ચૂંટણી જંગનું બ્યૂગલ ફૂંકાયુંઃ ૫૪૩ બેઠક, ૭ તબક્કામાં મતદાન

Wednesday 13th March 2019 04:32 EDT
 
 

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે ૧૧ એપ્રિલથી ૧૯ મે સુધીમાં સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામોની જાહેરાત ૨૩ મેના રોજ કરાશે.
ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ત્રીજા તબક્કામાં ૨૩ એપ્રિલે મતદાન થશે. આ ઉપરાંત તાલાલા અને ઊંઝા વિધાનસભા બેઠકોની પેટા- ચૂંટણીઓ પણ યોજાશે.
ચીફ ઇલેક્શન કમિશનર સુનીલ અરોરાએ રવિવારે પત્રકાર પરિષદમાં ચૂંટણીની આ તારીખોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં ૧૧, ૧૮, ૨૩, ૨૯ એપ્રિલ અને ૬, ૧૨ તથા ૧૯ મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કાર્યક્રમોની જાહેરાતની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. હવે સરકાર તરફથી કોઈ નવી યોજનાનું એલાન થઈ શકશે નહીં.

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીની સાથોસાથ પંચે આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીનું પણ એલાન કરી દીધું છે. આ રાજ્યોમાં લોકસભાની સાથે જ વિધાનસભા માટે પણ મતદાન કરાવાશે. જોકે પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વિધાનસભા ચૂંટણી યોજવાનું ટાળ્યું છે.

તબક્કાવાર મતદાન

પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ બેઠકો પર મતદાન થશે. બીજા રાઉન્ડમાં ૧૩ રાજ્યોમાં ૯૭ બેઠકો અને ત્રીજા તબક્કામાં ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો માટે મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં ૭૧ બેઠકો, પાંચમા તબક્કામાં સાત રાજ્યોની ૫૧ બેઠકો, છઠ્ઠા રાજ્યોમાં સાત રાજ્યોની ૫૯ બેઠકો અને સાતમા તબક્કામાં આઠ રાજ્યોમાં ૫૯ બેઠકો માટે મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨ મેના રોજ મતદાન થશે.
સૌથી વધુ લોકસભાની ૮૦ બેઠકો ધરાવતાં ઉત્તર પ્રદેશ, ૪૦ બેઠકો ધરાવતા બિહાર અને ૪૨ બેઠકો ધરાવતાં પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ૧૨ રાજ્યોમાં વિધાનસભાની ૩૪ બેઠકો માટેની પેટા-ચૂંટણી માટે પણ લોકસભાની ચૂંટણી સાથે મતદાન થશે.

અનંતનાગ બેઠક એક, તબક્કા ત્રણ

જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમવાર એવું બનશે કે જેમાં અનંતનાગ લોકસભા બેઠક પર સુરક્ષાના કારણોસર મતદાન ત્રણ તબક્કામાં યોજાશે. ૧૧ એપ્રિલે બે બેઠકો પર મતદાન થશે. તેના પછી ૧૮ એપ્રિલે પણ બે બેઠકો પર મતદાન થશે અને ત્યારબાદ ૨૩ અને ૨૯ એપ્રિલે ૧-૧ બેઠકો પર વોટિંગ થશે. જ્યારે ૬ મેના રોજ બે બેઠકો પર વોટિંગ થશે. જે તમામના પરિણામ ૨૩ મેના રોજ જાહેર થશે.

૧૦ લાખ પોલિંગ સ્ટેશન

આ વખતની ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશનો પર વીવીપેટ મશીનો લાગશે. જેનાથી ઉમેદવાર જાણી શકશે કે તેણે આપેલો મત યોગ્ય ઉમેદવારના ખાતામાં જ પડ્યો છે કે નહીં. ઈવીએમની અનેક સ્તરીય સલામતી પણ થશે. દેશભરમાં કુલ ૧૦ લાખ પોલિંગ સ્ટેશનો પર મતદાન કરાશે. તમામ મતદાન કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ હશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ થશે.

૯૦ કરોડ મતદારો

૧૭મી લોકસભા માટે ૯૦ કરોડ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સામાન્ય ચૂંટણીમાં આશરે ૮.૪ કરોડ મતદાતાનો વધારો થયો છે. ૧.૫ કરોડ મતદાતા તો ૧૮થી ૧૯ વર્ષના છે. તેઓ પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે. રસપ્રદ બાબત એ છે કે ૨૧મી શતાબ્દીમાં જન્મેલા લોકો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે.
પંચે રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર માટે ઈકો-ફ્રેન્ડલી ચીજોના ઉપયોગની સલાહ પણ આપી છે. કોઈ પણ ઉમેદવાર અખબારમાં ત્રણ વખત જ જાહેરાતો આપી શકશે. જો કોઈ ઉમેદવાર પોતાના પાન કાર્ડની જવાબદારી નહીં આપે તો તેની ઉમેદવારી રદ્દ કરી દેવાશે. એટલું જ નહીં, ઉમેદવાર રાત્રિના ૧૦થી સવારના છ કલાક સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ પણ નહીં કરી શકે.

સોશિયલ મીડિયા પર બાજનજર

૨૦૧૪માં સોશિયલ મીડિયા ગેમ ચેન્જર સાબિત થયું હતું, પણ આ વખતે ચૂંટણી પંચે તેના પર અંકુશ લાદયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું હતું કે પંચ ઓનલાઈન પ્રચાર પર નજર રાખશે. સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો અંગે પ્રિ-સર્ટીફિકેશન અનિવાર્ય બનશે. આ જાહેરાતો પાર્ટીના ચૂંટણી ખર્ચનો હિસ્સો પણ ગણાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ગુગલ, ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરમાં રાજકીય જાહેરાતોને સર્ટિફાઈડ કરાશે. આ પ્લેટફોર્મ્સ તેમના પ્લેટફોર્મ્સ પર રાજકીય જાહેરાતોને હાઈલાઈટ પણ કરશે. જ્યારે ફેસબુક અને ગુગલે આ માટે ખાસ અધિકારીની નિમણૂક પણ કરી છે કે જેથી પંચની માર્ગદર્શિકાનું ક્યાંય ઉલ્લંઘન થાય તો તેના અંગે કાર્યવાહી થઈ શકે.
અરોરાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા એક્સપર્ટ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીનો હિસ્સો બનશે.

ચૂંટણી માટે પક્ષો તૈયાર

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દેશના રાજકીય માહોલમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં રાજકીય પક્ષોએ કહ્યું છે કે તે ચૂંટણી માટે તૈયાર છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની જાહેરાતને આવકારીને તે માટે સજ્જ હોવાનું કહ્યું છે.
ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે ભાજપ લોકસભાની ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દેશમાં ભાજપની લહેર છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીની જાહેરાત અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈંતજાર પૂર્ણ થયો કેમ કે ભાજપે કરદાતાઓના પૈસાથી પ્રચાર અભિયાન ચલાવી રાખ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter