પ્રયત્નશીલ છે. આથી પર્યટકો આ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.

પ્રવાસીઓ વધ્યા, બેરોજગારી ઘટી
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે લાખો બેરોજગારો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા પ્રમાણે, માર્ચ ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી દર ૨૫ ટકા હતો, જે એપ્રિલમાં ઘટીને ૧૫ ટકા થઈ જશે. આમ પર્યટકોના આગમનના લીધે પ્રવાસન ઉદ્યોગ ધમધમતો થથાં બેરોજગારીમાં 10 ટકા ઘટાડો થશે.
૭૫ નવા પ્રવાસન સ્થળ
સ્થાનિક વહીવટી તંત્ર પણ દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષવાના મામલે કોઇ કસર છોડવા માંગતું નથી. આથી જ પ્રવાસીઓ માટે ૭૫ નવા પ્રવાસન સ્થળ વિકસાવાઇ રહ્યા છે. આ ઓફબીટ સ્પોટ એડવેન્ચર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ અને વાઈલ્ડ લાઈફ થીમ પર પ્લાન કરાયા છે. આમાંના ઘણા પ્રવાસન સ્થળો તો કાર્યરત પણ થઇ ગયા છે. પ્રવાસનને પગલે હોમ સ્ટે, નેચર ગાઈડ, ટ્રેક ઓપરેટર, ફૂડ સ્ટોલના માધ્યમથી પણ રોજગારી સર્જન થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter