ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સિંહગર્જનાઃ ‘ચૂંટણી પછીયે હું જ છું... ચિંતા ના કરો’

Wednesday 06th March 2019 06:16 EST
 
 

અમદાવાદઃ માદરે વતનના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર જણાવ્યું હતું કે ‘૨૦૧૯ની ચૂંટણી પછીયે હું જ (વડા પ્રધાન રહેવાનો) છું... ચિંતા ના કરો.’ સોમવારે મહાશિવરાત્રી પર્વે સૌરાષ્ટ્રના જામનગરથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો ત્યારથી મંગળવારે બપોરે ઇન્દોર જવા રવાના થયા ત્યાં સુધી એક પછી એક શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપીને નરેન્દ્ર મોદીએ આગવી સ્ટાઇલમાં સંબોધન કરી લોકોના દિલ જીતી લીધા હતા.
તેમણે પ્રવચનમાં આગામી લોકસભા ચૂંટણી, વિપક્ષના મહાગઠબંધન, પુલવામા આતંકી હુમલો, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક, સરકારની સિદ્ધિસમાન વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ આયોજનોને વણી લઇને વિરોધીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
પ્રવાસના પહેલા દિવસે વડા પ્રધાને જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું તો અમદાવાદના સીમાડે પાટીદાર સમાજ દ્વારા રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું. બાદમાં તેમણે અમદાવાદ મેટ્રો અને અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. બીજા દિવસે મંગળવારે અડાલજમાં લેઉવા પટેલ સમાજ દ્વારા નિર્મિત અન્નપૂર્ણા ધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવમાં હાજરી આપી વસ્ત્રાલમાં શ્રમયોગી પેન્શન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

પુલવામા આતંકી હુમલો અને તેના જવાબરૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી આક્રમક કાર્યવાહીને દેશવાસીઓએ આપેલા પ્રતિસાદથી પ્રોત્સાહિત વડા પ્રધાને કહ્યું હતું કે ‘હવે આતંકવાદનો સફાયો નિશ્ચિત છે. ભલે તેના આકાઓ પડોશી દેશમાં કેમ ન બેઠા હોય. ઘરમાં ઘુસીને મારશું...’ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ પણ લોકલાડીલા નેતાના ‘વીણી વીણીને હિસાબ લેવો તે મારી ફિતરત છે...’ ‘મોદી જે બોલે છે તે કરે છે...’ વગેરે વાક્યોને ‘મોદી - મોદી...’ના નારાથી વધાવી લીધા હતા.
વડા પ્રધાને પુલવામામાં જવાનોની શહીદી અને પાકિસ્તાન તરફથી થઇ રહેલા અટકચાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, ‘ભારતનો મિજાજ હવે બદલાયો છે. સામાન્ય લોકોનું મન પણ બદલાયું છે. આથી આપણે આતંકવાદનો સફાયો કરવાનું નિશ્ચિત કર્યું છે.’

રૂ. ૧૪૯૪ કરોડની યોજનાઓનું લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રૂ. ૧૪૯૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ લોકાર્પણ કર્યું હતું. આમાં દાહોદ વર્કશોપમાં મહિને ૧૫૦ વેગન્સના નિર્માણ માટે રૂ. ૮૬.૩૩ કરોડના ખર્ચે આધુનિકરણ અને વિસ્તરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ-ઘોઘરા ડબલ રેલવે લાઈન પરિયોજનાનું લોકાર્પણ કરાયું હતું. રૂ. ૬૯૨.૨૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ ડબલ લાઈન પરિયોજનામાં ૧૩ સ્ટેશનોને આવરી લેવાશે. આ સિવાય પાટણથી ભિલડી સુધીની નવી રેલવે લાઈનનો પણ સોમવારે શુભારંભ કરાયો હતો. પાટણથી ભીલડી સુધીની રેલવે લાઈન તૈયાર કરવા પાછળ રૂ. ૨૩૭ કરોડનો ખર્ચ થયો છે. તેમણે લોથલ ખાતે રૂ. ૪૭૮.૯૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્સનો ડિજીટલ પ્રારંભ કરાવ્યો હતો. આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીને આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ એનાયત કરાયું હતું.

જાસપુરમાં રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે ઉમિયા ધામ સંકુલ

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જામનગરના કાર્યક્રમો બાદ બપોરે એસ.જી. હાઇવે ઉપર જાસપુર ખાતે કડવા પાટીદારોના ઉમિયા ધામના ફંક્શનમાં આવ્યા હતા. જ્યાં એમણે ૨૦ મિનિટના ભાષણના અંતે જોશભેર જાહેરાત કરી હતી કે, ‘૨૦૧૯ (ની લોકસભાની ચૂંટણી) પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા, ભારત સરકારે (ઉમિયા ધામ માટે) જે કંઇ કરવાનું હોય તે કહેજો, દિલ્હીમાં ઘર તમારું જ છે.’
મોદીએ જાસપુરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામ મંદિર અને સંકુલનું ભૂમિપૂજન કરીને તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રવચનના પ્રારંભ પૂર્વે તેમણે ‘બોલ મારી મા ઉમિયા મા...’ તથા ‘પરાક્રમી ભારત કે લિયે... વિજયી ભારત કે લિયે... વીર જવાનો કે લિયે... ભારત માતા કી જય...’ના જયકારા પાટીદાર સમાજ પાસે બોલાવડાવ્યા હતા. તેમણે જુસ્સાભેર જણાવ્યું હતું કે, ‘હવે આ દેશમાં ધીમી ગતિ ચાલવાની નથી, થાગડથીગડ કામ થવાનું નથી, નાનું - નાનું નહીં ચાલે, મોટું જ કરવું છે, બોલો, કરવું છે ને? (શ્રોતા મોટેથી બોલ્યા - ‘હા...’), થઇ રહ્યું છે ને? (શ્રોતા ફરી મોટેથી બોલ્યા ‘હા...’), જો આ મિજાજ ના હોત તો સરદાર પટેલનું વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યૂ સર્જાયું ના હોત, બુલેટ ટ્રેનનું કામ શરૂ ના થયું હોત, કેટલાકને આમાં તકલીફ થાય તો ભલે થાય, વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે? મોટું જ કરે ને પાક્કું કરે ને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે... ભારતનો મિજાજ બદલાયો છે.’

‘૧૦૦ વર્ષ બાદ કામ કરવાનું સદભાગ્ય’

‘સમાજમાં એક વર્ગ એવો છે જેમને ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી લાગતી હોય છે, એમના અજ્ઞાન ઉપર મને દયા આવે છે કેમ કે હજારો વર્ષનો ઇતિહાસ તથા ઋષિ-મુનિઓ-સંતોની પરંપરા રહી છે કેમ કે આધ્યાત્મિકતા એ સમાજનું જીવન ચાલક બળ છે’ એમ ઉલ્લેખી મોદીએ ઉમિયા ધામના ફંકશનમાં કુંભમેળા વિશે કહ્યું કે, ૩ વર્ષે નાના આયોજન દ્વારા હિસાબ લેવાનું અને ૧૨ વર્ષે બદલાવ માટે શું જરૂરી છે તેના ઉપર ત્યાં ચિંતન થાય છે. ભૂતકાળમાં કુંભમેળો યોજાતો ત્યારે નાગાબાવાઓના અને અખાડાવાળાઓના ફોટા આવતાં અને એમની જ ચર્ચા થતી, જ્યારે આ વખતે યોજાયેલા કુંભમેળામાં સ્વચ્છતાની નોંધ લેવાઇ છે. મોદીએ કહ્યું કે, ‘૧૦૦ વર્ષ પહેલાં ગાંધીજી હરિદ્વાર ગયા હતા અને ત્યાં એમણે કુંભમેળાની ગંદકી વિશે ટકોર કરેલી, હવે ૧૦૦ વર્ષ બાદ એ કામ પૂરું કરવાનું સદ્ભાગ્ય અમને મળ્યું છે.

નવી પેઢીની ચિંતા સતાવે છે

‘પડયો બોલ જીલે એવો આ પાટીદાર સમાજ છે...’ એમ કહેતા નરેન્દ્ર મોદીએ એક તબક્કે હું તમારી વચ્ચે મોટો થયો છું એટલે કહેવાનો અધિકાર છે તેમ જણાવીને કહ્યું હતું કે, મને એક ચિંતા સતાવે છે. કમનસીબે જે નવી પેઢી આવી રહી છે તેમાં કેટલીક એવી ચીજો ઘૂસી રહી છે. વ્યસનો, નશો કરવા જેવા ખોટા રસ્તે આપણા બાળકો ન જાય તે જોવાની જવાબદારી પણ આપણી છે.

સેંકડો છગનબાપાની જરૂર

૧૦૦ વર્ષ પહેલાં એ વખતની પરિસ્થિતિઓ વચ્ચે કડી સર્વ કેળવણી શિક્ષણ સંસ્થાનથી પાટીદારો ઉપરાંત સમાજના તમામ વર્ગ માટે નવી રાહ ચીંધનારા સ્વ. છગનબાપાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અહીં જે બેઠા છે તેમના મૂળમાં છગનબાપાની દીર્ઘદૃષ્ટિ હતી. તેમણે આટાપાટા નહીં એવો શિક્ષણનો રસ્તો પકડી લીધો. હવે એક છગનબાપાથી ચાલે નહી, સેંકડો છગનબાપાની જરૂર છે.

શૂન્યમાંથી સર્જન કરનારો સમાજઃ રૂપાણી

શૂન્યમાંથી સર્જન કરનારો પ્રામાણિક, મહેનતુ પાટીદાર સમાજ છે ત્યારે મા ઉમિયાના આ મંદિરમાં સામાજિક, આરોગ્ય, શિક્ષણને લગતી વિવિધ સેવાઓનું નિર્માણ થશે જેનાથી સમાજ સેવાનું ઉમદા કાર્ય પૂરું પડાશે એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મંદિરના ખાતમૂહુર્ત બાદ પાટીદારોને સંબોધતા મુખ્ય પ્રધાને રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત પર ઉમિયા માતાના આશીર્વાદ અવિરતપણે રહેશે. જેનાથી
ગુજરાત હંમેશા સમૃદ્ધ, સલામત અને વધુ વિકાસશીલ બનેશે એવી મને શ્રદ્ધા છે. વિશ્વસ્તરના મંદિરના નિર્માણ માટે વિશ્વ ઉમિયા ધામ ટ્રસ્ટને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી નહીં, પણ પ્રધાન સેવક તરીકે કામ કરી રહ્યા છે.

ઉમિયા મહોત્સવની સાથે-સાથે

• ૧.૭૦ કરોડ ચોરસ ફૂટમાં કાર્યક્રમ • ૭૫,૦૦૦ વાહનની પાર્કિંગ વ્યવસ્થા • ૨૦ હજાર સ્વયંસેવકોની સેવા • ૫ હજાર મહિલાઓએ કરાવ્યું ૫ લાખને ભોજન • ૫ લાખથી વધુને આમંત્રણ પત્રિકા • ૧૧ હજારથી વધુ પાટલા ભૂમિપૂજા થકી વિશ્વ વિક્રમ • ૪ હજાર બાળકો-યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ • ૩ હજારથી વધુ બસની વ્યવસ્થા • ૫ લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ઉમટયા • ૪૧ ફૂટ ઊંચી મા ઉમિયાની પ્રતિમા, ૫૧ ફૂટ ઊંચું ત્રિશૂળ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter