જિંદગી સામેનો જંગ જુસ્સાભેર જીત્યા થાઇલેન્ડનાં બાળકો

Wednesday 11th July 2018 09:41 EDT
 
 

બેંગ્કોકઃ ‘અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે પછી બીજું કંઈ... પરંતુ તમામ ૧૩ લોકો ગુફાની બહાર છે.’ આ શબ્દો છે ગુફામાં ફસાયેલાં ૧૨ બાળકો અને તેમના કોચને બચાવવા માટે ઝઝૂમનાર થાઈ નેવી સીલ ટીમના. થાઇલેન્ડની અંધારી અને પાણીથી ભરેલી ગુફામાં ૧૮ દિવસ સુધી ફસાયેલા ૧૨ જૂનિયર ફૂટબોલર અને તેમના કોચને મંગળવારે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ૧૨ ફૂટબોલ ખેલાડીઓ તેમના કોચ સાથે ૨૩ જૂનના રોજ ગુફા જોવા અંદર પ્રવેશ્યા હતા અને ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જતા અંદર જ ફસાઈ ગયા હતા.
થાઇલેન્ડની થેમ લુઆંગ ગુફા પર આખી દુનિયાની નજર હતી. ઓપરેશન પાર પડતાં ખેલાડીઓ અને કોચના પરિવારજનોથી માંડીને રેસ્ક્યુ ટીમના સભ્યોમાં જ નહીં, સમગ્ર થાઇલેન્ડમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. તો આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર જુદા જુદા દેશોના ડાઇવર્સની ટીમ વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા થઇ છે.

‘યુનાઇટેડ નેશન્સ’ ટીમ

ખૂબ જ સાંકડો માર્ગ ધરાવતી ગુફામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાના અભિયાન પર દુનિયાભરના લોકોની નજર હતી. બાળકો સુરક્ષિત રીતે બહાર આવે તેની થાઇલેન્ડ સાથે દુનિયાભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિ સામે લોકોની આશા અને જુસ્સાના વિજયની કહાણી છે. મિશન પૂરું થતાની સાથે ચિયાંગ રાય પ્રાંતના ગવર્નર નારોંગસક ઓસોટાનકોર્ને અભિયાનમાં સામેલ ટીમને 'યુનાઇટેડ નેશન્સ' ટીમ કહી હતી. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે થાઇલેન્ડની નેવી અને વાયુસેનાને અન્ય દેશોએ પણ મદદ કરી હતી. જેમાં બ્રિટન, ચીન, મ્યાનમાર, લાઓસ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સહિત અન્ય દેશના નિષ્ણાતો સામેલ થયા હતા.

લોકોની સ્વયંભૂ સહાય

ગુફાની પાસે રહેતા સ્થાનિક લોકોએ બચાવ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકો માટે ભોજન તૈયાર કર્યું હતું અને ડાઇવર્સના કપડાં પણ ધોયાં હતાં. દુનિયાભરમાંથી આવેલા નિષ્ણાત ડાઇવરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ગુફાની અંદર રહેલા બાળકો અને કોચને શોધ્યા હતા. ત્યારબાદ લાંબા અને અત્યંત મુશ્કેલ બચાવ અભિયાન દ્વારા તેમને બહાર કાઢ્યા હતા.

જાંબાઝ જવાનને સલામ

ગુફાની બહાર ત્યારબાદ જશ્નનો માહોલ હતો, પરંતુ અનેક લોકો આ અભિયાનમાં પોતાનો જીવ ગુમાવનાર એક સમયના નેવી સીલ કમાન્ડો અને સ્વયંસેવક ડાઇવર સમન ગુનાનને પણ યાદ કરી રહ્યા હતા. આ કમાન્ડો નિવૃત્ત થઇ ગયો હતો, પરંતુ બાળકો ફસાયા હોવાની જાણ થતાં તે સ્વેચ્છાએ ઓપરેશનમાં સામેલ થયો હતો. થાઇલેન્ડની સરકાર હવે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરશે.

ગુફા જોવા ગયા ને ફસાયા

થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા ખેલાડીઓ અંડર-૧૬ ફૂટબોલ ટીમના ખેલાડીઓ હતા. કુલ ૧૨ ખેલાડીઓ ફસાયા હતા. તેમની ઉંમર ૧૧થી ૧૬ વર્ષ વચ્ચે છે. તેમની સાથે તેમનો ૨૫ વર્ષનો કોચ પણ ફસાયો હતો. આ તમામ લોકો અભ્યાસ મેચ પૂરી થયા બાદ ગુફા જોવા માટે ગયા હતા. તેઓ સમુદ્ર કિનારે આવેલા રસ્તે ગુફામાં અંદર ગયા હતા. રસ્તો ખૂબ જ સાંકડો હતો. વરસાદ પડવાના કારણે આ ગુફામાં પાણી ભરાઇ ગયા હતા. અહીંયા જુલાઈથી નવેમ્બર સુધી દર વર્ષે ચોમાસાને પગલે ગુફા બંધ કરી દેવામાં આવે છે. આ ખેલાડીઓ તે પહેલાં અંદર જતા રહ્યા હોવાથી તેમની પાસે કોઈ જાણકારી નહોતી. તેઓ અંદર ગયા બાદ પૂર આવતા તેઓ ફસાઈ ગયા અને જીવ બચાવવા માટે અંદર અને અંદર આગળ જતા ગયા અને ફસાતા ગયા.

૧૦ દિવસે ભાળ મળી

થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા આ ૧૩ લોકોનો અતોપત્તો તો ત્રીજી જુલાઇએ મળી ગયો હતો, પરંતુ તેમને સુખરૂપ બહાર કાઢવામાં બે-ચાર દિવસ કે અઠવાડિયા નહીં, પરંતુ ત્રણથી ચાર મહિના લાગી જાય તેમ રેસ્ક્યુ ટીમના નિષ્ણાતોએ જણાવ્યું હતું. ગુફાની ખડકાળ જટિલ આંતરિક રચના, પૂરના પાણીની ઊંચી સપાટી સહિત એટલા અવરોધો હતા કે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. રેસ્ક્યુ ટીમે દસ દિવસની ઘનિષ્ઠ તપાસના અંતે સોમવારે મોડી સાંજે તમામ ૧૩ લોકોને શોધી કાઢ્યા હતા. જેમના જીવિત હોવા અંગેની આશંકા દિવસે દિવસે વધુ પ્રબળ બની રહી હતી તે સંજોગોમાં તમામ લોકો સુખરૂપ હોવાનું જાણવા મળતાં સૌએ રાહતની લાગણી અનુભવી છે. આ પછી તેમને સુખરૂપ બહાર કાઢવાનું અભિયાન હાથ ધરાયું હતું. થાઇ નેવી સીલ કમાન્ડો અને અન્ય દેશોના જાણકારો દ્વારા ગુફામાં ફોનના કેબલ્સ નાખવામાં આવ્યા હતા, જેથી ખેલાડીઓ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે. આ ખેલાડીઓ સુધી પહોંચનાર બ્રિટિશ ડાઇવર્સે જણાવ્યું કે, અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૩ લોકો ત્યાં હાજર હતા. અમે પૂછયું કેટલા લોકો છો? તો તેમણે પણ ૧૩ લોકો હોવાનો જવાબ આપ્યો હતો. ભારે વરસાદની આગાહી હોવાથી બચાવમાં વધારે સમય લાગે અને મુશ્કેલી વધે તેવી આશંકા હતી.

રવિવાર નિર્ણાયક દિવસ

૧૨ બાળકો અને એક કોચને બચાવવા માટે રવિવાર ‘કરો યા મરો’નો દિવસ હતો. નિષ્ણાતોએ કહ્યું હતું કે કોઈ પણ ભોગે બાળકોને બચાવવા થાઈલેન્ડ નેવી સીલના પાંચ ડૂબકીમાર અને ૧૩ વિદેશી ડૂબકીમારોએ ગુફામાં પ્રવેશવાનું સાહસ ખેડ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી. તેમણે ૪ બાળકને સહીસલામત બહાર કાઢ્યા હતા. એક બાળકને બચાવવા માટે બબ્બે ડૂબકીમારને કાર્ય સોંપાયું હતું. ગુફામાં જઇને પાછા આવવા એક ડૂબકીમારને ૧૧ કલાક લાગતા હતા. આથી તેમનું કામ માનીએ છીએ તેટલું સહેલું નહોતું.

કુદરતે પણ સાથ આપ્યો

અગાઉ રાહત-બચાવ કાર્ય પાર પડવામાં ચાર મહિના લાગી જાય તેવી આશંકા પ્રવર્તતી હતી. જોકે બે-ત્રણ દિવસથી ગુફાની આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર ઘટયું હોવાથી બચાવ કામગીરીમાં થોડી રાહત મળી હતી. અનેક મજૂરો દ્વારા પાઈપ લાઈનથી ગુફામાંથી પાણી ઉલેચવાનું કામ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સોમવારે વરસાદનું જોર ઘટતાં મંગળવારે બચાવ-કામગીરીમાં વધુ રાહત હતી. બાળકોને મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી, ખેંચીને ગુફામાંથી બહાર કઢાયા હતા. ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો અને કોચને બચાવવા માટે રવિવારે સાહસિક અભિયાન હાથ ધરાયું હતું. ડૂબકીમારો દ્વારા તરતા નથી આવડતું તેવા ૪ બાળકોને મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવીને તેમની સાથે ખેંચીને ગુફામાંથી બહાર લાવવામાં આવ્યા હતા.

તમામ બાળકો સ્વસ્થ

બચાવેલા તમામ બાળકો સ્વસ્થ છે. બાળકોને તાત્કાલિક સારવાર આપવા ગુફા નજીક ડોકટરો અને નર્સોની ટીમ તૈયાર રખાઈ હતી. તેમને ગંદા અને ઠંડા પાણીમાં રહ્યા પછી ઈન્ફ્કશન ન લાગે તેની તકેદારી રખાતી હતી. હાલમાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય અપાયું છે. તેમને ભાત અને ડ્રાય ફિશનું ભોજન અપાયું હતું. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે ગુફામાંથી બચાવાયેલા તમામ બાળકો સ્વસ્થ છે. તેમણે ભૂખ લાગી હોવાથી ભોજન માગ્યું હતું. તેમને પોર્ક અને ડ્રાય ફિશ તેમજ ભાત અપાયા હતા.

બ્રિટિશ ડાઇવર્સની સાહસિક કામગીરી

બ્રિટનથી આવેલા ૧૨ નિષ્ણાત ડાઇવર્સે રવિવારે ૪ બાળકોને બચાવ્યા હતા. તેમણે જ સોમવારે વધુ ૪ બાળકોને બચાવ્યા હતા. મંગળવારે પણ ઓપરેશન પૂરું કરવામાં તેમનું મહત્ત્વનું પ્રદાન હતું. સાંકડી અને ઊંડી ગુફામાંથી આ ડૂબકીમારોએ બાળકોને હેમખેમ બહાર લાવવા ભારે મહેનત કરી હતી.

વિશ્વભરમાંથી અભિનંદન વર્ષા

• અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અભિયાન પૂરું થતાની સાથે જ થાઈ નેવી સીલને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ટ્વીટ કર્યું હતુંઃ અમેરિકા તરફથી ૧૨ બાળકો અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢવા બદલ થાઈ નેવી સીલને અભિનંદન, આ કેટલી સુંદર પળ છે. બધા આઝાદ છે. સરસ કાર્ય.
• બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ ટ્વીટ કર્યુંઃ થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા લોકોને બચાવી લેવા બદલ પ્રસન્ન છું. સમગ્ર દુનિયા આ જોઈ રહી હતી અને અમે આ અભિયાનમાં જોડાયેલા લોકોની બહાદુરીને સલામ કરીએ છીએ.
• જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના પ્રવક્તાએ ટ્વીટ કર્યુંઃ પ્રશંસા કરવા બાદ કેટલું બધું છે. બહાદુર બાળકો અને તેમના કોચની અડગતા, બચાવકર્મીઓની ક્ષમતા અને દૃઢ સંકલ્પ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter