દિલ્હીમાં પ્રચંડ કિસાન રેલીઃ દેવામુક્ત ખેડૂત, આત્મહત્યામુક્ત દેશની માગ

Friday 30th November 2018 04:11 EST
 
 

નવી દિલ્હીઃ દેશભરના ખેડૂતો દેવામાફી અને કૃષિઉપજના યોગ્ય મૂલ્યની માગ સાથે દિલ્હી પહોંચ્યા છે. ખેડૂતોએ તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે સંસદનાં ત્રણ સપ્તાહનું વિશેષ સંયુક્ત સત્ર યોજવાની પણ માગણી કરી છે. ગુરુવારે યોજાયેલી ખેડૂતોની રેલી દિલ્હીના સીમાડે આવેલા બ્રિજવાસનથી રામલીલા મેદાન પહોંચી હતી, જેમાં એક લાખ કરતાં વધુ ખેડૂતો જોડાયા હતા.

દેશના ૨૦૦થી વધુ ખેડૂત સંગઠનોનાં મુખ્ય સંગઠન અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિનાં નેજામાં પાટનગરમાં બે દિવસીય કિસાન મુક્તિમાર્ચનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત દેશભરમાંથી હજારો ખેડૂતો પહોંચ્યા છે. ખેડૂતોએ દિલ્હીના સીમાડા સાથે જોડાયેલા પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી.
ખેડૂતો અને તેમના પરિવારજનો આ મહારેલીમાં જોડાયાં હતાં. તેમણે પોતાના હાથમાં આત્મહત્યા કરનારા પરિવારજનોની તસવીરો સાથેના પ્લેકાર્ડ દર્શાવીને માગ બુલંદ બનાવી હતી. પ્લેકાર્ડમાં લખવામાં આવ્યું હતું કે, પાકની નિષ્ફળતા ખેડૂતોને દેવાદાર બનાવી રહી છે. તેમને બિયારણ, ખાતર અને પશુઆહારની ખરીદી માટે ઊંચા વ્યાજદરોએ નાણાં ઉછીનાં લેવાં પડે છે. અમે દેવામુક્ત ખેડૂત અને આત્મહત્યામુક્ત ભારત ઇચ્છીએ છીએ.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, અમે કોઈ પણ અનિચ્છનીય બનાવ અટકાવવા સુરક્ષાનાં પૂરતાં પગલાં લીધાં છે. ખેડૂતોની રેલીને સમાજના વિવિધ વર્ગો દ્વારા આવકારવામાં આવી હતી. નિવૃત્ત લશ્કરી જવાનોએ રેલીને સમર્થન જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉપરાંત વકીલો અને વિદ્યાર્થીઓએ પણ ખેડૂતોની રેલીને આવકારીને ટેકો જાહેર કર્યો છે.

જગતના તાતના આરોપ

• ખાતર, જંતુનાશકોથી માંડીને ડીઝલ મોંઘાં થવાથી ખેડૂતોને ભીખ માગવાની ફરજ પડી રહી છે. • સરકારની નીતિઓએ ખેડૂતોને વધુ ગરીબ બનાવી દીધા છે. • ધિરાણ-લોન મોંઘું બની રહ્યું છે, પાક નિષ્ફળ જાય તો કોઈ વળતર મળતું નથી. • સરકારની તમામ યોજનાઓ બનાવટી છે, વીમા કંપનીઓ નફો રળી રહી છે.

જગતના તાતની મુખ્ય માગણી

• એમ. એસ. સ્વામીનાથન્ સમિતિના રિપોર્ટનો અમલ.
• ખેડૂતોને અપાતા લઘુતમ ટેકાના ભાવમાં વધારો
• સંસદમાં ખેડૂતોની સમસ્યાઓની ચર્ચા માટે ૩ સપ્તાહનું વિશેષ સંયુક્ત સત્ર.
• સંસદમાં ફાર્મર્સ ફ્રીડમ ફ્રોમ ઇન્ડેબ્ટનેસ બિલ ૨૦૧૮ અને ફાર્મર્સ રાઇટ ટુ ગેરંટેડ રિમ્યુનરેટિવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ફોર એગ્રિકલ્ચરલ કોમોડિટીઝ બિલ ૨૦૧૮ પર તાત્કાલિક ચર્ચા.
• ખેડૂતોની તમામ લોન માફ કરો.
• દરેક ખેડૂતને રૂ. ૫,૦૦૦ માસિક પેન્શન આપો.

‘દેશનો કિસાન ભાજપને જવાબ આપશે’

અખિલ ભારત ખેડૂતસભાના પ્રમુખ અશોક ધાવલેએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારને ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવામાં કોઈ રસ નથી. નોટબંધીને કારણે ખેડૂતોને ગંભીર ફટકો પડયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આશ્વાસનો આપ્યાં હોવા છતાં ખેડૂતોની સમસ્યાઓ યથાવત્ છે. આ દગાબાજી માટે ખેડૂતો ૨૦૧૯માં મોદી સરકાર અને ભાજપને જડબાતોડ જવાબ આપશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter