દિવ્ય કુંભ, મહા કુંભઃ સંક્રાંતિસ્નાન સાથે શ્રદ્ધાનો શંખનાદ

Tuesday 15th January 2019 05:51 EST
 
 

સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા આ કુંભમેળામાં ગંગા, યમુના અને લુપ્ત થયેલી સરસ્વતીના સંગમ સ્થળે લાખો લોકો પોતાના પાપ ધોવા અને મોક્ષ મેળવવા ઊમટી પડશે. આ પવિત્ર મેળો અને ધાર્મિક ઉત્સવ શરૂ થયો છે ત્યારે જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ બાબતો પર એક નજર...

સમુદ્રમંથન સાથે છે કુંભનો સંબંધ

પ્રાચીન ધાર્મિક ગ્રંથો પ્રમાણે કુંભમેળાનો સંબંધ દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથન સાથે છે. જ્યારે મંદાર પર્વત અને વાસુકી નાગની મદદથી દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી ૧૩ રત્નો નીકળ્યા હતા. તેમાંથી ૧૨ રત્નો બંનેએ સરખા ભાગે વહેંચી લીધા પણ અંતિમ - ૧૩મું રત્ન અમૃત હતું જેના માટે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને અમૃત કળશ પોતાની પાસે લઈ લીધો. તેમણે આ કળશ ભગવાન ઈન્દ્રના પુત્ર જયંતને આપ્યો. જયંત જ્યારે અમૃત કળશ લઈને ભાગતો હતો ત્યારે તેમાંથી અમૃતના કેટલાંક છાંટા પૃથ્વી ઉપર પડયા હતા. આ છાંટા જ્યાં પડયા તે સ્થળ પ્રયાગરાજ, નાશિક, ઉજ્જૈન અને હરિદ્વાર હતા.
પૃથ્વી પર જે પવિત્ર સ્થળોએ અમૃત પડયું તે તમામ સ્થળોએ દર ૧૨ વર્ષે કુંભમેળાનું આયોજન કરાય છે. આની પાછળ એવી માન્યતા છે કે, દાનવોથી સંતાડીને અમૃતનો કળશ સ્વર્ગમાં લઈ જવા માટે જયંતને ૧૨ દિવસ લાગ્યા હતા. દેવતાઓનો ૧ દિવસ પૃથ્વી ઉપર પસાર થતાં ૧ વર્ષ સમાન હોય છે. તેના કારણે દર ૧૨ વર્ષે કુંભનું આયોજન કરાય છે.

પ્રયાગરાજમાં સ્નાનથી પાપનો નાશ

કહેવામાં આવે છે કે પ્રયાગરાજના પવિત્ર સ્થાન પર સૌથી પહેલાં ભગવાન બ્રહ્માજીએ પર્યાવરણને પવિત્ર કરવા હવન કર્યો હતો. ત્યારથી એનું નામ પ્રયાગ પડયું હતું. માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે કુંભના પાવન સંમેલનનો પુણ્ય લાભ લેવા માટે અવસર માત્ર એ ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય છે, જેના પર મહાકાલ બાબા ભોલેનાથની કૃપા હોય છે. હિંદુ માન્યતાઓ અનુસાર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. દર કુંભમાં લાખો લોકો પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ ખાતે ઊમટી પડે છે. આ નગરી વાલ્મીકિના શિષ્ય ઋષિ ભારદ્વાજનું જન્મસ્થળ છે.

ત્રિવેણી સંગમ

ભારતની ત્રણ મહાન ધાર્મિક નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તે સ્થળ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. અહીંના સ્નાનને સૌથી પવિત્ર બતાવાયું છે. ત્રણ મહાન અને દૈવિક નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીને કારણે આ નગરી અતિ પવિત્ર થઈ ગઈ છે. આ યજ્ઞો અને અનુષ્ઠાનોનું નગર છે. અહીંના પાતાલપુરી મંદિરમાં એક અમર અને અક્ષય વૃક્ષ છે. કુંભ સિવાય મકરસંક્રાંતિ અને ગંગા દશહરા પર તીર્થસ્નાનનું વધુ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે ત્રિવેણી સંગમના સ્નાનથી મન અને શરીર પવિત્ર થઈ જાય છે અને પાપોથી મુક્તિ મળે છે.

શાહીસ્નાન બાદ કુંભપ્રારંભ

કુંભમેળામાં અખાડાઓના સાધુઓ માટે શાહીસ્નાનનું આયોજન કરાતું હોય છે. સામાન્ય નાગરિકો પહેલાં સાધુઓને સ્નાન કરવા માટે શાહીસ્નાન રાખવામાં આવે છે. તેમનો ચોક્કસ સમય નક્કી હોય છે. ત્યારબાદ સામાન્ય જનતાને સ્નાન કરવા દેવાય છે. અખાડાઓના સાધુઓ અને તેમના પ્રમુખને વિશેષ સ્થાન મળ્યાનો અનુભવ થાય તે માટે જ શાહીસ્નાનનો સમય આપવામાં આવે છે. શાહીસ્નાનની વિશેષ કોઈ પરંપરા નથી. માત્ર સાધુ સમાજને રાજી કરવા માટે તેનું આયોજન કરવામાં આવે છે. શાહીસ્નાનનો નક્કર ઈતિહાસ ભલે ન હોય, પણ લોહિયાળ ઈતિહાસ ચોક્કસ છે. ઘણી વખત અખાડાઓ વચ્ચે શાહી સ્નાન મુદ્દે લોહિયાળ જંગ થયા છે.

આ વર્ષે સંક્રાંતિસ્નાન માટે સૌથી પહેલાં મહાનિર્વાણી અખાડો પહોંચ્યો હતો અને અંતમાં નિર્મલ અખાડો આવ્યો હતો. ૧૧ કલાક સુધી શાહીસ્નાન ચાલ્યું હતું, જેમાં ૧૩ અખાડાના સાધુ-સંતોએ સ્નાન કરીને શ્રદ્ધાના સંગમનો પ્રારંભ કર્યો હતો.

પ્રારંભે ૪ અખાડા હતા, આજે ૧૪ છે

કુંભમેળામાં અખાડાઓનું અનોખું મહત્ત્વ હોય છે. અખાડાઓના સાધુઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ હોય છે. શંકરાચાર્યે હિંદુ ધર્મને બચાવવા માટે અખાડાની સ્થાપના કરી હતી. અખાડા તેમના ઈષ્ટદેવના આધારે વિભાજિત કરવામાં આવે છે. તેમાં શૈવ અખાડો, વિષ્ણુ અખાડો અને વૈષ્ણવ અખાડો - એમ ત્રણ મુખ્ય અખાડા હોય છે. હાલમાં તેની સંખ્યા ૧૪ થઈ ગઈ છે. સૌથી પહેલાં જૂનો અખાડો જ મોટો અખાડો છે. ત્યારબાદ નિરંજની અખાડો, મહાનિર્વાણ અખાડો, અટલ અખાડો, આવાહન અખાડો, આનંદ અખાડો, પંચાગ્નિ અખાડો, નાગપંથી ગોરખનાથ અખાડો, વૈષ્ણવ અખાડો, ઉદાસિન પંચાયતી મોટો અખાડો, ઉદાસિન નવો અખાડો, નિર્મલ પંચાયતી અખાડો અને નિર્મોહી અખાડો છે. કુંભની શરૂઆત ૪ અખાડાથી થઈ હતી હવે તેમાં ૧૪ અખાડા છે. દરેક અખાડાના પોતાના પ્રમુખ સંતો અને નીતિ-નિયમો હોય છે.

પહેલી વખત કિન્નર અખાડો જોડાયો

કુંભમેળામાં સામાન્ય રીતે ૧૩ અખાડા હોય છે. આ વખતે ૧૪ અખાડાની હાજરી જોવા મળવાની છે. ૧૪મા અખાડા તરીકે કિન્નર અખાડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા શનિવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, કિન્નર અખાડા હવે જૂના અખાડા સાથે જ પેશવાઈ કરશે. શાહીસ્નાનના દિવસે પણ તેઓ સાથે જ જોવા મળશે.

રૂ. ૪,૩૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વિશાળ અસ્થાયી શહેર

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીથી શરૂ થયેલા કુંભમેળા માટે રાજ્ય સરકારે જોરશોરથી તૈયારીઓ કરી છે. મેળામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવા અને મેળાને ભવ્ય બનાવવા માટે કુંભનગરીમાં વિશ્વનું સૌથી મોટું અસ્થાયી શહેર બનાવાયું છે. એનાં નિર્માણમાં રૂ. ૪,૩૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ શહેરમાં લાંબા રોડ, પુલ, કાર માટે પાર્કિંગની જગ્યા અને સેંકડો રસોઈઘર સહિત અનેક પ્રકારનાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. મેળામાં ૫૦૦૦ વિદેશવાસી ભારતીયો ભાગ લે તેવી શક્યતા છે. કુંભમેળામાં દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. મેળા માટે ૬૭૧ જનકલ્યાણકારી યોજનાઓને દોઢ વર્ષમાં પૂરી કરાઇ છે.

પ્રીમિયમ ટેન્ટ સિટીની રચના

કુંભમેળામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને અનુરૂપ આધુનિક અને સુલભ વ્યવસ્થા કરાઇ છે, જેમાં આવાસ, ભોજન, ટૂર અને તીર્થસ્થાન સહિત અનેક સુવિધાઓનો સમાવેશ થાય છે. પર્યટકોને ઉચ્ચ સ્તરીય સુવિધા આપવા માટે કુંભમેળામાં પ્રીમિયમ ટેન્ટ સિટી પણ વસાવવામાં આવ્યું છે. મેળા પરિસરમાં જાહેર વિશ્રામ માટે ૨૦ હજાર બેડ લગાવવામાં આવ્યા છે. આ બેડ પાસે જ ૪,૨૦૦ પ્રીમિયમ ટેન્ટ પણ ઉભા કરાયા છે. સમગ્ર આયોજન ૧૦,૦૦૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે. લાખો લોકોનાં ભોજનની વ્યવસ્થા માટે ૬૦૦ રસોઈઘર ધમધમે છે.

બે પ્રકારના કુંભ

અર્ધકુંભઃ દર ૬ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં જ અર્ધ કુંભનું આયોજન કરવામાં આવે છે.
મહાકુંભઃ દર ૧૨ વર્ષે યોજાતા મહાકુંભને પૂર્ણ કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાસિક અને ઉજ્જૈનમાં યોજાનારા મહાકુંભને સિંહસ્થ કુંભ પણ કહે છે.

કુંભમેળાની મહત્ત્વની તારીખો

• ૧૫ જાન્યુઆરી - શાહીસ્નાન સાથે કુંભપ્રારંભ
• ૪-૧૦ ફેબ્રુઆરી - શાહીસ્નાન
• ૧૪-૧૫ ફેબ્રુઆરી - સંક્રાંતિસ્નાન
• ૨૧ જાન્યુઆરી - પોષી પૂર્ણિમા
• ૩૧ જાન્યુઆરી - ષટલિકા એકાદશી
• ૦૪ ફેબ્રુઆરી - મૌની અમાવસ્યા
• ૧૦ ફેબ્રુઆરી - વસંત પંચમી
• ૧૯ ફેબ્રુઆરી - માઘી પૂર્ણિમા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter