થેરેસા સરકારે જલિયાંવાલા બાગ નરસંહારની માફી ન માગી

અફસોસનો પુનરોચ્ચારઃ જલિયાંવાલા બાગ નરસંહારને ૧૩ એપ્રિલે ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છેઃ ઓછામાં ઓછાં ૩૭૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત, ઓછામાં ઓછાં ૧૨૦૦ પ્રદર્શનકારી ફાયરિંગમાં ઘાયલ થયાં હતાંઃ બ્રિટિશ સંસદમાં માફીની ઉઠેલી માગ

Friday 12th April 2019 07:05 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સંસ્થાનના ભારતના ઈતિહાસમાં અતિ કુખ્યાત ગણાવી શકાય તેવા જલિયાંવાલા બાગ નરસંહારને ૧૩ એપ્રિલે ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે યુકેની સરકાર તેમના અત્યાચારો માટે માફી માગવામાં નિષ્ફળ ગઈ છે. વડા પ્રધાન થેરેસા મેએ ૧૯૧૯ના જલિયાંવાલા બાગ સામૂહિક હત્યાકાંડને બ્રિટિશ ભારતીય ઇતિહાસની દુ:ખદ અને શરમજનક ઘટના ગણાવી ‘અફસોસ’ વ્યક્ત કર્યો હતો, પરંતુ સંસદમાં અગાઉ થયેલી ચર્ચામાં ઉઠેલી સાર્વજનિક માફીની માગણીને ફગાવી દીધી હતી. હત્યાકાંડની એકસોમી વરસી પર હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના સાપ્તાહિક પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં જારી નિવેદનમાં તેમણે બ્રિટિશ સરકારો દ્વારા અગાઉ વ્યક્ત કરાયેલા અફસોસનો પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન, ભારતમાં પંજાબની વિધાનસભાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને નરસંહાર માટે જવાબદાર બ્રિટિશ સરકાર માફી માગે તેવી માગણી કરી હતી. પંજાબ વિધાનસભાએ ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકાર બ્રિટિશ સરકારને માફી માંગવા કહે તેવું દબાણ વધાર્યું હતું. આ ઘૃણિત હત્યાકાંડને ૧૦૦ વર્ષ થવા આવ્યાં છે છતાં, બ્રિટિશ સરકાર બ્રિટિશ રાજના સમયની બર્બરતાના મુદ્દે હજુ ‘અફસોસ કે ખેદ’ની રેકર્ડ વગાડતી રહી છે.

થેરેસા મેએ જણાવ્યું હતું કે, ‘૧૯૧૯માં થયેલો જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ-ભારતીય ઈતિહાસમાં શરમજનક ધબ્બા સમાન છે. જે રીતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ૧૯૯૭માં જલિયાંવાલા બાગની મુલાકાત વેળાએ કહ્યું હતું કે, ‘આ ભારત સાથેના અમારા અતીતનું એક દર્દનાક ઉદાહરણ છે.’ મેએ વધુમાં કહ્યું હતું કે,‘ તે સમયે જે કાંઈ થયું અને હત્યાકાંડનું કારણ બન્યું તેનો અમને ભારે અફસોસ છે. મને એ જાહેર કરતા ખુશી થાય છે કે આજે ભારત અને બ્રિટનના સંબંધો આપસી સહયોગ, સુરક્ષા, સમૃદ્ધિ અને મિત્રતા પર આધારિત છે. બ્રિટિશ સમાજમાં ભારતીયોનો અમૂલ્ય ફાળો છે અને મને ખાતરી છે કે સંપૂર્ણ ગૃહ પણ યુકેના ભારત સાથેના સબંધો વધતા રહે તો જોવા ઇચ્છે છે.’

થેરેસા મેના આ નિવેદન પછી વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કહ્યું હતું કે, ‘આ નરસંહારમાં જે લોકોએ જીવ ગુમાવ્યો અને જે પણ ત્યાં થયું તે માટે તેઓ સ્પષ્ટ અને બિનશરતી માફી માગવામાં આવે તેનો હક ધરાવે છે.’

આમ છતાં, વડા પ્રધાન થેરેસા મેએ સત્તાવાર માફી માગી નહિ અને કહ્યું હતું કે બ્રિટિશ સરકારોએ આ બાબતે અગાઉ પણ વારંવાર ‘ખેદ’ દર્શાવ્યો જ છે.

બ્રિટિશ સંસદમાં માફીની ઉઠેલી માગ 

પાર્લામેન્ટના વેસ્ટમિન્સ્ટર હોલમાં બ્રિટિશ સાંસદોએ મંગળવાર, નવ એપ્રિલે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ ઔપચારિક માફીના મુદ્દે ચર્ચા કરી હતી. તમામ રાજકીય પક્ષોના સાંસદોની ચર્ચા હત્યાકાંડ પરત્વે બ્રિટિશ અભિગમ, તેનું ઐતિહાસિક વિસ્મરણ તેમજ સંસ્થાનવાદી ભૂતકાળના કલંકિત દિવસોના પ્રશ્નો તરફ દોરી ગઈ હતી. હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને ‘શરમ’ની તીવ્ર લાગણી સાથે બ્રિટિશ સરકારને માફી માગવાની હાકલ કરવા સાથે ચર્ચાનો આરંભ કર્યો હતો. તેમણે ૧૦૦ વર્ષ અગાઉ અમૃતસરમાં બૈશાખી પર્વે એકત્ર થયેલા લોકો પર ગોળીબારનો આદેશ આપનારા બ્રિટિશ જનરલ ડાયરનો દેખીતો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘મારે શરમ સાથે કહેવું જોઈએ કે,કન્ઝર્વેટિવ પાર્ટી અને મોટા ભાગના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટે જનરલ ડાયરનો ભારે બચાવ કર્યો હતો. તેના ઉપરી અધિકારીઓએ તેના કૃત્ય, ઓર્ડર્સ કે અન્ય વર્તનમાં કોઈ ક્ષતિ ન હોવાનું જણાવ્યા સાથે તપાસ પછી તે પેનલ્ટીઓમાંથી બચી ગયો હતો.’

ભારતવંશી અને ઈલિંગ, સાઉથોલના લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન થેરેસા મે આ મુદ્દે સાર્વજનિક માફી માગે તે માટે આ યોગ્ય સમય છે. આ ઈતિહાસ દૂરનો હોવાં છતાં આજે પણ મહત્ત્વની અને સંવેદનશીલ ઘટના છે. જનરલ ડાયર માટે બહુમતી સપોર્ટ ન હોવાં છતાં તેના માટે વર્તમાનમાં એક મિલિયન પાઉન્ડનું મૂલ્ય હોય તેટલી રકમ તેના માટે ત્યારે એકત્ર કરવામાં આવી હતી. માફી માગવાથી જ આનો અંત આવી જવાનો નથી. સમગ્ર દેશના બાળકો જલિયાંવાલા બાગ હત્યાકાંડમાંથી કોઈ શીખ મેળવે તેમજ બ્રિટિશ સફળતા અને ઈનોવેશનના ૧૦૦૦ વર્ષનો ઈતિહાસ તેઓ ભણે તેની સાથે સાહસ, શોધખોળ અને શોષણનાં સમગ્ર વિશ્વમાં માનવ બલિદાનો વિશે પણ શીખે તેમ હું ઈચ્છું છું.’

ભારતીય મૂળના લેબર સાંસદ પ્રીત કૌર ગિલે જણાવ્યું હતું કે,‘ આપણે ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગ નરસંહારની એકસોમી વર્ષીની નજીક છીએ ત્યારે બ્રિટિશ સરકારે તે કરુણ ઘટના માટે સત્તાવાર માફી માગવી જોઈએ તે સ્પષ્ટ છે. યુનાઈટેડ કિંગ્ડમ સરકારે આ નરસંહારમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કરવો જોઈએ.’

વોલ્વરહેમ્પ્ટન સાઉથ ઈસ્ટના લેબર સાંસદ પેટ મેકફાડને જણાવ્યું હતું કે, ‘આ ઘટનાની ૧૦૦મી વર્ષગાંઠ આવી રહી છે ત્યારે આગળ વધીને સત્તાવાર માફી માગવાની તક મળી છે, તેમ મારું માનવું છે. આવાં ઘૃણિત અપરાધ માટે ‘સોરી’ કહેવામાં ૧૦૦ વર્ષ લાગવા ન જોઈએ. માફી ન માગવા કરતાં ૧૦૦ વર્ષે પણ માફી માગવી વધુ સારું છે.’ પેરી બાર, બર્મિંગહામના લેબર સાંસદ ખાલિદ મહમૂદે કહ્યું હતું કે,‘ સરકારે સમજવું જોઈએ કે લોકો હવે ભૂતકાળના દ્વારા બંધ કરી શકે અને યુનાઈટેડ કિંગ્ડમ સાથેના સંબંધોમાં આગળ વધી શકે તે માટે આ ઘટનાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિહાળવાનો સમય આવી ગયો છે.’

બોબ બ્લેકમેને ચર્ચાના અંતે જણાવ્યું હતું કે ‘બ્રિટનની શાળાઓમાં આપણા બાળકોને જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે ભણાવવું જોઈએ. લોકોને એ જાણ થવી જોઈએ કે બ્રિટનના નામે શું શું કરાયું હતું. આ નરસંહાર માટે માફી માગવી એ જ યોગ્ય નિર્ણય છે, જે ભારત સાથે આપણી મૈત્રીને આગળ લઈ જશે.’

યુકેના ફોરેન ઓફિસ મિનિસ્ટર તેમજ લંડન અને વેસ્ટમિન્સ્ટરના સાંસદ માર્ક ફિલ્ડે બ્રિટનનો બચાવ કરતા જણાવ્યું હતું કે ઈતિહાસના આ ‘શરમજનક પ્રકરણ’ મુદ્દે આ ચર્ચા મહત્ત્વની હોવાં છતાં એ બાબતે ધ્યાન દોરવું આવશ્યક છે કે બ્રિટિશ રાજ સંબંધિત ઘટનાઓ માટે માફી માગવામાં પણ તેની આગવી સમસ્યાઓ રહે છે. વાસ્તવિકતા એવી છે કે માફીની માગણી સ્વીકારવા માટે કોઈ પણ બ્રિટિશ ડિપાર્ટમેન્ટે ‘નાણાકીય અસર’ સહિતના પરિબળોનો વિચાર કરવાનો રહે છે.’ યુકે સરકાર દ્વારા દ્વારા ઊંડા અફસોસનો પુનરોચ્ચાર કરતા તેમણે જણાવ્યું હતું કે ‘ભારત સાથેની આપણા આધુનિક મૈત્રીસંબંધ ભવિષ્ય પર કેન્દ્રિત છે આમ છતાં મને લાગે છે કે સંબંધો પર ખરડાયેલા ભૂતકાળનો પડછાયો હોય જ છે.’

જલિયાંવાલા બાગમાં શું થયું હતું?

પંજાબના અમૃતસરના સુવર્ણમંદિર નજીક ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના વૈશાખીપર્વના દિવસે ૨૦,૦૦૦ જેટલા લોકો અંગ્રેજો દ્વારા લદાયેલા ‘રોલેટ એક્ટ’ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ કરવા એકત્ર થયાં હતાં. આ સમયે અંગ્રેજ અધિકારી જનરલ રેજિનાલ્ડ ડાયરે અચાનક ત્યાં આવી બાગના દરવાજા બંધ કરવા અને ગોળીઓ ચલાવવા પોતાની ટુકડીને આદેશ કર્યો હતો. લગાતાર ૧૦ મિનિટ સુધી ગોળીઓની વર્ષા ચાલતી રહી અને ગોળીઓ ખલાસ થવા સાથે ફાયરિંગ બંધ થયું હતું. બ્રિટિશ સરકારના રેકોર્ડ અનુસાર અંધાધૂંધ ગોળીબારમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછાં ૩૭૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત, ઓછામાં ઓછાં ૧૨૦૦ પ્રદર્શનકારી ફાયરિંગમાં ઘાયલ થયાં હતાં. જોકે, ભારતીય અધિકારીઓના દાવા અનુસાર ૧૦૦૦થી વધુ લોકોના મોત અને ૨૦૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતાં. આ હત્યાકાંડમાં એવા લોકોનો પણ સમાવેશ થયો હતો, જેઓ બાગમાં માત્ર વૈશાખી તહેવાર ઉજવવાં એકઠાં થયાં હતાં.

જલિયાંવાલા સંહાર વિશે ‘અફસોસ’નો સિલસિલો

• બ્રિટનના પૂર્વ વડા પ્રધાન અને રાજનીતિજ્ઞ વિન્સ્ટન ચર્ચિલે હત્યાકાંડના એક વર્ષ પછી ૧૯૨૦માં તેને ‘રાક્ષસી’ ગણાવ્યો હતો.

• બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ૧૯૯૭માં જલિયાંવાલા બાગની મુલાકાત અગાઉ કહ્યું હતું કે,‘આ ભારતની સાથેના અમારા અતીતનું દર્દનાક ઉદાહરણ છે.’

• બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ૨૦૧૩માં જલિયાંવાલા બાગની મુલાકાત લઈ ત્યાં જાન ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હોદ્દા પર રહીને આમ કરનારા તેઓ પ્રથમ વડા પ્રધાન હતા. આમ છતાં, તેમણે સત્તાવાર માફી માગી ન હતી અને બચાવ કર્યો હતો કે તે સમયે બ્રિટિશ સરકારે હત્યાકાંડની ‘યોગ્યપણે નિંદા’ કરી હતી.

• વર્ષ ૨૦૧૭માં ભારતની મુલાકાતે આવેલા લંડનના મેયર સાદિક ખાને પણ બ્રિટિશ સરકારે જલિયાંવાલા બાગ નરસંહાર બદલ માફી માગવી જોઈએ તેમ જણાવ્યું હતું.

 બ્રિટિશ હાઈ કમિશનર સર એસ્ક્વિથની શ્રદ્ધાંજલિ 

જલિયાંવાલા બાગ ખાતે અંગ્રેજ હકૂમત દ્વારા આચરાયેલા નરસંહારની ૧૦૦મી વરસી નિમિત્તે શનિવાર,૧૩ એપ્રિલે દેશભરમાં રાજકીય નેતાઓ અને નાગરિકોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપી હતી. આ પ્રસંગે અમૃતસર ખાતે જલિયાંવાલા બાગ સ્મારક ખાતે પહોંચેલા બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથે નરસંહારમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પતાં ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સ્મારક ખાતેની વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં જલિયાંવાલા બાગ ખાતેની ઘટના બ્રિટિશ-ઈન્ડિયા ઇતિહાસના શરમજનક કૃત્યનું પ્રતિબિંબ છે. અમે આ ઘટના અને તેના દ્વારા સર્જાયેલી પીડા અને વેદના માટે અત્યંત ખેદ વ્યક્ત કરીએ છીએ. મને એ વાતની ખુશી છે કે આજે ભારત અને બ્રિટન ૨૧મી સદીમાં ભાગીદારી દ્વારા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બ્રિટિશ દૂતાવાસના સત્તાવાર પેજ પર ટ્વિટમાં જણાવાયું હતું કે, ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગમાં મૃત્યુ પામેલાંને અમે આજે અત્યંત દુઃખ સાથે યાદ કરી રહ્યાં છીએ. તેના કારણે થયેલી પીડા માટે અમને ઘણો ખેદ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter